કચ્છ કરતાં અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું ‘સુપરપાવર’?

ઇઝરાયલની તસવીર Image copyright Getty Images

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં પેલેસ્ટાઈન ઓટોમન સામ્રાજ્યનો એક જિલ્લો હતું. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન તથા તેના સહયોગીઓએ ઓટોમન સામ્રાજ્યને હરાવ્યું હતું.

એ પછી પેલેસ્ટાઈન બ્રિટનના નિયંત્રણ હેઠળ આવ્યું હતું પણ ત્યાર બાદ સમસ્યા વધુ ગૂંચવાઈ હતી. એ વિસ્તારમાં આરબો રહેતા હતા અને યહૂદીઓ રહેવા ઈચ્છતા હતા.

આ પ્રદેશ સાથે યહૂદીઓને હજ્જારો વર્ષ પહેલાંથી ઐતિહાસિક તથા ધાર્મિક સંબંધ છે. પેલેસ્ટાઈનના આ પ્રદેશમાં રહેવાનો પોતાને ઈશ્વરીય હક્ક છે એવું યહૂદીઓ માનતા રહ્યા છે.

ઇઝરાયલ બન્યું એ પહેલાં વીસમી સદીની શરૂઆતથી જ હજ્જારો યહૂદીઓ આ પ્રદેશમાં આવવા લાગ્યા હતા.

યહૂદીઓએ યુરોપ તથા રશિયામાં યહૂદી હોવાને કારણે પારાવાર યાતના સહન કરવી પડી હતી. યહૂદીઓ પર આરબ વિશ્વમાં પણ અત્યાચાર થયા હતા.

બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓએ યહૂદીઓ પર અત્યાચાર કર્યા પછી યહૂદીઓ મોટા પ્રમાણમાં આ પ્રદેશમાં આવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે


કઈ રીતે બન્યું ઝરાયલ?

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પેલેસ્ટાઈનના આ પ્રદેશનું શું કરવું તેનો ફેંસલો સંયુક્ત રાષ્ટ્રએ કરવો જોઈએ એવો નિર્ણય બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઈનને બે દેશમાં વહેંચી નાખવાનું સૂચન કર્યું હતું. એક દેશ આરબો માટે અને બીજો યહૂદીઓ માટે.

આરબોએ સંયુક્ત રાષ્ટ્રના આ સૂચનનો અસ્વીકાર કર્યો હતો પરંતુ યહૂદી નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રનું આ સૂચન સ્વીકારીને ઇઝરાયલની રચનાની જાહેરાત કરી દીધી હતી.

અમેરિકાના તત્કાલીન પ્રમુખે એ સમયે જ ઇઝરાયલની રચનાને માન્યતા આપી દીધી હતી.

ઇઝરાયલની જાહેરાત સાથે જ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે મહિનાઓ સુધી ચાલ્યું હતું. એ પછી ઇઝરાયલ અને તેના પાડોશી આરબ દેશ યુદ્ધ રોકવા સહમત થયા હતા.

સમય જતાં ઇઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળવી શરૂ થઈ હતી.

ઇઝરાયલ ભૂમધ્ય સમુદ્રના છેડા પર આવેલું છે. તેનો દક્ષિણ છેડો રેડ સી સુધી ફેલાયેલો છે, જ્યારે પશ્ચિમમાં ગ્રીસ અને પૂર્વમાં જોર્ડન સુધી છે.

લેબનોન તેની ઉત્તરમાં અને સીરિયા ઉત્તર-પૂર્વમાં આવેલું છે.

પેલેસ્ટાઈન હજુ સુધી કોઈ દેશ નથી, પણ વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીને ભેળવીને પેલેસ્ટાઈનીઓ એક અલગ દેશ બનાવવા ઈચ્છે છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને જેરુસલેમને પોતાની રાજધાની બનાવવા ઈચ્છે છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે તાજેતરમાં જ માન્યતા આપી હતી.

જોકે, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લીમાં વિશ્વના મોટાભાગના દેશોએ એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.


શક્તિશાળી ઝરાયલ

Image copyright Getty Images
ફોટો લાઈન ટેક્નોલોજીની બાબતમાં ઇઝરાયલ વિશ્વમાં મોખરે છે.

ઇઝરાયલ 1948માં અસ્તિત્વમાં આવ્યું હતું. 69 વર્ષના ઈઝરાયલનું ક્ષેત્રફળ કચ્છ કરતાં અડધું છે, જ્યારે વસતી 85 લાખથી વધુ લોકોની છે.

ખનીજ સંપત્તિના મામલામાં ભારત સાથે ઇઝરાયલની કોઈ સરખામણી જ ન થઈ શકે.

તેમ છતાં ઇઝરાયલનો સમાવેશ અત્યાધુનિક ટેક્નોલોજી અને સૈન્ય ક્ષમતામાં વિશ્વના અગ્રતમ દેશોમાં થાય છે.

'જેરુસલેમ પોસ્ટ' અખબારના ભૂતપૂર્વ તંત્રી યાકોવ કાત્ઝે 'ધ વેપન વિઝાર્ડઝઃ હાઉ ઇઝરાયલ બિકમ અ હાઈ-ટેક મિલિટરી સુપરપાવર' નામનું પુસ્તક લખ્યું છે.

તેમાં યાકોવ કાત્ઝે લખ્યું છે, "ઇઝરાયલની રચનાના માત્ર બે વર્ષ બાદ 1950માં તેનું પહેલું વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ દક્ષિણ અમેરિકા મોકલવામાં આવ્યું હતું."

"ઇઝરાયલ બિઝનેસ પાર્ટનર મેળવવા માટે ચિંતિત હતું. જેને આધારે અર્થતંત્રને આકાર આપી શકાય તેવી પ્રાકૃતિક સંપદા ઇઝરાયલ પાસે ન હતી. તેની પાસે ક્રૂડ પણ ન હતું કે ખનિજ સંપત્તિ પણ ન હતી."

યાકોવ કાત્ઝે લખ્યું છે, "એ પ્રતિનિધિમંડળે સંખ્યાબંધ બેઠકો કરી હતી, પણ બધાએ તેની મજાક ઉડાવી હતી."

"ઇઝરાયલીઓ સંતરા, કેરોસીન સ્ટવ અને નકલી દાંત વેચવાના પ્રયાસ કરતા હતા."

"આર્જેન્ટિના જેવા દેશોમાં સંતરાનું ભરપુર ઉત્પાદન થતું હતું અને ત્યાં વીજળીની અછત ન હતી એટલે તેમને કેરોસીનની પણ જરૂર ન હતી."

"ઇઝરાયલ અગાઉ કઈ ચીજોની નિકાસ કરતું હતું તેની કલ્પના કરવાનું મુશ્કેલ છે."

"આજે ઇઝરાયલ હાઈ-ટેક સુપરપાવર છે અને આધુનિક શસ્ત્રો વેચવામાં દુનિયાભરમાં ઘણું આગળ છે."

"ઇઝરાયલ દર વર્ષે લગભગ 6.5 અબજ ડોલરનાં શસ્ત્રો દુનિયાને વેચે છે."


ડ્રોન માર્કેટમાં મોખરે

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલ તેની જીડીપીના 4.5 ટકા નાણાં સંશોધન પાછળ ખર્ચે છે

યાકોવ કાત્ઝે એવું પણ લખ્યું છે, "ઇઝરાયલ 1985 સુધી વિશ્વમાં ડ્રોનની સૌથી વધુ નિકાસ કરતો દેશ બની રહ્યું હતું. વિશ્વની 60 ટકા ડ્રોન માર્કેટ પર ઇઝરાયલનો કબજો હતો."

"દાખલા તરીકે, નાટોના પાંચ સભ્ય દેશો અફઘાનિસ્તાનમાં ઇઝરાયલી ડ્રોન જ ઉડાડતા હતા."

"જે દેશની વય 70 વર્ષની પણ નથી થઈ એ દેશે વિશ્વનું સૌથી આધુનિક સૈન્ય કઈ રીતે તૈયાર કરી લીધું?"

"આ સવાલનો જવાબ ઇઝરાયલની રાષ્ટ્રીય સંરચનામાં સમાયેલો છે."

"પહેલી વાત એ છે કે નાનો દેશ હોવા છતાં ઇઝરાયલ તેની જીડીપીના 4.5 ટકા નાણાં સંશોધન પાછળ ખર્ચે છે."

ઇઝરાયલ વિશે કહેવાય છે કે એ તેના દેશમાં નાગરિકો નહીં પણ સૈનિકો તૈયાર કરે છે. ઇઝરાયલમાં દરેક નાગરિક માટે સૈન્યમાં સેવા આપવી જરૂરી છે.

મધ્ય-પૂર્વમાં આવેલા એક સ્થળ તરીકે પશ્ચિમી દેશો ઇઝરાયલને સૌથી સલામત દેશ માને છે.

યાકોવ કાત્ઝે લખ્યું છે, "ઇઝરાયલી એરફોર્સને પહેલી ઑપરેશનલ એરો મિસાઈલ બેટરી વર્ષ 2000માં મળી હતી."

"એ ઑપરેશનલ સિસ્ટમ સાથે ઇઝરાયલ દુશ્મન દેશની મિસાઈલને માર્ગમાં જ નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યું હતું."

"ઇઝરાયલનો એરોનો આઈડિયા જ કમાલનો હતો. બેલિસ્ટિક મિસાઈલની સરખામણીએ એરો ટેક્નોલોજી વધારે પ્રભાવશાળી છે."

"ક્ષેત્રફળની દૃષ્ટિએ ઇઝરાયલ બહુ નાનો દેશ છે. તેની પાસે ખાલી જમીનનો અભાવ છે."

ઇઝરાયલે 1989માં તેનો પહેલો જાસૂસી ઉપગ્રહ છોડ્યો હતો. એ સાથે ઇઝરાયલ ઉપગ્રહ છોડવાની સ્વતંત્ર ક્ષમતા ધરાવતા આઠ ખાસ દેશોમાં સામેલ થઈ ગયું હતું.

શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે આઠ દેશોની એ ક્લબમાં ભાગ્યે જ સામેલ થઈ શકશે.


સૈન્યશક્તિ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલ તેની મર્કાવા ટેન્ક માટે પણ દુનિયાભરમાં જાણીતું છે

ઉપગ્રહ પ્રક્ષેપણના મામલામાં ઇઝરાયલ આજે ઘણું આગળ વધી ગયું છે.

તેના આઠ જાસૂસી ઉપગ્રહ અત્યારે અંતરિક્ષમાં છે. ઇઝરાયલના ઉપગ્રહની તોલે કોઈ ન આવે એવું કહેવાય છે.

ઇઝરાયલ તેની મર્કાવા ટેન્ક માટે પણ દુનિયાભરમાં જાણીતું છે. ઇઝરાયલી સંરક્ષણ દળમાં આ ટેન્કને 1979માં સામેલ કરવામાં આવી હતી.

સંપૂર્ણપણે ઘરઆંગણે વિકસાવવામાં આવેલી 1,600 મર્કાવા ટેન્ક્સ ઇઝરાયલી સંરક્ષણ દળ પાસે છે.

ઇઝરાયલી એરફોર્સ પાસે F-15I થંડર વિમાનો પણ છે. મધ્ય-પૂર્વમાં F-15I થંડર વિમાનોને ઘણાં ઘાતક ગણવામાં આવે છે. હવામાંથી હવામાં માર કરવાની ક્ષમતા એ વિમાન ધરાવે છે.

ઇઝરાયલ પાસે જેરિકો-થ્રી પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પણ છે. જેરિકો-વન બેલિસ્ટિક મિસાઈલ્સનો સમાવેશ ઇઝરાયલી સૈન્યમાં 1970ના દાયકામાં કરવામાં આવ્યો હતો.

જેરિકો-વનના સ્થાને જેરિકો-ટુ આવ્યાં હતાં અને હવે તેનું સ્થાન જેરિકો-થ્રીએ લીધું છે.


અણુક્ષમતા ધરાવે છે ઝરાયલ?

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ

ઇઝરાયલ, હોંગ કોંગ અને દક્ષિણ કોરિયાના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સ્થિર ગણવામાં આવે છે.

શૂન્ય ટકા મોંઘવારી દર અને ઘણી ઓછી બેરોજગારીને કારણે એવું માનવામાં આવે છે.

ઇઝરાયલનું કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) 318.7 અબજ ડોલરનું છે અને તેના અર્થતંત્રનો વિકાસદર ચાર ટકાની આસપાસ છે.

ઇઝરાયલ સત્તાવાર રીતે ખુદને અણુશક્તિ ધરાવતો દેશ ગણાવતું નથી, પણ ઇઝરાયલે 70ના દાયકામાં જ અણુશસ્ત્રો મેળવી લીધાં હોવાનું કહેવાય છે.

વોશિંગ્ટનસ્થિત આર્મ્સ કન્ટ્રોલ એસોસિએસન સંસ્થાના તાજા અહેવાલ અનુસાર ઇઝરાયલ પાસે કુલ 80 અણુશસ્ત્રો છે.

હવે સવાલ એ છે કે ભારત ઇઝરાયલને તેની તાકાત કરતાં વધારે મહત્વ આપી રહ્યું છે કે એમ કરવું ભારત માટે જરૂરી છે?

મધ્ય-પૂર્વના મામલાઓના જાણકાર કમર આગાના જણાવ્યા અનુસાર ઇઝરાયલ સાથેની ભારતની દોસ્તી પારસ્પરિક છે. બન્ને દેશોની પોતપોતાની જરૂરિયાત છે.

કમર આગા કહે છે, "90ના દાયકામાં વિશ્વ બદલાઈ ગયું હતું ત્યારે ભારતે ઇઝરાયલ સાથે રાજકીય સંબંધ સ્થાપિત કર્યો હતો."

"વિચારધારાનું રાજકારણ પાછળ ધકેલાઈ ગયું હતું અને આર્થિક ગતિવિધિ પર આધારિત રાજનીતિને વધારે મહત્વ અપાતું થયું હતું."

"કોઈ દેશ ઇઝરાયલની નજીક આવે છે ત્યારે પશ્ચિમી દેશો સાથેની તેની સોબત આસાન બની જાય છે."

"સોવિયેત સંઘના પતન પછી ભારતે પણ અમેરિકા ભણી હાથ લંબાવ્યો હતો. એ વખતે એવું કહેવામાં આવતું હતું કે અમેરિકા તરફનો રસ્તો ઇઝરાયલમાંથી પસાર થાય છે અને ભારતે એ માર્ગ પસંદ કર્યો હતો."

"ભારત માટે ઇઝરાયલ બે કારણસર મહત્વનું છે. એક કારણ છે-ઇઝરાયલની ટેક્નોલોજી તથા આતંકવાદ સામે લડવાની ક્ષમતા અને બીજું કારણ છે- પશ્ચિમી દેશોમાં યહૂદીઓનું સજ્જડ લોબિઈંગ."

"ભારતને એ બન્નેની જરૂર છે એ દેખીતું છે."


"યહૂદી લોબીનો લાભ ભારતે લીધો"

Image copyright Getty Images
ફોટો લાઈન 2003માં ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન એરિયલ શેરોન અને તત્કાલીન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી

કમર આગાના જણાવ્યા અનુસાર, ભારતે યહૂદી લોબીનો લાભ પશ્ચિમમાં લીધો છે.

કમર આગા કહે છે, "ભારતીય જનતા પાર્ટી(બીજેપી) જનસંઘના સમયથી ઇઝરાયલની પ્રશંસક રહી છે."

"1977માં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયીને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા."

"એ સમયે ઇઝરાયલના વિદેશ પ્રધાન ગુપચુપ ભારત પ્રવાસે આવ્યા હતા."

"અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન એરિયલ શેરોન ભારતના પ્રવાસે આવ્યા હતા."

"હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ છે."

કમર આગા કહે છે, "ઇઝરાયલ પાસે ટેક્નોલોજી છે, આપણી પાસે નથી. આપણને ટેક્નોલોજીની જરૂર છે."

"આપણી પાસે સસ્તી સસ્તી શ્રમશક્તિ છે. તેઓને કમ્પ્યુટર ઓપરેટ કરતાં આવડે છે. તેઓ અંગ્રેજી જાણે છે. ઇઝરાયલને આવા લોકોની જરૂર છે."

"બન્ને દેશો સાથે મળીને કંઈક બનાવે તો ઇઝરાયલને ભારત જેવું વિશાળ માર્કેટ મળશે."


આંકડા શું કહે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન સાઉદી અરેબિયાના રાજવી સલમાન બિન અબ્દુલઅઝીઝ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલના જણાવ્યા અનુસાર, ભારતની વિદેશ નીતિમાં હવે કોઈનું દબાણ ચાલતું નથી.

કમર આગા પણ જણાવે છે કે ઇઝરાયલ-ભારતની દોસ્તી આરબ દેશોની ઉપેક્ષા કરી શકે નહીં.

કોમર્સ મંત્રાલયના આંકડા જણાવે છે કે બિઝનેસ, સુરક્ષા, ઊર્જા અને રાજકીય હિતોના સંદર્ભમાં મધ્ય-પૂર્વ ભારત માટે ઘણું મહત્ત્વનું છે.

2016-17માં આરબ દેશો સાથેના ભારતના વ્યાપારનું પ્રમાણ 121 અબજ ડોલરનું હતું. જે ભારતના કુલ વિદેશ વ્યાપારના 18.25 ટકા જેટલું છે.

ઇઝરાયલ સાથેનો ભારતનો વ્યાપાર પાંચ અબજ ડોલરનો હતો. જે કુલ વ્યાપારનો એક ટકા હિસ્સો પણ નથી.

ભારતનો ઇઝરાયલ સાથેનો સુરક્ષા સંબંધ અત્યંત ગાઢ છે, જ્યારે આરબ દેશો રોજગાર, વિદેશી ચલણ અને ઊર્જાના સંદર્ભમાં ઘણા મહત્ત્વના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ