ઈરાનની ડુંગળી ભગાડી શકે છે ટીબી જેવી બીમારી?

ઇરાની ડુંગળી Image copyright Getty Images

તમને ખબર છે કે એક પ્રકારની ડુંગળી પણ ટીબીની બીમારીને દૂર કરવામાં મદદ કરી શકે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઇરાનની ખાસ પ્રકારની એક ડુંગળી ટીબીના કેસમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

સંશોધકો માને છે કે ઈરાની ડુંગળીમાંથી કાઢવામાં આવતા એન્ટીબૅક્ટીરિયલ ગુણો હાલમાં અપાતા એન્ટીબાયૉટિકની અસરમાં વધારો કરી શકે છે.

તેમણે કહ્યું છે કે આ ડુંગળી ટીબીની બીમારીમાં ઘણી લાભદાયી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ 2016ના રિપોર્ટ મુજબ કુલ 4.90 લાખ લોકો મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની ઝપટમાં આવી ગયા હતા.

જોકે, સંશોધકોએ એવું પણ જણાવ્યું છે કે આ સંશોધન હજુ પ્રાથમિક સ્તરનું છે. આ સંશોધનને સાચું સાબિત કરવા માટે મેડિકલ ક્ષેત્રે પરીક્ષણ થવાના બાકી છે.

યુનિવર્સિટી ઑફ લંડન અને યુનિવર્સિટી કૉલેજ લંડનની સંશોધનની ટીમ બિર્કબેકે ડુંગળીના ચાર અલગ અલગ પ્રકારના કણો પર પરીક્ષણ કર્યું હતું.

તેમાં જાણવા મળ્યું કે ચારેય પ્રકારના પરીક્ષણથી ટીબીની બીમારી કરતા જીવાણુઓમાં ઘટાડો થયો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

એક પરીક્ષણમાં તો ટીબીના સેલ્સમાં 99.9% ઘટાડો નોંધાયો હતો.

સંશોધકોની ટીમે જણાવ્યું છે કે ટીબીના ઇલાજ દરમિયાન દવાઓની સાથે આ ડુંગળીના વપરાશથી ટીબીમાં રાહત મળી શકે છે.


ટીબીની બીમારીથી 20 લાખ લોકોનાં મૃત્યુ

Image copyright PA

બિર્કબેકના જીવવિજ્ઞાન વિભાગના એક સંશોધક ડૉ. સંજીવ ભક્તા જણાવે છે, "ટીબીને રોકવા માટે દુનિયાભરમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે છતાં વર્ષ 2016માં ટીબીના 1 કરોડ નવા કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ આ બીમારીના કારણે 20 લાખ લોકોના મૃત્યુ પણ થયા છે."

"જ્યારે કોઈ નવી દવાની શોધ કરવામાં આવે છે, ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે એ દવાને કોમર્શિયલી વિકસાવી શકાય."

UCLના ઔષધનિર્માણ તેમજ જીવ-રસાયણના વિભાગ સાથે સંબંધ ધરાવતા પ્રોફેસર સિમોન ગિબ્બન્સ જણાવે છે, "કુદરતી વસ્તુઓ દવાઓ તરીકે ખૂબ સારી રીતે કામ કરી શકે છે."

"કુદરત એક દવાની દુકાન સમાન જ છે. એ વાત સાચી સાબિત થાય છે જ્યારે ઈરાની ડુંગળી જેવી વસ્તુઓ સામે આવે છે કે જે રોગનો સામનો કરવા કેમિકલનું નિર્માણ કરે છે."

ઓક્ટોબર મહિનામાં ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ડેમ સેલ્લી ડેવિસે વૈશ્વિક નેતાઓને સાથે મળીને દવાઓ વહન કરવાની અક્ષમતાના ખતરાને ટાળવા સાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો હતો.

મેડિકલ વિશેષજ્ઞો જણાવે છે કે આ દવાઓનો ઉપયોગ ખૂબ વધુ થયો છે. અને સમગ્ર યૂરોપમાં દર વર્ષે 25 હજાર લોકો દવાઓના લીધે થતા ઇન્ફેક્શનના કારણે મૃત્યુ પામે છે.

સંશોધકો માને છે કે ઈરાની ડુંગળીના જે કણોનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું, તેને હાલ વપરાશમાં લેવાતી દવાઓ સાથે મિક્સ કરી નવી દવા વિકસાવી શકાય છે કે જે ટીબી સામે લડવામાં મદદ કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો