માલદીવ: પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે ભારત અને અમેરિકાથી મદદ માગી

માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદ Image copyright Getty Images

માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ભારત અને અમેરિકાને તેમના દેશ માલદીવમાં ચાલી રહેલી રાજકીય કટોકટીમાં દરમિયાનગીરી કરવા જણાવ્યું છે.

મોહમ્મદ નશીદ હાલમાં શ્રીલંકામાં આશ્રય લઈ રહ્યા છે. તેમણે કેદીઓને મુક્ત કરવામાં ભારતને મદદ કરવા કહ્યું છે.

તેમણે અમેરિકા પાસે સરકારમાં રહેલા નેતાઓના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

માલદીવમાં રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને 15 દિવસની કટોકટી જાહેર કરી દીધી છે.

દેશની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને નિર્દોષ છોડી દેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેને માનવાથી રાષ્ટ્રપતિએ ઇન્કાર કરી દીધો છે.

વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સરકાર સવાલો ઉઠાવતા અવાજોને દબાવી રહી છે. પરંતુ ટીવી સંદેશામાં પ્રમુખ યમીને જણાવ્યું હતું કે ન્યાયાધીશો બળવો કરવાનું કાવતરું કરી રહ્યા હતા.


ભારત કરે દખલગીરી

આ દરમિયાન મોહમ્મદ નશીદે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે "માલદીવના લોકો વતી અમે વિનમ્રતાથી માગીએ છીએ કે,

1. ભારત માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગયૂમ સહિત તમામ રાજકીય કેદીઓને છોડાવવા માટે એક રાજદૂત મોકલે જેમને લશ્કરનું સમર્થન હોય. અમે ઈચ્છીએ છીએ કે ભારત ત્યાં જઈને આ મામલે દખલ કરે.

2. અમે અમેરિકા પાસેથી માગણી કરીએ છીએ કે માલદીવની સરકારના તમામ નેતાઓના અમેરિકન બેન્કો દ્વારા થતાં નાણાં વ્યવહારો પર પ્રતિબંધ મૂકે."

મોહમ્મદ નશીદે એક નિવેદન બહાર પાડીને એ પણ કહ્યું છે કે "રાષ્ટ્રપતિ યમીને ગેરકાયદેસર રીતે માર્શલ લૉ લગાવ્યો છે. આપણે તેમને સત્તાથી દૂર કરવા જોઇએ."

માલદીવ સરકારના આ પગલાંનો વિપક્ષ અને ઘણાં દેશોની સરકારોએ નિંદા કરી છે. અમેરિકાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો