હાફિઝ સઈદે બ્રિટનની મસ્જિદમાં જેહાદ માટે હાકલ કરી હતી

હાફિઝ સઈદ Image copyright REUTERS

દુનિયાના મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદી હાફિઝ સઈદે 9/11ના હુમલાના વર્ષો પહેલાં સ્કૉટલૅન્ડની મસ્જિદની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે જેહાદની અપીલ કરી હતી. આ વાત બીબીસીના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે.

બીબીસી રેડિયો 4ની ડૉક્યુમેન્ટરી, ધી ડૉન ઑફ બ્રિટિશ જેહાદમાં જાણવા મળ્યું છે કે હાફિઝ સઈદે વર્ષ 1995માં બ્રિટનની મસ્જિદોનો પ્રવાસ કર્યો હતો.

આ વર્ષે જ ગ્લાસગોમાં હાફિઝ સઈદે કહ્યું હતું કે મુસલમાનોની અંદર જેહાદની ભાવના છે. તેમણે વિશ્વ પર શાસન કર્યું છે પરંતુ આજે તેઓ શરમિંદા થઈ રહ્યા છે.

હાફિઝ સઈદ મુંબઈમાં 2008માં થયેલા હુમલાના મામલે મોસ્ટ વૉન્ટેડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.

હાફિઝ સઈદ હંમેશા આ હુમલામાં તેમની ભૂમિકાનો ઇન્કાર કરતા આવ્યા છે.


જેહાદનાં કેંદ્રો

Image copyright Getty Images

બીબીસીની આ ડૉક્યુમેન્ટરીમાં એ વાતની તપાસ કરવામાં આવી છે કે બ્રિટિશ મુસલમાનોમાં કટ્ટરપંથી વિચારધારાના બીજ 9/11ના હુમલા પહેલા જ રોપાઈ ગયા હતા.

આ ડૉક્યુમેન્ટરીના નિર્માતામાંના એક સાજિદ ઇકબાલે બીબીસી સ્કૉટલૅન્ડને જણાવ્યું કે તેમણે એવા લોકો સાથે વાત કરી છે કે જેઓ 80 અને 90ના દાયકામાં સક્રિય હતા.

ઇકબાલ કહે છે, "તે જુદો સમય હતો. તે સમયે બોસ્નિયા અને અફઘાનિસ્તાન જેહાદના મુખ્ય કેન્દ્રો હતા. જ્યાં લોકો સમાન હેતુ માટે જતા હતા."

હાફિઝ સઈદના 1995ની બ્રિટિશ મુલાકાતનો અહેવાલ પાકિસ્તાની ઉગ્રવાદી સમૂહ લશ્કર-એ-તોયબાની એક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ઉર્દૂમાં લખેલો આ લેખ સઈદ સાથે પ્રવાસમાં રહેલા ઓલ્ડહેમની મસ્જિદના ઇમામે લખ્યો હતો.

ઇકબાલ કહે છે, "આ લેખમાં જેહાદ વિશે જણાવવામાં આવ્યું છે અને બ્રિટિશ મુસલમાનોને સઈદની સાથે જેહાદમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું."

Image copyright REUTERS

ગ્લાસગોની મુખ્ય મસ્જિદમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને હાફિઝ સઈદે સંબોધિત કર્યા હતા.

હાફિઝ સઈદે કહ્યું હતું કે મુસલમાનોમાં જેહાદની ભાવનાનો અંત લાવવા માટે યહુદીઓ અબજો ડૉલર ખર્ચી રહ્યા છે.

સઈદે કહ્યું હતું કે તેઓ મુસલમાનોને લોકતંત્ર દ્વારા સત્તાની રાજનીતિની નજીક લાવવા માગે છે.

"તેઓ મુસલમાનોને દેવાના ભારણ નીચે રાખવા માટે વ્યાજ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા છે."

1995માં હાફિઝ સઈદની ઓળખાણ એક ઉગ્રવાદીના રૂપમાં હતી અને કશ્મીરમાં તે સક્રિય હતા.

ડૉક્યુમેન્ટરીના પ્રોડ્યૂસર કહે છે આવા સમયે ગ્લાસગોની સેન્ટ્રલ મસ્જિદ દ્વારા તેમના માટે દરવાજા ખુલ્લા મૂકવા તે હેરાન કરનારી બાબત છે.

પરંતુ ગ્લાસગોની સેન્ટ્રલ મસ્જિદે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ યાત્રા દરમિયાન હાફિઝ સઈદે બર્મિગહામમાં પણ લોકોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું, "આવો આપણે બધા જેહાદ માટે ઊભા થઈએ."

લીસેસ્ટરમાં તેમણે ચાર હજાર લોકોને સંબોધિત કર્યા હતા.

લશ્કર-એ-તોયબાના એક લેખમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ભાષણ બાદ સેંકડો યુવકોએ જેહાદમાં જોડાવાની ઇચ્છા જાહેર કરી હતી.

માર્ચ 2001માં બ્રિટિશ સરકારે લશ્કર-એ-તોયબાને ઉગ્રવાદી જૂથ જાહેર કર્યું હતું.

તે વર્ષે જ સપ્ટેમ્બરમાં વૉશિંગ્ટન અને ન્યૂયૉર્કમાં ઉગ્રવાદી હુમલા થયા હતા.

2008માં લશ્કર-એ-તોયબાને મુંબઈ શહેર પર હુમલો કરીને દુનિયાભરમાં જેહાદમાં પોતાની છાપ છોડી દીધી હતી.

લશ્કર-એ-તોયબાના સંસ્થાપક અને નેતા હાફિઝ સઈદ હવે વિશ્વના મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદીઓમાં સામેલ છે.

તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે તેમને નજરબંધીમાંથી મુક્ત કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો