હોંગકોંગ : પોલીસના 24 કલાકના અભિયાન બાદ બોંબ સફળ રીતે નિષ્ક્રિય

બોંબ અને તેને નિષ્ક્રિય કરી રહેલા લોકોની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન હોંગકોંગમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી બોંબ મળી આવ્યો

હોંગકોંગમાં ભીડભાડવાળા વિસ્તારમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો એક બોંબ મળી આવ્યો. જો કે, ખૂબ જ ડેમેજ થયેલા આ બોંબનો પોલીસે સફળ રીતે નિષ્ક્રિય કરી દીધો હતો.

450 કિલોના આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરવા માટે નિષ્ણાતોએ આખી રાત તેના પર કામ કર્યું હતું.

વળી આ કાર્ય કરવા માટે 4000 લોકોનું સ્થળાંતર કરીને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો.

મહત્ત્વની વાત એ છે કે હોંગકોંગમાં એક જ સપ્તાહમાં આ બીજો બોંબ મળી આવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મળી આવેલો AN-M65 નામનો બોંબ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

Image copyright HONG KONG POLICE

એ સમયે જાપાનના તાબા હેઠળના હોંગકોંગ પર તેને ફેંકવામાં આવ્યો હતો.

અહીં ભૂતકાળમાં પણ આવા બોંબ મળી ચૂક્યા છે.

1941 અને 1945 વચ્ચેના સમયગાળામાં આ જગ્યા એક બ્રિટિશ કૉલોની હતી અને તેના પર જાપાનના દળોનું નિયંત્રણ હતું.

આથી અહીં જાપાનીઝ દળો અને બ્રિટિશ દળો વચ્ચે સંઘર્ષ થતો હતો.


'મુશ્કેલ, 'ડર્ટી' અને જોખમી અભિયાન'

Image copyright Getty Images

બુધવારના રોજ વાન ચાઇ જિલ્લામાં એક બાંધકામના સ્થળે જમીનમાં આ બોંબ મળ્યો હતો.

આથી પોલીસે જિલ્લાના કેટલાક વિસ્તાર સીલ કરી દીધા હતા.

બોંબ નિષ્ક્રિય કરવાનું અભિયાન ચાલી રહ્યું હતું, ત્યારે વિક્ટોરિયા હાર્બરનો વાહનવ્યવહાર સ્થગિત કરી દેવાયો હતો.

બોંબ નિષ્ક્રિય કરનારી ટીમના અધિકારી એલિક મેકવાર્થરે સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટને જણાવ્યું હતું કે, બોંબના ફ્યૂઝનું મિકેનિઝમ ખૂબ જ ડેમેજ થયેલું હતું.

વળી જે જગ્યાએથી બોંબ મળ્યો ત્યાં તેને નાશ કરવાના ઉપકરણો પહોંચાડવા પણ મુશ્કેલ હતા. જગ્યા વરસાદના પાણીથી ભીંજાયેલી હતી.

Image copyright HONG KONG POLICE

સ્થાનિક સમય પ્રમાણે ગુરૂવારે 'એક્સપ્લોસિવ ઑર્ડનન્સ ડિસ્પોઝલ' ટીમના અધિકારીઓએ બોંબના બાહ્ય આવરણમાં એક મોટું કાણું પાડીને તેમાં અંદર રહેલા વિસ્ફોટક પદાર્થોને નિષ્ક્રિય કર્યા હતા.

તેમાં રહેલો ગન પાઉડર બાળીને નિષ્ક્રિય કરી દેવાયા બાદ તેને ક્રેઇનથી ઉંચકીને બહાર કાઢવામાં આવ્યો હતો.

એલિક મેકવાર્થરે કહ્યું, "બોંબ નિષ્ક્રિય કરવાનું અભિયાન 'ડર્ટી', મુશ્કેલ અને જોખમી હોય છે. આ કેસમાં ત્રણેય બાબત સાચી હતી."

"બોંબ નિષ્ક્રિય કરવાના અભિયાનમાં જોતરાયેલા લોકો માટે તે ખૂબ જ જોખમકારક કામ હતું."

આ સમગ્ર અભિયાન ચોવીસ કલાક સુધી ચાલ્યું હતું. ત્યારબાદ વિસ્તારની તમામ ઇમારતો સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યે ખોલી દેવાઈ હતી અને બપોર સુધીમાં માર્ગો પણ ખોલી દેવાયા હતા.

Image copyright EPA

હોંગકોંગના ઇતિહાસકાર જેસોન વોર્ડીએ એએપપીને જણાવ્યું કે, જે જગ્યાએથી આ બોંબ મળ્યો તે પહેલાં એક બંદર હતું.

માટીનું પૂરાણ થવાના લીધે દરિયાનું પાણી વધુ આગળ ધકેલાઈ ગયું હતું.

"જાપાનીઝ દળનું નિયંત્રણ હતું ત્યારે હોંગકોંગ મુખ્યત્વે તેની જહાજોના સમારકામની સુવિધાઓ માટે મહત્ત્વનું હતું."

"આથી આ સુવિધાઓને નિરૂપયોગી બનાવવાથી જાપાનની યુધ્ધ જીતવાની કોશિશને તે નુકશાન પહોંચાડવા બરાબર હતું."

Image copyright Getty Images

તેમના અનુસાર હજી પણ અહીં આવા અન્ય બોંબ મળી આવવાની શક્યતા છે. અગાઉ પણ હોંગકોંગમાં બોંબ અને વણફૂટેલા ગ્રેનેડ મળી ચૂક્યા છે.

અત્યાર સુધી મળેલો સૌથી મોટો બોંબ 907 કિલો વજનનો હતો જેને 2014માં નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો