ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમના સુકાની સાંગા છે ધોનીના ફેન

સાંગાનો ફોટો Image copyright CRICKET AUSTRALIA

મળો ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટીમના સુકાની જેસન જસકીરત સાંગાને.

તેઓ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

બહુ ઓછા લોકો જાણે છે કે જેસન જસકીરત સાંગા ભારતીય મૂળના છે અને તેમના પિતા પંજાબના છે.

બીબીસી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેઓએ પોતાના જીવનની ઘણી રસપ્રદ વાતો કરી હતી.


ક્રિકેટની સફર કઈ રીતે શરૂ થઈ?

Image copyright Getty Images

જસકીરત જણાવે છે કે તેઓએ ક્રિકેટની શરૂઆત એડમ ગિલક્રિસ્ટને જોઈને કરી હતી.

તેમણે જણાવ્યું, ''ગિલક્રિસ્ટને જોઈને થોડાં જ મહિનાઓમાં મેં ક્રિકેટ કિટ ખરીદી હતી અને ટેનિસ બોલ સાથે ઘરમાં જ રમવાનું શરૂ કર્યું હતું. દીવાલોને વિકેટ બનાવી બોલિંગ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.''

સાંગાના ઘરમાં પણ સ્પોર્ટ્સનો માહોલ છે. તેઓના માતાપિતા પણ ઍથ્લીટ રહી ચૂક્યા છે અને તેઓ પણ તેમનાં પગલે જવા માગે છે.

પરંતુ શરૂઆતના દિવસોમાં જેસને ક્રિકેટને ક્યારેય પણ પોતાનું મુખ્ય લક્ષ્ય માન્યું નહોતું. તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે તેમને એ પણ ખ્યાલ નહોતો કે ક્રિકેટ કઈ રીતે રમાય છે.

Image copyright Getty Images

તેમણે જણાવ્યું કે તેમના માતા અને બહેન બંને તેમની રમતનું ખૂબ જ ધ્યાન રાખે છે. જેસનની માતાએ જ તેમના માટે ક્રિકેટ ક્લબની શોધ કરી અને પછી જ તેઓએ રમવાનું શરૂ કર્યું હતું.

જેસન જણાવે છે, ''મને એવી રમત વધારે પસંદ છે જેમાં કોઈ એક વ્યક્તિ સિવાય સંપૂર્ણ ટીમ સાથે હરીફાઈ હોય. ક્રિકેટની પસંદગી પાછળ એ પણ કારણ છે.''

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં જેસને પાકિસ્તાન સામે સદી ફટકારી અને તેનાથી તેમને ખૂબ જ જુસ્સો મળ્યો.

તેઓ જણાવે છે, ''શરૂઆતના દિવસોમાં જ્યારે હું ક્રિકેટને સમજી રહ્યો હતો ત્યારે જ મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જેથી મને લાગ્યું કે મને ભૂલથી તો પસંદ કરવામાં આવ્યો નથી ને.''

Image copyright Getty Images

ગત બે વર્ષથી તેઓ ન્યૂ સાઉથ વેલ્સ ક્લબ સાથે જોડાયેલા છે અને તેઓ હવે ખૂબ જ સ્થિર છે.

જેસન માને છે કે પહેલા વર્ષે તેઓ માનસિક દબાણમાં હતા અને રમવું સહેલું નહોતું કેમ કે તેઓ ત્યારે માત્ર 17 વર્ષના હતા અને મેદાનમાં સિનિયર ખેલાડીઓ સાથે રમી રહ્યા હતા.

પરંતુ હવે તેઓએ સ્વીકારી લીધું છે કે તેઓ પ્રોફેશનલ ક્રિકેટર બની ચૂક્યા છે. માનસિક દબાણ તેમના કાર્યનો એક ભાગ છે.

અંડર-19 વર્લ્ડ કપ અંગે તેમણે કહ્યું, ''અમારી ટીમે ખૂબ જ સારી તૈયારીઓ કરી છે.''

જેસન ધોનીના ટીમ નેતૃત્વથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમના અન્ય મનપસંદ ખેલાડીઓમાં વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે કેમ કે તેઓ બંને પણ પોતાના દેશ માટે અંડર-19 રમી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો