પહેલી વખત લેબોરેટરીમાં વિકસાવાયા અંડકોષ
- જેમ્સ ગેલેઘર
- હેલ્થ એન્ડ સાયન્સ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, UNIVERSITY OF EDINBURGH
યુનિવર્સિટી ઑફ એડિનબર્ગમાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં અંડકોષ વિકસાવ્યું છે
યુનિવર્સિટી ઑફ એડિનબર્ગના સંશોધકોએ જણાવ્યું છે કે ઇતિહાસમાં પહેલી વખત લેબોરેટરીમાં અંડકોષનો વિકાસ કરવામાં આવ્યો છે.
ટીમના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનૉલૉજીની મદદથી કેન્સરની સારવાર લઈ રહેલા બાળકોની પ્રજનન શક્તિનું સંરક્ષણ થઈ શકશે.
આ ટેક્નોલૉજીની મદદથી અંડકોષનો વિકાસ કેવી રીતે થાય છે એ જાણી શકાશે.
વિશેષજ્ઞો માને છે કે આ એક અવિશ્વસનીય શોધ છે. જોકે, તેને મેડિકલ સાયન્સમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે તેના પર અભ્યાસ થવો જરૂરી છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ પ્રકારની શોધ પર વૈજ્ઞાનિકોએ વર્ષો વિતાવી દીધા છે, પરંતુ હવે સંશોધન બાદ એ જાણી શકાયું છે કે, વૈજ્ઞાનિકો અંડાશય બહાર પણ અંડકોષનો પુરતો વિકાસ થઈ શકે છે.
તેના માટે લેબોરેટરીની સ્થિતિ નિયંત્રણમાં હોવી જોઈએ. તેમાં ઑક્સિજનનું સ્તર, હોર્મોન, પ્રોટીન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે અંડકોષનો વિકાસ કરે છે.
'રોમાંચક સિદ્ધિ'
ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞાનિકોએ અંડકોષનો અંડાશય બહાર વિકાસ શક્ય કરીને બતાવ્યો છે, પરંતુ 'મોલેક્યુલર હ્યુમન રિપ્રોડક્શન' નામના જર્નલમાં કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્રે હજુ વધુ સંશોધનની જરૂર છે.
માત્ર 10% અંડકોષ એવા હોય છે કે જે યોગ્ય રીતે વિકસી શકતા નથી.
સંશોધકોમાંથી એક પ્રોફેસર ઇવલીન ટેલ્ફરે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "આ સંશોધન ખૂબ રસપ્રદ સાબિત થયું છે.
"પરંતુ કલ્ચર કંડિશનને વધુ સારી બનાવવા માટે હજુ ઘણું કામ થવું બાકી છે. ઉપરાંત અંડકોષની ગુણવત્તાનું પણ પરીક્ષણ થવું બાકી છે.
"જોકે, મેડિકલ સાયન્સમાં વપરાશની બાદબાકી કરીએ તો આ સંશોધન અંડકોષના વિકાસને સમજવા માટે ખૂબ અગત્યનું સાબિત થઈ શકે છે."
પૉલર પ્રોબ્લેમ
ઇમેજ સ્રોત, Getty Images
અંડકોષે પોતાના વિકાસ દરમિયાન જિનેટિક તત્વોના અડધા ભાગને ખોઈ દેવો પડે છે. નહીં તો તેને જ્યારે શુક્રાણુ દ્વારા ફલિત કરવામાં આવે, ત્યારે તેમાં DNAનું પ્રમાણ ખૂબ વધી જાય તેવી શક્યતાઓ રહે છે.
વધુ પ્રમાણના DNAને એક લઘુ કોષિકામાં દાખલ કરાવામાં આવે છે કે જેને પૉલર બૉડી કહેવામાં આવે છે, પરંતુ આ અધ્યયનમાં પૉલર બૉડીઝને અસામાન્ય રૂપે મોટી માત્રામાં રાખવામાં આવી હતી.
પ્રોફેસર ટેલ્ફર કહે છે, "આ એક ચિંતાનો વિષય છે."
જોકે, તેઓ માને છે કે તેને ટેકનૉલૉજીની મદદથી સુધારી શકાય છે.
20 વર્ષ પહેલા ઉંદરના અંડકોષ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ટેકનૉલૉજીની મદદથી પ્રાણીનું નિર્માણ કરી શકાય છે.
આ જ પ્રક્રિયા અને સિદ્ધિને ધ્યાનમાં રાખતા કહી શકાય છે કે મનુષ્યના ટિશ્યૂ કૅન્સરની બીમારીથી પીડિત બાળકોને મદદ મળી રહેશે.
કૅન્સર
ઇમેજ સ્રોત, Getty Images
કિમોથેરેપી અને રેડિયોથેરેપીના કારણે ગર્ભધારણ શક્તિ પર વિપરીત અસર પડી શકે છે.
તેવામાં એક મહિલા ઇલાજ શરૂ કરતા પહેલા અંડકોષ અથવા તો ભ્રૂણને પણ ફ્રીઝ કરીને મૂકી શકે છે.
આમ એ મહિલાઓ કરી શકતી નથી કે જેઓ નાનપણથી કૅન્સરથી પીડિત છે.
આવી પરિસ્થિતિમાં તેઓ અંડાશયના ટિશ્યૂને ઇલાજ પહેલા ફ્રીઝ કરીને સંરક્ષિત મૂકી શકે છે અને વર્ષો બાદ જો કોઈ દંપતી પોતાનું બાળક ઇચ્છે તેનો ઉપયોગ સંભવ છે.
પરંતુ ફ્રીઝ કરેલા સેમ્પલમાં જો કોઈ અસાધારણતા જોવા મળે છે, તો ડૉક્ટર તેના જોખમ અંગે વિચાર કરી શકે છે.
આ પ્રકારના દર્દીઓ માટે લેબોરેટરીમાં અંડકોષનો વિકાસ કરવો એક સુરક્ષિત વિકલ્પ હશે.
હૅમરસ્મિથ હૉસ્પિટલના સ્ત્રીરોગ વિશેષજ્ઞ સ્ટૂઅર્ટ લેવરી જણાવે છે, "આ પ્રકારના સંશોધન આપણને એક પગલું આગળ લઈ જાય છે.
"જોકે, નાના મોટા સુધારા અને કાર્યની બાદબાકી કરીએ તો, આ સંશોધન કેટલાક દર્દીઓ માટે આશાના કિરણ સમાન છે."
યુકેમાં સંશોધન માટે અંડકોષનું ગર્ભધારણ કરી ભ્રૂણનું નિર્માણ કરવાની કાયદાકીય પરવાનગી અપાયેલી છે.
પરંતુ એડિનબર્ગની ટીમ પાસે લાઇસન્સ નથી કે જેથી કરીને તેઓ પરીક્ષણ કરી શકે.
તેઓ હવે એમ્બ્રયો ઑથોરિટીમાં અરજી કરવાનો વિચાર કરી શકે છે અથવા તો તેઓ એ સેન્ટર સાથે સંયુક્ત રીતે કામ કરી શકે છે કે જેમની પાસે પહેલેથી લાઇસન્સ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો