માલદીવમાં વિચિત્ર રાજકારણ વચ્ચે કટોકટીનું એલાન

માલદીવમાં પોલીસ બંદોબસ્ત Image copyright AFP

શું તમે માલદીવમાં રજાઓ માણવાનું સપનું જોઈ રહ્યા છો? તો લાગે છે કે તમારે બીજી કોઈ જગ્યાની પસંદગી કરવી પડી શકે તેમ છે. કેમ કે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને માલદીવ ન જવાની સલાહ આપી છે. તેનું કારણ છે માલદીવમાં ચાલી રહેલી હિંસા.

માલદીવમાં રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન 15 દિવસની કટોકટી જાહેર કરી દીધી છે.

દેશની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને નિર્દોષ છોડી દેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેને માનવાથી રાષ્ટ્રપતિએ ઇન્કાર કરી દીધો છે.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતીય સમયાનુસાર સોમવારની સાંજે સરકારી ટેલિવિઝન પર રાષ્ટ્રપતિનાં સહયોગી અઝિમા શુકૂરે કટોકટીનું એલાન કર્યું હતું.

માલદીવના રાષ્ટ્રપતિના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પર આ અંગે સૂચના અપાઈ છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર થયેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે માલદીવમાં કટોકટી દરમિયાન કેટલાક અધિકાર મર્યાદિત રહેશે, પરંતુ લોકોની સામાન્ય અવર જવર, સેવાઓ અને વેપાર પર તેની કોઈ અસર પડશે નહીં.

નિવેદનમાં આગળ એ પણ કહેવામાં આવ્યું છે કે માલદીવ સરકાર એ આશ્વસ્ત કરવા માગે છે કે દેશના બધા જ નાગરિકો તેમજ વિદેશીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

Image copyright TWITTER/@MEAINDIA

ભારતના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને માલદીવ જવાથી બચવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.


કેવી રીતે હિંસાએ લીધો જન્મ?

Image copyright AFP

ગત વર્ષે જુલાઈ માસના અંતે માલદીવે પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

પરંતુ આ ઉત્સવના રંગમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે સરકારે સંસદ ભંગ કરવાનો આદેશ આપ્યો અને વિપક્ષના સંસદ સભ્યોને સંસદમાં પ્રવેશ કરવાથી રોક્યા હતા.

આ પ્રયાસ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીનનો હતો કે જેમણે પોતાની સત્તા બચાવી રાખવા માટે આ પગલું ભર્યું હતું.


માલદીવમાં વિચિત્ર રાજરમત

Image copyright Science Photo Library

સામાન્યપણે માલદીવને લોકો તેના સુંદર બીચના કારણે ઓળખે છે. આ દેશના સમુદ્રોના કિનારા પર જ્યારે સવારે સુરજની કિરણ પડે છે તો તેની સુંદરતાને જોઈને કહી શકાય છે કે સ્વર્ગ પણ તેનાથી વધારે સુંદર નહીં હોય.

એક પરિપૂર્ણ રજાઓ મનાવવા માલદીવ કરતા સુંદર સ્થળ કયું હોઈ શકે?

જેટલું સુંદર આ સ્થળ છે, તેટલું જ વિચિત્ર આ દેશનું રાજકારણ છે. માલદીવનો રાજકીય ડ્રામા તેના સુંદર બીચ પર નહીં, પણ માલેમાં સર્જાય છે.

માલે એક નાનો ટાપુ છે, જ્યાં મોટી મોટી સંસ્થાઓ સ્થિત છે. માલે પૃથ્વી પર સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતાં શહેરમાંથી એક છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ માલદીવના વિપક્ષના નેતાઓમાંથી એક છે

30 વર્ષ સુધી આ દેશ પર મૌમૂન અબ્દુલ ગયૂમે શાસન કર્યું હતું.

3 દાયકા સુધી ગયૂમે બળવાના ઘણાં પ્રયાસ નિષ્ફળ કર્યા હતા. પરંતુ લોકશાહી સુધારાની માગ વધતા ગયૂમ ત્રણ દાયકા કરતા વધારે શાસન કરી શક્યા નહીં.

વર્ષ લોકશાહી પદ્ધતિથી ચૂંટણી જીતીને 2008માં મોહમ્મદ નશીદ રાષ્ટ્રપતિ તરીકે સામે આવ્યા.

પદ સંભાળ્યા બાદ તેમણે દમનકારી કાયદાને પરત ખેંચ્યા, લોકશાહી ધરાવતી સંસ્થાઓને ટેકો આપ્યો, અને પાણીની અંદર કેબિનેટ મિટિંગ કરીને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

જોકે, તેઓ પણ લાંબા ગાળા સુધી સત્તા પર ટકી શક્યા નહીં.


રાજકીય ઉથલપાથલ

Image copyright Getty Images

મોહમ્મદ નશીદ લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પહેલા રાષ્ટ્રપતિ હતા.

વર્ષ 2015માં આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત તેમનું પદ છીનવી લેવાયું હતું.

ત્યારબાદથી માલદીવમાં રાજકીય ઉથલ પાથલનો સિલસિલો ચાલી રહ્યો છે.

નશીદને 13 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. તેની આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે ખૂબ નિંદા થઈ હતી.

ત્યારબાદ તેમને બ્રિટને રાજકીય શરણું આપ્યું હતું. તેઓ સર્જરી કરાવવા માટે બ્રિટન ગયા હતા.

માલદીવમાં વર્ષ 2008માં લોકતંત્રની સ્થાપના થઈ હતી, પરંતુ વર્ષ 2013માં રાષ્ટ્રપતિ યમીનના સત્તામાં આવ્યા બાદથી ત્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો