મ્યાનમાર સેના : જવાનો રોહિંગ્યાની હત્યામાં સામેલ હતા

રોહિંગ્યા મહિલા Image copyright Getty Images

મ્યાનમાર સેનાએ પ્રથમ વખત એ બાબતનો સ્વીકાર કર્યો છે કે રખાઇન પ્રાંતમાં ભડકેલી હિંસા દરમિયાન રોહિંગ્યા મુસલમાનોની હત્યામાં તેમના સૈનિક સામેલ હતા.

જોકે, સેનાએ એક મામલામાં જ આ વાતનો સ્વીકાર કર્યો છે.

સેનાના જણાવ્યા પ્રમાણે તપાસમાં એ વાત જાણવા મળી છે કે મ્યાંગદોના ઇન દીન ગામમાં 10 લોકોની હત્યામાં સેનાના ચાર જવાનો સામેલ હતા.

સેનાના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચારેય જવાનોએ બદલો લેવાની ભાવના સાથે, તેમના શબ્દોમાં 'બંગાળી આતંકવાદીઓ' પર હુમલો કરવામાં ગામલોકોની મદદ કરી હતી.

મ્યાનમારની સેના રોહિંગ્યા ઉગ્રવાદીઓ માટે 'બંગાળી આતંકવાદી' શબ્દનો ઉપયોગ કરે છે.


સેના પર જાતિય નરસંહારનો આરોપ

Image copyright AFP

મ્યાનમાર સેના પર રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા મુસલમાનોની વિરૂદ્ધ જાતીય હિંસા આચરવાનો આરોપ છે.

ગયા વર્ષે ઑગસ્ટમાં ભડકેલી હિંસા પછી સાડા છ લાખથી પણ વધારે રોહિંગ્યા મુસલમાનોએ સ્થળાંતર કર્યું હતું.

આ બધા લોકોએ પાડોશમાં આવેલા બાંગ્લાદેશમાં આશરો લીધો હતો.

હિંસા દરમિયાન સામૂહિક હત્યા, બળાત્કાર અને અત્યાચારની ઘટનાઓ સામે આવી છે.

રોહિંગ્યા મુસલમાનોનો આરોપ છે કે સેના અને સ્થાનિક બૌદ્ધોએ સાથે મળીને તેમનાં ગામ સળગાવી દીધાં અને તેમના પર હુમલાઓ કર્યા.

સેનાએ સામાન્ય લોકો પર હુમલાના આરોપનો ઇન્કાર કરતા કહ્યું કે તેમણે માત્ર રોહિંગ્યા ઉગ્રવાદીઓને નિશાન બનાવ્યા હતા.

મ્યાનમારે પત્રકારો અને બહારથી આવેલા તપાસકર્તાઓને રખાઇન પ્રાંતમાં સ્વતંત્રપણે તપાસ કરવાની પરવાનગી આપી ન હતી.


કબરમાંથી મળ્યાં હતાં દસ હાડપિંજર

Image copyright Getty Images

સેનાએ ગયા મહિને જાહેર કર્યું હતું કે તે ઇન દીન ગામમાં કબરમાંથી મળેલાં હાજપિંજરો મામલે તપાસ કરવામાં આવશે.

જોકે, સેનાએ એમ પણ કહ્યું, "આ ઘટના એટલા માટે બની કારણ કે આતંકવાદીઓએ બૌદ્ધ ગ્રામીણોને ધમકાવ્યા હતા અને ઉકસાવ્યા હતા."

ઑગસ્ટ પછી આ પ્રથમ વખત છે કે મ્યાનમારની સેનાએ રોહિંગ્યા લોકોની હત્યામાં સામેલ હોવાની વાત સ્વીકારી છે.

સેના પર હત્યાની સાથે ગામો સળગાવવાનો, બળાત્કાર અને લૂંટના પણ આરોપ લાગ્યા હતા.

જોકે, નવેમ્બરમાં સેનાએ બધા જ આરોપોનો ઇન્કાર કરી દીધો હતો.

રખાઇન પ્રાંતમાં અત્યાચારના સ્પષ્ટ પુરાવા હોવા છતાં મ્યાનમારના સત્તાવાળાઓ અત્યારસુધી માત્ર એક જ સામૂહિક કબર શોધી શક્યા છે જે 28 હિંદુઓની હોવાનું કહેવામાં આવતું હતું.

સત્તાવાળાઓએ આ માટે રોહિંગ્યા મુસલમાનોને જવાબદાર ઠેરવ્યા હતા.

ડિસેમ્બરમાં સમાચાર એજન્સી રૉયટર્સના બે સંવાદદાતાઓની અટકાયત કરવામાં આવી હતી. એવી અટકળો પણ છે કે બંનેને ઇન દીનમાં થયેલી હિંસાની જાણકારી મળી ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ