ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમના ફેવરિટ રિસોર્ટમાં કેવી છે સુવિધા?

કોરિયાની યુવતીઓની તસવીર Image copyright Getty Images

વિન્ટર ઑલિમ્પિક માટે ઉત્તર અને દક્ષિણ કોરિયાની સંયુક્ત સ્કીઇંગ ટીમના ખેલાડીઓને ઉત્તર કોરિયાના મૈસિકરિઑંગ સ્કી સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવશે.

ત્યાં માઉન્ટ કુમગાંગ રિસૉર્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

દક્ષિણ કોરિયાના પ્યૅઑંગચૈંગ ખાતે આવતા મહિને વિન્ટર ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને મંજૂરી આપી છે.

સ્પૉર્ટ્સ ડિપ્લોમસીના ભાગરૂપે જ ઉત્તર અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત ટીમ મોકલવાનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે.

બીજી બાજુ, ઉત્તર કોરિયાના 'મૈસિક પાસ રિસૉર્ટ'ની સવલતો અંગે દક્ષિણ કોરિયાના મીડિયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.


મૈસિક પાસ રિસૉર્ટ

Image copyright KCNA

મીડિયામાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે, પ્રૉપેગૅન્ડા દ્વારા રિસૉર્ટમાં રમતો માટે પૂરતી સવલતો હોવાની આભા ઊભી કરવામાં આવી છે.

સરમુખત્યાર કિમ-જોંગ-ઉને જાતે જ આ ખેલ પરિસરોની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.

આ રીતે ઉત્તર કોરિયા ખુદને વિશ્વસ્તરીય દેશ તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે.

ઉત્તર કોરિયાના રમતગમત પરિસરો અંગે એવી ચર્ચા છે કે જેટલો પ્રચાર કરવામાં આવે છે એટલી સવલતો ઉપલબ્ધ નથી અને જે કોઈ ઉચ્ચ સુવિધાઓ છે તે બહુ થોડા લોકો માટે છે.

ટ્રિપ ઍડવાઇઝર પર 'મૈસિક પાસ રિસૉર્ટ'ના 13 રિવ્યૂ વાંચીએ તો માલૂમ પડે છે કે તેને પાંચમાંથી સાડા ચાર પોઇન્ટ્સ મળે છે.

એક બ્રિટીશ ટૂરિસ્ટે રિવ્યૂમાં લખ્યું છે, "હોટલ અને સ્કી રિસૉર્ટ શાનદાર છે."


સરમુખત્યાર કિમ જોંગ

Image copyright Getty Images

એવું શક્ય છે કે બહુ થોડા લોકો ઉત્તર કોરિયા ફરવા જાય છે. ત્યાં જતા હોવાથી તેમને ખાસ આશા ન હોય એટલે તેમના મનમાં આ રિસૉર્ટ વિશે સારી છાપ ઊભી થઈ હોય.

પરંતુ દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાંથી પ્રકાશિત અખબાર 'ચોસુન ઇલ્બો'એ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા કેટલાક લોકો, સ્કી ખેલાડીઓ તથા ઉત્તર કોરિયાના તજજ્ઞોને ટાંકતા 'મૈસિક પાસ રિસૉર્ટ'ની સવલતોની ટીકા કરી છે.

અખબાર લખે છે, જે સ્કી લિફ્ટ પર તાનાશાહ કિમ જોંગ ઉનની સિગારેટ પીતી અને પ્રવાસ ખેડતી તસવીર વહેતી થઈ છે. તે વારંવાર તૂટી જાય છે અને ત્યાં અનેક વખત દુર્ઘટનાઓ થઈ ચૂકી છે.

2013માં આ રિસૉર્ટનું નિર્માણ યુદ્ધસ્તરે કરાવવામાં આવ્યું હતું. તેના નિર્માણકાર્યમાં મજૂરો ઉપરાંત ઉત્તર કોરિયાના સૈનિકોને પણ કામે લગાડવામાં આવ્યા હતા.


ઉત્તર કોરિયાની ઓફર

Image copyright Getty Images

શરૂઆતમાં ઉત્તર કોરિયાએ આ રિસૉર્ટ ખાતે જ ઑલિમ્પિક સ્કી સ્પર્ધાનું આયોજન કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

પરંતુ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ ઉત્તર કોરિયાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

અમેરિકાના મીડિયા જૂથ 'એનબીસી ટેલિવિઝન'ને ટાંકતા દક્ષિણ કોરિયાના અખબાર 'કોરિયા હેરલ્ડ' લખે છે, "રિસૉર્ટની જાળવણી કરાવવા માટે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે."

દક્ષિણ કોરિયાના અનેક રાજનેતાઓને માને છે કે, મૈસિકરિઑંગ સ્કી સેન્ટર ખાતે ઇવેન્ટ આયોજિત કરીને ઉત્તર કોરિયા રાજકીય લાભ ખાટવા માગે છે.

ઉત્તર કોરિયા ત્યાં વિદેશી પર્યટકો તથા વિદેશી મુદ્રાને આકર્ષિત કરવા માગે છે.


દક્ષિણ કોરિયા સ્કી એસોસિયેશન

Image copyright Getty Images

લિબર્ટી કોરિયા પાર્ટીના ક્યૂંગ-વૉને 'ટીબીએસ રેડિયો' સાથે વાતચીતમાં જણાવ્યું, ''2013માં મૈસિકરિઑંગ સ્કી સેન્ટર ખોલવામાં આવ્યું હતું."

"ત્યારથી ઉત્તર કોરિયા આ રિસૉર્ટને પૉપ્યુલર બનાવવા માટે પ્રયાસરત છે. ત્યાંની મુલાકાત લેતા વિદેશી પર્યટકોની સંખ્યા કંઈ ખાસ નથી."

"આપણા ખેલાડીઓને ત્યાં તાલીમ આપવાની વાત નિરર્થક લાગે છે."

દક્ષિણ કોરિયા સ્કી એસોસિયેશનના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે 'ચોસુન ઇલ્બો' અખબારને જણાવ્યું," આપણા સ્કી સેન્ટર્સ વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની ન હોય તેવી જૂની જગ્યાઓએ જઈને આપણને કાંઈ નહીં મળે."

જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં ઉત્તર કોરિયાએ કૈંગીમાં વધુ એક સ્કી રિસૉર્ટને પણ 'મૈસિક પાસ રિસૉર્ટ'ની જેમ જ યુદ્ધ સ્તરે તૈયાર કરવાની જાહેરાત કરી હતી.


આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ

Image copyright Getty Images

ઉત્તર કોરિયાએ મૈસિકરિઑંગ સ્કી સેન્ટર માટે વિદેશમાંથી સ્કી લિફ્ટ મંગાવવાના પ્રયાસ થયા હતા પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે એમ કરવું શક્ય બન્યું ન હતું.

સ્વિત્ઝરલૅન્ડે આ પ્રકારની લિફ્ટ આપવાનો ઇન્કાર કર્યો હતો. ઉત્તર કોરિયાએ તેને 'માનવ અધિકારોના ગંભીર ભંગ'સમાન ગણાવ્યું હતું.

છેવટે સ્કી લિફ્ટ હાંસલ કરવામાં ઉત્તર કોરિયાને સફળતા મળી હતી. જાણકારોના માનવા પ્રમાણે આ માટે ચીને તેને મદદ કરી હતી.

હજુ સુધી વૈશ્વિક મીડિયાએ 'મૈસિકરિઑંગ સ્કી સેન્ટર' જોયું નથી. ઉત્તર કોરિયા આ રિસૉર્ટને દુનિયાનાં નિયંત્રણો સામે ખુદના વિજય તરીકે જુએ છે.


કિમને રસ

Image copyright Chung Sung-Jun

કિમ જૉંગ ઉનની છાપ રમતગમત પ્રત્યે લગાવ રાખનારા શખ્સ તરીકેની છે.

તેમણે સ્કીઇંગ ઉપરાંત અન્ય રમતો માટેની સુવિધાઓના આધુનિકરણ તરફ ધ્યાન આપ્યું છે.

2015માં પ્યૉંગયાંગમાં 'મે ડે સ્ટેડિયમ'નું મોટાપાયે સમારકામ કરાવવામાં આવ્યું હતું.

આ સ્ટેડિયમ 1,14,00 દર્શકો માટેની બેઠક વ્યવસ્થા ધરાવે છે. તેની ગણના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમોમાં થાય છે.

ઉત્તર કોરિયાના સરકારી મીડિયા દ્વારા કેટલીક તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કિમ જોંગ-ઉનને સ્ટેડિયમનું નિરીક્ષણ કરતા દર્શાવવામાં આવ્યા હતા.

2014માં કિમે મિરિયમ હોર્સ રાઇડિંગ ક્લબનું આધુનિકીકરણ કરાવ્યું હતું.

(બીબીસી મોનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વેબ તથા પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત અહેવાલોનું વિશ્લેષણ કરે છે. આપ ટ્વિટર અને ફેસબુક પર પણ બીબીસી મોનિટરિંગના વિશ્લેષણો વાંચી શકો છો. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો