સૌથી લાંબુ પ્રવચન કરનાર અમેરિકન મહિલા રાજકારણી કોણ?

અમેરિકાના ડેમોક્રેટિક પક્ષનાં રાજકારણી નેન્સી પેલોસી. Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાના ડેમોક્રેટિક પક્ષનાં રાજકારણી નેન્સી પેલોસી.

બુધવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એક કલાકથી પણ લાંબુ ભાષણ આપ્યું ત્યારે પૃથ્વીના બીજા ખૂણામાં અમેરિકાનાં રાજકારણી નેન્સી પેલોસીએ પ્રતિનિધિ સભા (અમેરિકન કોંગ્રેસ) માં સૌથી લાંબા સમય સુધી પ્રવચન આપવાનો વિક્રમ સર્જ્યો હોય એવું લાગે છે. તેમણે ઇમિગ્રન્ટ્સ એટલે કે પરદેશી વસાહતીઓ વિશે આઠ કલાક સુધી ભાષણ આપ્યું હતું.

ગૃહની કાર્યવાહીની નોંધ રાખતી હિસ્ટોરિયન્સ ઓફિસે પત્રકારોને જણાવ્યું હતું કે નેન્સી પેલોસીનું ભાષણ ગૃહમાંનું અત્યાર સુધીનું સંભવતઃ સૌથી લાંબુ ભાષણ હતું.

ચેમ્પ ક્લાર્કે 1909માં સવા પાંચ કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. નેન્સી પેલોસીએ તેમને પાછળ છોડી દીધા છે.

બાળપણમાં અમેરિકા આવેલા, પણ વણનોંધાયેલા ઇમિગ્રન્ટ્સની તરફેણમાં નેન્સી પેલોસીઓ ભાષણ આપ્યું હતું. આ ઇમિગ્રન્ટ્સને ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે.

આ સપ્તાહે થયેલી બજેટ સમજૂતીના ભાગરૂપે આ ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપવું જોઈએ એવું નેન્સી પેલોસી ઇચ્છે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ગૃહમાં લઘુમતિ પક્ષના નેતા નેન્સી પેલોસીએ તેમના ભાષણનો પ્રારંભ સ્થાનિક સમય અનુસાર સવારે 10.04 વાગ્યે કર્યો હતો અને તેમનું ભાષણ મોડી સાંજ સુધી ચાલતું રહ્યું હતું.


મિગ્રન્ટ્સની સંખ્યાબંધ કથાઓનું બયાન

Image copyright Getty Images

અમેરિકાની ડીફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઇવલ્સ સ્કીમ (ડીએસીએ) હેઠળ આ ડ્રીમર્સને રક્ષણ આપવામાં આવતું હતું, પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે સ્કીમ ગયા વર્ષે બંધ કરી દીધી હતી.

નેન્સી પેલોસીએ કહ્યું હતું, "દરરોજ હજ્જારો હિંમતવાન, રાષ્ટ્રપ્રેમી ડ્રીમર્સ તેમનો દરજ્જો ગૂમાવી રહ્યાં છે. તેમનું રક્ષણ કરવાની સંસદ સભ્ય તરીકે આપણી ફરજ છે."

"આ ડ્રીમર્સ અમેરિકાનું ગૌરવ છે અને સત્તાવાર દરજ્જાને બાદ કરતાં દરેક અર્થમાં અમેરિકન નાગરિક છે."

હદપારીનો સામનો કરી રહેલા ઇમિગ્રન્ટ્સની સંખ્યાબંધ કથાઓનું બયાન નેન્સી પેલોસીએ તેમના ભાષણમાં કર્યું હતું.

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે જણાવ્યું હતું કે નેન્સી પેલોસી ચાર ઈંચની હિલ્સના પગરખાં પહેરીને લાંબો સમય બોલ્યાં હતાં. એટલું જ નહીં, તેમણે આ દીર્ઘ ભાષણ દરમ્યાન બહુ ઓછું પાણી પીધું હતું.

ડેમોક્રેટિક પક્ષના સમર્થકો અને નેન્સી પેલોસીના પક્ષના સભ્યોએ તેમને અભિનંદન આપતી સંખ્યાબંધ ટ્વીટ્સ કરી હતી.

જોકે, રિપબ્લિક પક્ષના સભ્યોએ નેન્સી પેલોસીના ભાષણને સમયનો બગાડ ગણાવ્યું હતું.

નેન્સી પેલોસીએ તેમનું ભાષણ પુરું કર્યું ત્યારે ચેમ્બરમાં ઉપસ્થિત ડેમોક્રેટિક પક્ષના સભ્યોએ તેમનું અભિવાદન કર્યું હતું.


કોણ છે નેન્સી પેલોસી?

નેન્સી પેલોસી યુએસની 114મી કોંગ્રેસમાં ‘હાઉસ ઑફ રિપ્રેન્ટેટેટિવ્સ’નાં ડેમોક્રેટિક પક્ષના નેતા છે.

તેઓ વર્ષ 2007થી 2011 દરમિયાન ગૃહના સ્પીકર પદે રહેનારાં અમેરિકાના ઇતિહાસના પ્રથમ મહિલા હતાં.

ડેમોક્રેટિક પક્ષનાં નેતા તરીકે નેન્સીએ અમેરિકાનાં મધ્યમ વર્ગીય પરિવારો માટે વધુ પગાર અને સુવિધાયુક્ત આંતરમાળખાકિય વ્યવસ્થા માટે સતત લડતાં આવ્યાં છે.

અમેરિકાની મહિલાઓના હકોના આંદોલનની શરૂઆત જ્યાંથી થઈ હતી તે સેનેકા ફોલ્સ ખાતે એ કાર્યક્રમમાં વર્ષ 2013માં નેન્સીનો સમાવેશ નેશનલ વિમેન્સ હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

તે છેલ્લાં 30 વર્ષોથી કેલિફોર્નિયાના 12માં જિલ્લા સાન ફ્રાન્સિસ્કોનું પ્રતિનિધિત્વ કોંગ્રેસમાં કરી રહ્યાં છે.

તેમણે 12 વર્ષ કરતાં વધુ સમય માટે હાઉસ ડેમોક્રેટ્સનું નેતૃત્વ કર્યું છે અને એ પહેલાં તેમણે હાઉસ ડેમોક્રેટ્સ વ્હિપ તરીકે કામ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો