એ જાપાની પૉર્ન સ્ટાર જેણે ચીનના યુવાનોને સેક્સ શીખવ્યું!

સોરા ઓઈ. Image copyright Getty Images
ફોટો લાઈન સોરા ઓઈ.

જ્યારે જાપાનની અભિનેત્રી અને પૂર્વ પૉર્ન સ્ટાર સોરા ઓઈએ ઇન્ટરનેટ પર પોતાનાં લગ્નની જાહેરાત કરી, તો ચીનના સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો.

તમને આ પણ વાંચવું ગમશે

એનું કારણ પણ છે. સોરા ઓઈએ ઇન્ટરનેટ પર સક્રિય ચીનના નવયુવાનોની જિંદગીમાં આશ્વર્યજનક રીતે અક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

નવા વર્ષના પહેલા દિવસે સોરા ઓઈએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીર પોસ્ટ કરી હતી. તેમણે દુનિયાભરમાં પોતાના ચાહકોને આ ખુશખબર આપ્યા હતા.

તસવીર પોસ્ટ કરવાના માત્ર કેટલાક કલાકો જ થયા હતા ત્યાં ચીનના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ વીબો પર તેમની પોસ્ટને 1,70,000થી વધારે કૉમેન્ટ્સ અને 8,30,000થી વધારે લાઇક્સ મળી હતી.

તેમના એક ચાહકે લખ્યું, "અમે તમારી ફિલ્મો જોઈને મોટા થયા છીએ. અમે હંમેશાંની જેમ તમને સપોર્ટ કરીશું."

વીબો પર એક અન્ય યૂઝરે લખ્યું,"તમે અમારા માટે હંમેશા એક દેવીની જેમ રહેશો... અમે તમારા માટે ખુશહાલ જીવનની પ્રાર્થના કરીએ છીએ."


ટીચર સોરા ઓઈ

Image copyright Weibo

2000ની શરૂઆતના દાયકાનો સમય હતો જ્યારે સોરા ઓઈએ પૉર્નોગ્રાફીમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

એક અનુમાન પ્રમાણે સોરા ઓઈએ 90થી વધારે એવી ફિલ્મોમાં કામ કર્યું છે જે પુખ્તવયના લોકો માટે બનાવવામાં આવી હતી.

વર્ષ 2003થી 2005ની વચ્ચે લગભગ દરમહિને તેમની ફિલ્મ રિલિઝ થઈ હતી.

ચીનમાં પૉનોગ્રાફી પર પ્રતિબંધ છે તેમ છતાં પણ ચીનના નવયુવાનો સોરા ઓઈના દીવાના છે.

27 વર્ષના નવયુવાન લિઉ કિયાંગે(નામ બદલ્યું છે) બીબીસીને કહ્યું, "અનેક ચીની યુવાનોને કિશોરાવસ્થામાં વ્યવસ્થિત રીતે જાતીય શિક્ષણ મળતું નથી. સોરા ઓઈ આવા સંજોગોમાં અમારી ટીચર બની ગઈ હતી."

ચીનમાં ઇન્ટરનેટ પ્રત્યેનું ઝનૂન અને સોરા ઓઈની લોકપ્રિયતા લગભગ એકસાથે જ વધી રહી હતી.

નવાં વેબપોર્ટલ, ઑનલાઇન કમ્યૂનિટીઝ અને વીડિયો સાઇટ્સ એક પછી એક આવતાં ગયાં અને ઇન્ટરનેટ પર માહિતીનો ખજાનો ઠલવાતો ગયો. જેમાં પ્રતિબંધિત પૉર્ન સામગ્રી પણ હતી.

લિઉ કિયાંગ હાઇ સ્કૂલના જમાનામાં પોતાના મિત્રો સાથે એમપીફોર પ્લેયર પર સોરા ઓઈના વીડિયોઝ જોતો હતો પરંતુ ઇન્ટરનેટની લોકપ્રિયતનાનાં કારણે પૉર્ન જોવું સરળ થઈ ગયું હતું.

ચાઇનીઝ યુનિવર્સિટી ઑફ હોંગકોંગમાં જાપાની વિભાગના અધ્યક્ષ પ્રોફેસર વાઈ-મિંગ એનજી કહે છે, "સોરા ઓઈ બરાબર યોગ્ય સમયે ચીનમાં ઊભરીને સામે આવી. જ્યારે ચીન બહારની દુનિયા માટે પોતાના દરવાજા ખોલી રહ્યું હતું. સોરા ઓઈ તે સમયે જ લોકપ્રિય થયાં."


ચીનમાં સેક્સ એજ્યુકેશન

Image copyright CNS

ચીનના યુવાનો માટે સેક્સ વિશે માહિતી મેળવવા માટે પોર્ન મુખ્ય માધ્યમ છે. ત્યાં શાળાઓમાં મર્યાદિત જાતીય શિક્ષણની જોગવાઈ છે અને મોટાભાગના માતાપિતા બાળકોને સેક્સ અંગેની સમજ આપતા શરમ અનુભવે છે.

વર્ષ 2009માં પીકિંગ યૂનિવર્સિટીએ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 22,000 હજાર કિશોરો અને યુવાનોને સેક્સ સંબંધી સવાલો પૂછવામાં આવ્યા.

સર્વેમાં ભાગ લેનારા કિશોરો અને યુવાનોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હતી. તેમને પ્રજનન સંબંધી ત્રણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

સર્વેમાં ભાગ લેનારા માત્ર 4.4 ટકા લોકો જ આ સવાલોના સાચા જવાબ આપી શક્યા હતા.

રિસર્ચ કરનારાને એ પણ જાણવા મળ્યું કે ચીનમાં અનેક યુવાનો સેક્સ વિશે પોતાની રીતે જ માહિતી મેળવી લે છે.

પરંતુ ચીનની પહેલી મહિલા સેક્સોલૉજિસ્ટ લિન યિન્હે જાતીય શિક્ષણ મામલે પૉર્નના ઉપયોગને ખતરનાક ગણાવે છે.

લિન કહે છે, "પૉર્ન સેક્સને વધારીને બતાવે છે અને તેનાથી યુવાનો ગેરમાર્ગે દોરાઈ શકે તેવી શક્યતા છે કારણ કે તે પોતાની સરખામણી પોર્ન એક્ટર સાથે કરવા લાગે છે."


ચીનમાં લોકપ્રિયતા

Image copyright Getty Images

એક સવાલ એ થાય કે ઇન્ટરનેટ પર પૉર્નની વિપુલ માત્રા અને જ્યારે ઇચ્છો ત્યારે ઉપલબ્ધ છે, તો સોરા ઓઈમાં શું ખાસ છે?

એશિયાઈ દેશોમાં આજે પણ સેક્સને પ્રતિબંધિત વિષય માનવામાં આવે છે.

પરંતુ સોરા ઓઈએ પૉનોગ્રાફી કેરિયરમાં હોવા છતાં પોતાને કમ ગણતી નથી.

તેણે હંમેશા કહ્યું કે તે પોતાનાં કામને પસંદ કરે છે કારણ કે તે દુનિયાભરમાં ફેલાયેલા પોતાના ચાહકોને મળી શકે છે, તેમની સાથે વાતચીત કરી શકે છે.

સોશિયલ મીડિયા પર થતી અપમાનજનક કૉમેન્ટ્સનો જવાબ પણ તે ખુબ જ શાલીનતાથી આપે છે. જેનાથી તેણે પોતાના ફેન્સ વચ્ચે લોકપ્રિયતા અને ઇજ્જત બંને મેળવ્યા છે.

સોરા ઓઈએ વર્ષ 2011માં પૉનોગ્રાફી છોડી દીધી. તેણે એક્ટિંગમાં ફુલટાઇમ કામ શરૂ કર્યું. ગાયનમાં હાથ અજમાવ્યો. તેમન મ્યૂઝિક વીડિયો આવ્યા, ફિલ્મો રિલીઝ થઈ અને ચીન સોરા ઓઈ માટે એક મહત્ત્વનું માર્કેટ બની ગયું.

સોરા ઓઈના મેનેજરે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સોરાએ ચીનની સંસ્કૃતિને અપનાવવા ખાસ મહેનત કરી છે. તે વીબો પર પોતાનો દરેક મેસેજ ખુદ લખે છે. પરંતુ એ વિરોધાભાસ છે કે ચીનમાં સોરા ઓઈને ચાહવાવાળા અનેક લોકો છે પરંતુ ચીનના જાપાન સાથેના સંબંધો સારા નથી.

સેનકાકુ દ્વીપ સમૂહ (ચીન તેને દિયાઓયુ દ્વીપ કહે છે)ને લઈને ચીન અને જાપાન વચ્ચે વિવાદ છે અને ચીનના ઇન્ટરનેટ પર એક વાત ફેમસ છે કે દિયાઓયુ દ્વીપ સમૂહ ચીનનો છે અને સોરા ઓઈ સમગ્ર દુનિયાની.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ