પ્રેસ રિવ્યૂ: 'ભારતના સાત હજાર સુપરરિચ એક વર્ષમાં વિદેશ જઈ વસ્યા'

ગાયોની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત અહેવાલ મુજબ, "રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શંકર લાલના કહેવા પ્રમાણે, ભેંસ તથા જર્સી ગાયનાં દૂધ તામસિક છે. જેના કારણે ગુનાખોરી વધી છે."

શંકરલાલને ટાંકતા જણાવાયું છે, "બીમાર વ્યક્તિની પાસે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તેને ઓક્સિઝનની ઉણપ નડતી નથી.

"જર્સી ગાયના પેટમાં ત્રણ ચેમ્બર હોય છે, જ્યારે ભારતીય ગાયના પેટમાં ચાર ચેમ્બર હોય છે, જેના કારણે ગાયના પેટમાં ઝેરી તત્વો ભળી જાય તો પણ તેના દૂધ, ગૌમૂત્ર કે માંસને તેની અસર નથી થતી."

ભારતમાંથી ધનકુબેરોનું પલાયન

ઇમેજ સ્રોત, Getty Images

સંદેશ અખબારમાં 'ન્યૂઝ વર્લ્ડ વેલ્થ'ના રિપોર્ટના આધારે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

અખબારના અહેવાલ મુજબ ગત એક વર્ષ દરમિયાન લગભગ સાત હજાર કરોડપતિઓ ભારત છોડી ગયા હતા.

રિપોર્ટ પ્રમાણે, "વર્ષ 2017માં ચીનના (10000), ભારતના (7000), તુર્કસ્તાનના (6000), બ્રિટનના (4000), ફ્રાન્સના (4000) અને રશિયાના (3000) સુપર રિચ લોકોએ તેમના દેશનું નાગરિકત્વ છોડી અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું."

સમાચારમાં વધુમાં જણાવાયું છે કે સુપરરિચ નાગરિકો માટે 'હોટ ફેવરિટ ડેસ્ટિનેશન' છે.

2017 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં (10000), અમેરિકામાં (9000), કેનેડામાં (5000) તથા યુએઈમાં (5000) ધનકૂબેરો જઈને વસ્યા હતા.

માલદીવમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ગજગ્રાહ

ઇમેજ સ્રોત, Reuters

માલદીવની સરકારે સુરક્ષાબળોને આદેશ આપ્યા છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ન કરે.

સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીનની ધરપકડ કરીને તેમની સામે મહાભિયોગ ચલાવવાના આદેશ આપ્યા હતા.

ઉપરાંત સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સામે ચાલી રહેલા ખટલાને ગેરબંધારણીય ઠેરવ્યો હતો.

આ સિવાય વિપક્ષના નવ સાંસદોને પણ છોડી મૂકવાના આદેશ આપ્યા હતા.

એટર્ની જનરલ મોહમ્મદ અનિલે કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે, રાષ્ટ્રપતિ યમીન સત્તા પર ન રહે. આ પ્રકારની ધરપકડના આદેશ ગેરકાયદેસર તથા ગેરબંધારણીય છે."

નશીદ હાલ શ્રીલંકામાં છે. તેમણે માગ કરી હતી કે વર્તમાન સરકાર તથા રાષ્ટ્રપતિએ તત્કાળ રાજીનામા આપી દેવા જોઈએ.

'પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય વેક-અપ કોલ'

ઇમેજ સ્રોત, PIB

ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, "રાજસ્થાનના મુખ્યપ્રધાન વસૂંધરારાજે સિંધિયાએ પેટા ચૂંટણીઓમાં ભાજપના પરાજયને 'વેક-અપ કોલ' સમાન ગણાવ્યો છે.

"સાથે જ ઉમેર્યું હતું કે આનાથી નિરાશ થવાની જરૂર નથી. પક્ષના કાર્યકરોએ પોતપોતાના વિસ્તારોમાં જઈને સરકારે હાથ ધરેલા વિકાસના કામો અંગે માહિતી આપવી જોઈએ."

રાજસ્થાન કોંગ્રેસના નેતા રાજેશ પાયલટને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે, "આ ચૂંટણીએ ભાજપને સંકેત આપી દીધો છે કે તમારી જુમલેબાજીથી કામ નહીં ચાલે."

ઉલ્લેખનીય છે કે લોકસભાની બે બેઠકો તથા વિધાનસભાની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.

આ ત્રણેય બેઠકો ભાજપ પાસે હતી અને ત્રણેય પર પક્ષનો પરાજય થયો હતો. આ ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો