કેલિફોર્નિયામાં ભારે વરસાદ, કાદવને લીધે 13 લોકોનાં મૃત્યુ

કેલિફોર્નિયાના રસ્તા પર પડેલા પથ્થરો Image copyright REUTERS
ફોટો લાઈન કેલિફોર્નિયાના રસ્તા પર પડેલા પથ્થરો

દક્ષિણ કેલિફોર્નિયામાં ભારે વરસાદ બાદ પૂર અને મડસ્લાઇડને કારણે 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું છે કે કેલિફોર્નિયાના જંગલમાં પાછલા મહીને લાગેલી આગને કારણે આ વરસાદમાં કમર સુધી કાદવના થર થઈ ગયા છે.

જેના કારણે 48 કિલોમીટરથી પણ વધારે તટવર્તીય રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે.

પોલીસે કહ્યું કે આ સમગ્ર વિસ્તાર પહેલા વિશ્વ યુદ્ધ જેવો લાગી રહ્યો છે. હાલ ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

હજારો લોકોનું આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ફસાયેલા 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

લૉસ એન્જલસના બીબીસી સંવાદદાતા જેમ્સ કૂકના રિપોર્ટ પ્રમાણે નાની કારના કદ જેવડા પથ્થરો પહાડો પરથી સરકીને રસ્તા પર આવી ગયા જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે.

બચાવવામાં આવેલા લોકોમાં એક 14 વર્ષની કિશોરી પણ છે જે તેના તબાહ થયેલા ઘરમાં કલાકો સુધી ફસાયેલી રહી હતી.

ફાયર વિભાગે કાદવથી ભરાયેલી આ કિશોરીની તસવીર જાહેર કરી છે.


30 હજાર લોકોનું સ્થળાંતર

Image copyright TWITTER/@ELIASONMIKE

ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીની ચેતવણી પ્રમાણે કેલિફોર્નિયાના જે વિસ્તારોમાં ક્યારેય પૂર નથી આવ્યું તે વિસ્તારો પર પણ ખતરો છે.

મળતા અહેવાલ પ્રમાણે 30 હજાર લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તોફાનથી કેલિફોર્નિયાના અનેક વિસ્તારોમાં 4થી 7 ઇંચ અને કેટલાક વિસ્તારોમાં 9 ઇંચ જેટલો કાદવ જમા થવાની સંભાવના છે.

રાષ્ટ્રીય મોસમ વિભાગ અનુસાર અહીં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ