પેલેસ્ટાઇનવાસીઓ અને યહૂદીઓ એક્બીજાની નજીક આવી શકે છે

ફિલીસ્તીની અને યહૂદી બાળકોની મિત્રતા દર્શાવતી લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસ્વીર
ફોટો લાઈન આ વસ્તીમાં પેલેસ્ટાઇનના અને યહૂદી બાળકો એકબીજા સાથે મૈત્રીસહજ ભાવ સાથે રહે છે

શું પેલેસ્ટાઇનીઓ અને યહૂદીઓ એકબીજાની નજીક આવી શકે છે?

શું દાયકાઓથી તેમની વચ્ચે રહેલી નફરતની દીવાલ ઘ્વસ્ત કરી શકાય?

હંમેશા યહૂદીઓ વચ્ચે રહેલી આરબ યુવતી રાણા અબુ ફરયાહ નો જવાબ છે - કદાચ નહીં.

રાણાને પોતે આરબ છે તેની જાણ માતાનાં મૃત્યુ બાદ થઈ.

ફોટો લાઈન હંમેશા યહૂદીઓ વચ્ચે રહેલી આરબ યુવતી રાણા અબુ ફરયાહ

તે કહે છે, "મારા માતાપિતા ઓમર નામના એક ગામમાં ધનાઢ્ય અને ઉચ્ચ વિચારો ધરાવતાં યહૂદીઓના પાડોસી હતા."

રાણા અને તેના પરિવારની રહેણી-કહેણી તેમના યહૂદી પાડોશીઓ જેવી જ હતી.

કેન્સરથી પીડિત રાણાની માતાએ તેમનાં મૃત્યુ પહેલા તેને યહૂદીઓના કબ્રસ્તાનમાં દફન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

યહૂદીઓએ રાણાની માતાની અંતિમ ઇચ્છાનો વિરોધ કરતાં તેમને ગામમાં જ દફન કરવામાં આવ્યાં હતાં.


ઓળખ વિશે મંથન

ફોટો લાઈન પેલેસ્ટાઇનવાસીઓ તથા યહૂદીઓની વસ્તીવાળા 'ઑએસિસ ઑફ પીસ' ગામના સ્થાપક ફાધર બ્રુનો હુસ્સરની યાદમાં લગાવાયેલી તખ્તી

ઉપરોક્ત સમગ્ર ઘટનાને કારણે વિવશ થઈને રાણા પોતાની ઓળખ શોધવા મજબૂર થઈ ગયાં.

રાણા કહે છે, "મારા માટે એ ઘડી બહુ દુઃખદ હતી."

તેઓ ઉમેરે છે કે તેમણે પહેલીવાર અનુભવ્યું કે તેઓ જે સમાજમાં રહે છે, જેને પોતાનો સમજે છે તે ખરેખર તો સભ્ય સમાજ જ નથી.

રાણાએ તેના આ અંગત અનુભવના આધારે એક ફિલ્મ બનાવી. આ ફિલ્મ યહૂદીઓ અને આરબોની ઓળખ પર સવાલ ઊભા કરે છે.

હકીકતે જોવામાં આવે તો રાણાની વાત ઇઝરાયલ સ્થિત આરબો અને યહૂદીઓના સમૂહો વચ્ચેની વાત છે.

આ વાત ભારતમાં રહેલા હિંદુ અને મુસલમાનોના સમૂહ સાથે મહદંશે મળતી આવે છે.


ગામનું હોવું જાણે કોઈ ચમત્કાર છે

ફોટો લાઈન હિબ્રુ ભાષામાં નેવ શલોમ અને અરબી ભાષામાં વાહત અલ સલામ (શાંતિનું મૃગજળ) તરીકે જેને ઓળખવામાં આવે છે.

ઇઝરાયલની આબાદી અંદાજે 85 લાખ લોકોની છે. ઇઝરાયલની વસ્તીમાં 80% યહૂદીઓ અને 20% પેલેસ્ટાઇનવાસીઓનો સમાવેશ થાય છે.

20% પેલેસ્ટાઇનવાસીઓમાં 18% મુસલમાનો અને 2% ખ્રિસ્તીઓ છે.

આ તમામ ઇઝરાયલી નાગરિકો છે. ગાઝા પટ્ટી અને વેસ્ટબેન્કમાં રહેતાં પેલેસ્ટાઇવાસીઓની વસ્તી 45 લાખની આસપાસ છે.

તેઓ ઇઝરાયલના નાગરિક તરીકેનો દરજ્જો ધરાવતાં નથી.

ઇઝરાયલમાં બંન્ને સમૂહોની વસ્તી અને મોહલ્લાઓ અલગ છે. ઇઝરાયલ સ્થિત આ બંને સમૂહો વચ્ચેનો મેળ-મેળાપ પણ બહુ ઓછો છે.

જો બંન્ને સમૂહોના લોકોએ સાથે મળીને રહેવાના પ્રયત્નો પણ કર્યો હોય તો પણ તેમની વચ્ચે રહેલી આંતરિક રાગ-દ્વેષની ભાવના એટલી મોટી છે કે તેઓ કોઈ દિવસ આ દિશામાં સફળ નથી થયા.

તેમ છતાંયે ઇઝરાયલના બે મોટા શહેરો જેરુસલેમ અને તેલ અવીવની વચ્ચે એક પહાડી પર એક ગામ છે.

જ્યાં યહૂદીઓ અને પેલેસ્ટાઇનીઓ વર્ષોથી હળીમળીને એકસાથે રહે છે.

ઇઝરાયલના વાતાવરણને જોતા એ કહી શકાય કે આ ગામનું અસ્તિત્વ કોઈ ચમત્કારથી કમ નથી.


ગામમાં મળે છે લોકતંત્રની શિક્ષા

ફોટો લાઈન લોકતંત્રના સમર્થનમાં સ્કૂલના બાળકો દ્વારા કરાયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની તસવીરો

હિબ્રુ ભાષામાં નેવ શલોમ અને અરબી ભાષામાં વાહત અલ સલામ (શાંતિનું મૃગજળ) તરીકે જેને ઓળખવામાં આવે છે.

એ વસ્તીમાં 70થી વધુ યહૂદી અને આરબ પરિવાર એક સાથે હળી-મળીને રહે છે.

ત્રીસથી વધુ પરિવારો હવે આ વસ્તીમાં રહેવા આવવાના છે.

અમને એવું જણાવવામાં આવ્યું છે કે અહીં વસવાનો નિર્ણય એ લોકો કરે છે જે બંન્ને સમુદાયો વચ્ચે શાંતિ પર વિશ્વાસ ધરાવે છે.

નિર્ણય કરનારા આ લોકો પેલેસ્ટાઇનીઓના અધિકારોને અને યહૂદીઓના અધિકારોને એક-સરખો અને સમતોલ માને છે.

વસ્તીમાં વાસી રહેલી એક મહિલા સમહ સલૈમી કહે છે, "અમારો ઉદ્દેશ્ય આરબો અને યહૂદીઓ સુધી શાંતિનો સંદેશો પહોંચાડવાનો છે અને એમના માટે એક ઉદાહરણ તરીકે બનવાનો છે."

આ વસ્તી ભારતના ગામડાઓ કરતા કાંઈક જુદી છે. અહિંયા કોઈ બજાર નથી, દુકાનો પણ બહુ ઓછી છે.

ફોટો લાઈન આ વસ્તીમાં કોઈ બજાર નથી, થોડી નાની દુકાનો છે

પણ અહીં બાળકો માટે એક શાળા ચોક્કસ છે જ્યાં બંન્ને સમુદાયોના બાળકો સાથે અભ્યાસ કરે છે.

આ શાળામાં હિબ્રુ અને અરબી ભાષા સત્તાવાર રીતે ભણાવાય છે. અહીં લોકતંત્ર વિષે પણ જણાવવામાં આવે છે.

જ્યાં બૉમ્બ અને રોકેટ વરસાવામાં આવતા હોય અને જ્યાં લોકોએ નાની ઉમરમાં આત્મઘાતી હમલાખોરોના હુમલાઓ જોયા હોય અને એ વિશે સાંભળ્યું હોય ત્યાં આરબ-ઇઝરાયેલી બાળકોને લોકતંત્રમાં ભરોસો રાખવાની સલાહ અપાય છે.

આ ક્ષેત્રની આ નવી પેઢી લોકતંત્રના સિદ્ધાંતો પર આગળ વધી રહી છે.

બાળકોનાં શિક્ષિકા મને એક વર્ગમાં લઈ ગયાં, જ્યાં દીવાલો પર ઢગલાબંધ તસવીરો લગાડેલી હતી.

આમાં લોકતંત્રના સમર્થનમાં સ્કૂલના બાળકો દ્વારા કરાયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની તસવીરો પણ સામેલ હતી.


બાળકોને વિશ્વની હકીકત વિષે જ્ઞાન અપાય છે

ફોટો લાઈન શાળાના વિદ્યાર્થીઓને પેલેસ્ટાઇન અને યહૂદી સંસ્કૃતિનું પણ જ્ઞાન આપવામાં આવે છે

શું આવી કાચી ઉંમરના બાળકોને વિરોધ પ્રદર્શન વિષે સમજાવવું યોગ્ય છે?

જવાબમાં સમહ સલૈમીએ કહ્યું, "અમે યહૂદી અને પેલેસ્ટાઇનના બાળકોને શીખવીએ છીએ કે આપણે કેવી રીતે પ્રદર્શન કરીને એ લોકોની મદદ કરી શકીયે છીએ, જેઓ ઇઝરાયલી કબજા હેઠળના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે."

સલૈમી કહે છે કે, તેઓ એ બાબત સ્વીકારે છે કે આ એક વરવું સત્ય છે, પરંતુ તેઓ બાળકો અને વડીલોને એ દિશાસૂચન આપે છે કે તેઓ કેવી રીતે કબ્જાનો વિરોધ કરી શકે છે.

આ શાળાના વિદ્યાર્થીઓને પેલેસ્ટાઇન અને યહૂદી સંસ્કૃતિનું પણ જ્ઞાન આપવામાં આવે છે.

મેં સ્કૂલની એક તરફ જોયું કે આરબ બાળકો યહૂદી સંગીત શીખી રહ્યા હતા.

તો બીજી તરફ એક અલગ કલાસમાં યહૂદી બાળકો અરબી સંગીતનો રિયાઝ કરી રહ્યા હતા.


મૂળમંત્ર છે શાંતિ અને લોકતંત્ર

ફોટો લાઈન વસ્તીમાં ત્રણ શબ્દો લોકોના મૂળમંત્ર છે - શાંતિ, સમાનતા અને લોકતંત્ર

હું એક એવા વર્ગમાં પણ ગયો કે જ્યાં બંન્ને સમુદાયોના બાળકોને અરબી ભાષા શીખવવામાં આવતી હતી.

પરંતુ હું વિચારતો થઈ ગયો કે આ બાળકોને શાહરુખ ખાન અને બોલીવૂડ વિષે કોણે શીખવ્યું હશે?

એક વિદ્યાર્થિનીએ કહ્યું, "શાહરુખ ખાન સૌથી સરસ છે."

તો બીજી વ્યક્તિ માત્ર શાહરુખ ખાનના નામનું રટણ જ કરે છે. કદાચ એને સમજાઈ ગયું હતું કે અમે લોકો ભારતીય છીએ.

અહીંની વસ્તીમાં ત્રણ શબ્દો લોકોના મૂળમંત્ર છે - શાંતિ, સમાનતા અને લોકતંત્ર.

વસ્તીમાં રહેતી યહૂદી વ્યક્તિ નવા સોનેનશૅચેન શાંતિને પ્રોત્સાહન આપવા માટે એક સંસ્થા ચલાવે છે.

નવા સોનેનશૅચેન દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાને 'સ્કૂલ ઓફ પીસ' કહેવામાં આવે છે.

તેનું કાર્ય આ ગામ દ્વારા ચલાવવામાં આવતા શાંતિના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું છે.

નવા સોનેનશૅચેનનું કહે છે, "અમે અત્યાર સુધી 70 હજાર લોકો સુધી પહોંચી શક્યા છીએ."

નવા ઉમેરે છે કે આ સંસ્થાના કાર્યક્રમો થાકી તેને એમનામાં બદલાવ જોવા મળ્યો છે.

નવાની સંસ્થાના કેટલાક નેતાઓ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં માનવ અધિકાર સંગઠનો પણ ચલાવી રહ્યા છે.


માત્ર ચાર પરીવારો દ્વારા થ હતી શરૂઆત

ફોટો લાઈન વસ્તીમાં રહેતા લોકોનું માનવું છે એમની વચ્ચે નહિ તો તેમની આવનારી પેઢીઓ વચ્ચે નફરતની દીવાલ જરૂર તૂટશે

આ વસ્તીની શરૂઆત માત્ર ચાર પરિવારો દ્વારા શરૂ થઈ હતી. હાલમાં અહીં 70 પરિવારો વસવાટ કરી રહ્યા છે.

ત્રીસથી વધુ પરીવારો ટૂંક સમયમાં અહીં આવીને વસવાટ કરશે.

મેં વસ્તીમાં વસતા પરિવારોને પૂછ્યું કે અહીં વસતા યહૂદીઓ અને પેલેસ્ટાઇનવાસીઓ એકબીજા સાથે કેમ લડતા નથી? તેમની વચ્ચે મતભેદ તો હશે ને?

મારા પ્રશ્નનો જવાબ આપતા સમહ સલૈમી જણાવે છે, "ઝઘડાઓ તો રોજ થાય છે. અમે એકબીજા સાથે દલીલો કરીએ છીએ."

સલૈમી કહે છે કે તેઓ એકબીજા ઉપર બૂમાબૂમ પણ કરે છે, પરંતુ બેઠક છોડીને ચાલ્યા નથી જતા.

અહીં વસવાટ કરી રહેલા પેલેસ્ટાઇનવાસીઓ અને યહૂદીઓ માને છે કે આ વસ્તીમાં બંન્ને સમુદાયોને રહેવાનો હક્ક છે.

ઇઝરાયલી અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે રહેલા ઊંડા મતભેદ અને હાલ પ્રવર્તમાન નફરતના માહોલમાં આ વસ્તી અંધારામાં એક હળીમળીને રહેતા ટમટમી રહેલા દીવા સમાન છે.

આ વસ્તીમાં રહેતા લોકોનું માનવું છે અને તેઓ કહે પણ છે કે એમની વચ્ચે નહિ તો તેમની આવનારી પેઢીઓ દરમ્યાન નફરતની દીવાલ જરૂર તૂટશે.

પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એ મંઝિલ ઘણી દૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ