પોતાનાં 13 બાળકોને ચેન અને તાળામાં બાંધી કેદ કરનાર માબાપ!

ડેવિડ ઍલેન ટરપિન અને લુઈઝ ઍના ટરપિન. Image copyright Getty Images
ફોટો લાઈન ડેવિડ ઍલેન ટરપિન અને લુઈઝ ઍના ટરપિન.

કૅલિફોર્નિયાના એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે, જેમણે કથિત રીતે પોતાનાં 13 બાળકોને બંધક બનાવીને રાખ્યાં હતાં.

દંપત્તિએ કેટલાંક બાળકોને ચેન અને તાળાંની મદદથી પલંગ સાથે બાંધીને રાખ્યાં હતાં.

શારીરિક અને માનસિક પીડા આપવા અને બાળકોને જોખમમાં નાખવાના આરોપસર 57 વર્ષીય ડેવિડ ઍલેન તુર્પિન અને 49 વર્ષીય લુઈઝ ઍના તુર્પિન ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ 13 બાળકો 2 થી 29 વર્ષનાં છે. બાળકો લૉસ ઍન્જલસથી લગભગ 95 માઇલ દૂર ઉત્તર-પૂર્વમાં સ્થિત પેરિસના એક ઘરમાંથી મળ્યાં છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે બાળકો ભાઈ-બહેન છે.

Image copyright ISTOCK

રિવરસાઇડ શેરિફના ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું, "રવિવારે ઘરમાંથી ભાગેલી એક પીડિતાએ પોલીસને આ વાતની જાણકારી આપી હતી. તેણે ઘરમાંથી મળેલા એક ફોન દ્વારા પોલીસને ઇમરજન્સી નંબર પર કૉલ કર્યો હતો."

પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનારી છોકરી લગભગ 10 વર્ષની હતી અને થોડી દુબળી હતી. છોકરીએ દાવો કર્યો હતો કે તેના માતા-પિતાએ તેના 12 ભાઈ-બહેનને કેદ કરીને રાખ્યાં હતાં.

પોલીસ અધિકારીઓએ બાદમાં જણાવ્યું કે "કેટલાંક બાળકો પલંગ પર ચેન અને તાળાઓથી બંધાયેલાં હતાં અને તે જગ્યાએ ઘણી દુર્ગંધ આવતી હતી."

પોલીસના જણાવ્યા મુજબ બાળકોના માતાપિતા એ ખુલાસો આપવામાં નિષ્ફળ ગયાં છે કે શા માટે તેમણે બાળકોને આ રીતે બંધક બનાવ્યાં હતાં.

ઘરમાંથી મળેલાં 7ની ઉંમર 18થી 29 વર્ષ સુઘી છે. તેમની સ્થિતિ જોઈને પોલીસ અધિકારીઓને આઘાત લાગ્યો હતો.

પોલીસે કહ્યું કે બાળકો કુપોષિત દેખાતાં હતાં અને ખૂબ જ અસ્વચ્છ હતાં.

હાલ આ તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો