પાકિસ્તાનથી બધું છોડીને ભારત આવ્યા છતાં કેમ છે આ લોકો પરાયાં?

વાઘા બોર્ડર પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે થતી દૈનિક પરેડનું દૃશ્ય. Image copyright AFP
ફોટો લાઈન વાઘા બોર્ડર પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે થતી દૈનિક પરેડનું દૃશ્ય.

"પાકિસ્તાન અમારો માળો હતું, તેને છોડીને અમે ભારત આવી ગયાં જેથી અમારાં બાળકો મુક્ત રીતે ઉડી શકે."

આ કથા વિભાજનની નથી પરંતુ સમસ્યાઓ તેનાથી ઓછી પણ નથી.

પાકિસ્તાનમાં જન્મ, ભણ્યા, લગ્ન કર્યાં, બાળકો-સગાસંબંધી બધાં જ પાકિસ્તાનમાં, પણ એ બધાને છોડીને તેઓ 'પરદેશ'માં આવી પહોંચ્યા છે અને પરદેશને જ પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે.

મજબૂરીને કારણે સરહદ પારથી ભારત આવેલા આવાં અનેક લોકો રાજસ્થાનમાં રહે છે.


ભારતીય નાગરિકત્વ

ફોટો લાઈન પાકિસ્તાનથી આવીને ઉદયપુરના સિંધુ ધામમાં અનેક સિંધી પરિવારો વસ્યા છે.

પાકિસ્તાનથી જોધપુર, જયપુર અને બાડમેર આવેલા કેટલાક લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

અલબત, ઉદયપુરમાં વર્ષોથી વસતા આવા લોકોને હજુ સુધી નવી ઓળખ મળી નથી.

એ લોકોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી આવીને ઉદયપુરમાં વસેલા લોકોની સંખ્યા સરખામણીએ ઓછી છે. તેથી તેઓ ભારતીય નાગરિકત્વ માટે તરસી રહ્યા છે.

એ પૈકીના મોટાભાગના લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવેલા હિંદુઓ છે.

કેટલાક લોકોને ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય નાગરિકત્વના સોગંદ અપાવવામાં આવ્યા હતા.

તેમને શપથ પત્રો જયપુર મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે.

આશ્રયની શોધમાં બલુચિસ્તાનથી રાજસ્થાન સુધી આવેલા લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ તેમનો દેશ છોડીને બીજા દેશમાં વસવાટ કરવા શા માટે આવ્યા?

એ લોકોએ તમામ આશંકાને એક ઝટકામાં જમીનદોસ્ત કરી નાખી હતી.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કંઈ ખરાબ ન હતું. ભારતમાં અલગ-અલગ લોકો રહે છે તેમ પાકિસ્તાનમાં પણ રહે છે.


બલુચિસ્તાનના નૌશિકીના વતનીની વાત

ફોટો લાઈન બલુચિસ્તાનના નૌશિકી શહેરમાંથી આવેલા પ્રકાશ

પ્રકાશ કહે છે કે "હું બલુચિસ્તાનના નૌશિકી શહેરમાં રહેતો હતો. ભારત જેવું જ છે પાકિસ્તાન."

"ભારતમાં જે રીતે અલગ-અલગ લોકો રહે છે તેમ ત્યાં પણ રહે છે. જે રીતે અમે અહીં મહોલ્લામાં રહીએ છીએ એમ ત્યાં પણ રહેતા હતા."

"પાકિસ્તાનથી ભારત આવવાનું કારણ તમને મોટું લાગી પણ શકે અને ન પણ લાગે."

"હા, એટલું જરૂર કે ત્યાં અપહરણ શરૂ થયાં ત્યારે મનમાં ડર પેસી ગયો હતો."

"ઘરથી બહાર નીકળતાં ત્યારે પાછા આવીશું કે નહીં તેનો અંદાજ રહેતો ન હતો."

અપહરણ ઉપરાંત બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની ચિંતા પણ હતી.

પ્રકાશ કહે છે કે "બલુચિસ્તાનમાં બાળકોનો સારો ઉછેર એક મોટી સમસ્યા છે. ઉછેર જ જ્યારે મોટી સમસ્યા હોય ત્યારે કારકિર્દીની વાત શું કરવી."

"અમે લોકો ઘણી વખત ભારત ફરવા આવ્યા હતા. ભારતમાં પરિસ્થિતિ સારી છે એવું સમજ્યા બાદ બાળકો ખાતર પાકિસ્તાન છોડવાનું અમે યોગ્ય ગણ્યું હતું."


પાકિસ્તાનમાં લઘુમતિ

ફોટો લાઈન પ્રકાશ પાકિસ્તાનથી આ રેડિયો પોતાની સાથે લાવ્યા હતા.

એ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતિ હોવાના ગેરફાયદા પણ છે.

પ્રકાશ કહે છે કે "ભારતમાં અમને અમારા પોતાના ધર્મનું પાલન કરવાની આઝાદી છે. પાકિસ્તાનમાં અમે એક ઓરડામાં પૂરાઈ ગયા હતા."

"અમે અમારું બધું છોડીને આવ્યા હતા. અહીં આવ્યા ત્યારે અમારી પાસે થોડાં વાસણ, કપડાં અને ખાવા-પીવાનો સામાન હતો, કારણ કે અમારી સાથે કેવો વ્યવહાર થશે એ અમે જાણતા ન હતા."

પ્રકાશને પૂછ્યું કે તમને ઘરની યાદ નથી આવતી?

પ્રકાશ કહે છે કે "બલુચિસ્તાનનું ઘર યાદ તો આવે છે, પણ હું મારા નિર્ણયથી ખુશ છું"

"મુશ્કેલી એ છે કે જે દેશને અમે આટલાં વર્ષોથી પોતાનો ગણ્યો છે એ દેશમાં દસ્તાવેજોએ અમને પરાયા બનાવી રાખ્યા છે."


અનેક સિંધી પરિવારો

ફોટો લાઈન પાકિસ્તાનથી આવીને રાજસ્થાનમાં વસેલા જયપાલ

પાકિસ્તાનથી આવીને ઉદયપુરના સિંધુ ધામમાં અનેક સિંધી પરિવારો વસ્યા છે.

જયપાલની કથા પણ પ્રકાશ જેવી જ છે.

જયપાલ દાવો કરે છે કે ભારતના લોકોએ તેમને અપનાવી લીધા છે પણ કાગળો પર તેઓ હજુય પાકિસ્તાની જ છે.

જયપાલ કહે છે કે "અહીં આવ્યા પછી 2012માં દસ્તાવેજો જમા કરાવી દીધા હતા પણ નાગરિકત્વ મળ્યું નથી."

"અમને નાગરિકત્વના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા, પણ જ્યાં સુધી દસ્તાવેજો હાથમાં નહીં આવે ત્યાં સુધી બેચેની રહેશે."

"વસાવેલું ઘર, દોસ્તો, સગાંસંબંધી, પાડોશી, કામકાજ બધું છોડીને અમે આવ્યા છીએ."

"અહીં પહોંચ્યા ત્યારે મનમાં ડર હતો, પણ ધીરે-ધીરે સ્થાનિક લોકો સાથે હળીમળી ગયા હતા. અહીંના અને ત્યાંના લોકોમાં કોઈ ફરક નથી."


નાગરિકત્વ કેમ મળ્યું નથી?

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તો આ લોકોને નાગરિકત્વ મળી જવું જોઈતું હતું પણ એવું કેમ નથી થયું તે સ્પષ્ટ નથી.

ઉદયપુરના કલેક્ટર વિષ્ણુચરણ મલિકે જણાવ્યું હતું કે તેમણે 57 લોકોને નાગરિકત્વ આપવાની ભલામણ સરકારને કરી હતી.

રેકોર્ડ અનુસાર, ઉદયપુરમાં શોર્ટ ટર્મ વીઝા પર કોઈ પાકિસ્તાની નથી. લોન્ગ ટર્મ વીઝા પર 156 લોકો વસવાટ કરે છે.


વડાપ્રધાનના કાર્યાલયને પત્ર

ફોટો લાઈન રાજસ્થાન સિંધી અકાદમીના અધ્યક્ષ અને રાજ્યના પ્રધાન હરીશ રાજાની

રાજસ્થાન સિંધી અકાદમીના અધ્યક્ષ અને રાજ્યના પ્રધાન હરીશ રાજાનીના જણાવ્યા અનુસાર આ લોકોને સાત વર્ષ બાદ જ નાગરિકતા મળી જવી જોઈતી હતી.

હરીશ રાજાનીએ જણાવ્યું હતું કે આ બાબતે માહિતી મળી પછી તેમણે વડાપ્રધાનના કાર્યાલયને પત્ર લખ્યો હતો.

તેના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પંદર જ દિવસમાં 41 લોકોને નાગરિકત્વ સોગંદ કલેક્ટર ઓફિસમાં લેવડાવવામાં આવ્યા હતા.

હરીશ રાજાનીએ કહ્યું હતું કે "પાકિસ્તાની નાગરિક હોવું આજે પણ જોખમી છે."

"પાકિસ્તાનથી અહીં આવેલા લોકોએ આજે પણ શકમંદોની માફક વારંવાર પોલીસને રિપોર્ટ કરવો પડે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ