ડાઉ જોન્સમાં સપ્તાહમાં બીજી વખત 1000 પોઇન્ટ્સ કરતાં વધુનો ઘટાડો

અમેરિકાના શેરબજારની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની કંપનીઓના શેર્સ ગુરુવારે ફરીથી એક વખત મોટા પ્રમાણમાં ઘટ્યા. ગયા સપ્તાહે શરૂ થયેલી વેચવાલીને કારણે અમેરિકાના મુખ્ય શેરબજાર ડાઉ જોન્સમાં ઘટાડો થયો હતો. ગુરુવારના ઘટાડા બાદ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ તથા એસએન્ડપી 500ને થયેલા નુકસાનમાં વધારો થયો છે.

ચાલુ સપ્તાહમાં જ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં બીજી વખત 1000 પોઇન્ટ્સ કરતાં વધુનો ઘટાડો થયો છે. આ સૂચકાંક 4.15 ટકા ઘટીને 23,860 થયો હતો.

એસએન્ડપી 500માં પણ 100.6 પોઇન્ટ એટલે કે 3.75 ટકા ઘટીને 2,581 નોંધાયો હતો, જ્યારે નાસ્ડેક 274.8 પોઇન્ટ્સ અથવા 3.9 ટકા ઘટાડો થઈને 6,777.1 નોંધાયો હતો.

યુરોપના તમામ શેરબજારોમાં થયેલા કડાકાને પગલે આ ઘટાડો નોંધાયો હોવાનું મનાય છે.

લંડનનો 100 શેર ઇન્ડેક્સ 1.49 ટકા ઘટીને 7,170.69 પોઇન્ટ્સ પર બંધ થયો હતો. જર્મની અને ફ્રાન્સના શેરબજારોમાં પણ અનુક્રમે 2.6 ટકા અને 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

ગયા સપ્તાહે શરૂ થયેલી વેચવાલીને કારણે પણ આ ઘટાડો જળવાઈ રહ્યો હોવાનું મનાય છે. કારણ કે રોકાણકારોને એ બાબતની ચિંતા થઈ રહી છે કે જો વ્યાજદરોમાં વધારો થશે ત્યારે મોંઘવારીમાં અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધારો થશે.

ગુરુવારે બેંક ઑફ ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરો વિશેથી ટિપ્પણીથી આ દૃષ્ટિકોણને બળ મળ્યું હોવાનું જણાય છે.

બેંક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે થયેલી તેની મિટિંગ બાદ તેના વ્યાજદરોને પ્રવર્તમાન 0.5 ટકાના દરે જ રાખ્યાં છે. જોકે બેંક દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અર્થતંત્રમાં થઈ રહેલા સુધારાનો એક અર્થ બજારોની અપેક્ષા કરતાં વધુ ઝડપથી વ્યાજદરોમાં વધારા તરીકે પણ જોઈ શકાય.

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન સંસદમાં રજૂ થયેલો સરકારી બજેટનો પ્રસ્તાવ પણ બજારો માટે ચિંતાનો વિષય રહ્યો. આ પ્રસ્તાવથી ખર્ચની મર્યાદામાં વધારો થવાથી મોંઘવારીમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

યુએસમાં બોન્ડમાં રોકાણથી મળતાં વળતરમાં પણ તાજેતરના સપ્તાહોમાં વધારો થયો છે, જે લાક્ષણિક રીતે ઊંચા વ્યાજ દરનો સંકેત છે.

ઊંચા વ્યાજ દરને કારણે કંપનીઓ અને વ્યક્તિઓ માટે લોન લેવાના ખર્ચમાં વધારો થશે, જેને કારણે કંપનીઓના નફા પર અસર પડી શકે છે અને આર્થિક પ્રવૃત્તિઓ પર અંકૂશ મૂકી શકે છે.

આ ઉપરાંત શેરબજારની સરખામણીએ રોકાણના અન્ય સાધનો જેવા કે બોન્ડ્સ વગેરેને વધુ આકર્ષક બનાવી શકે છે.

બદલાતી પરિસ્થિતિઓ

ઇમેજ સ્રોત, Getty Images

ડાઉ જોન્સ અને એસએન્ડપીમાં ગુરુવારે થયેલા કડાકા સાથે જાન્યુઆરીમાં જોવા મળેલા રેકોર્ડ વધારામાં 10 ટકા જેટલો ઘટાડો થયો છે. જેને બજારના વિશેષજ્ઞો 'કરેક્શન' - સુધારા તરીકે ઓળખાવે છે.

આ ઘટાડાથી યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સવાલ ઊભા થયા છે, જેમણે ગયા વર્ષે બજારના મૂલ્યમાં થઈ રહેલા વધારા બાબતે વારંવાર આત્મસ્તુતિ કરી હતી.

ગુરુવારે વાઇટ હાઉસે જણાવ્યું હતું કે, બજારમાં થઈ રહેલો આ ઘટાડો સમગ્ર અર્થતંત્રની સુધરી રહેલી સ્થિતિ દર્શાવતાં આંકડા સામેની પ્રતિક્રિયા છે. જેમાં ઘટેલી બેરોજગારી અને વેતન દરોમાં વધારો પણ સામેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો