ઑપરેશન કેક્ટસઃ જ્યારે ભારતીય સેના પહોંચી હતી માલદીવ
- રેહાન ફઝલ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજી નવેમ્બર 1988ના રોજ માલદીવના તે વખતના પ્રમુખ મૌમૂન અબ્દુલ ગયૂમ ભારતના પ્રવાસે નીકળવાના હતા. તેમને લેવા માટે ભારતે વિમાન પણ મોકલ્યું હતું. જોકે વિમાન માલે પહોંચે તે પહેલા સંદેશ આવ્યો કે મુલાકાત હાલ રદ કરવી પડશે. રાજીવ ગાંધીની ચૂંટણી સભા અચાનક ગોઠવાઈ એટલે તેમણે કોલકાતા જવું પડે તેમ હતું.
રાજીવ ગાંધીએ ગયૂમને ફોન કરીને જાણ કરી કે આપણે ફરી ક્યારેક મળીશું.
આમ તેમની મુલાકાત રદ થઈ, પણ ગયૂમને સત્તા પરથી ઉથલાવી નાખવા માટે ત્રીજી નવેમ્બરે જ ગોઠવાયેલી યોજના રદ કરી શકાય તેમ નહોતી.
માલદીવના એક બિઝનેસમેન અબ્દુલ્લા લુથૂફી અને તેના સાથીદાર સિક્કા અહમદ ઇસ્માઇલ માનિકે ગયૂમ ભારતના પ્રવાસે જાય, ત્યારે પાછળથી સત્તા કબજે કરવાની યોજના ઘડી કાઢી હતી.
તેમણે અગાઉની યોજના મુજબ જ આગળ વધવાનું નક્કી કર્યું. શ્રીલંકામાંથી 'પ્લૉટ'ના ભાડૂતી ઉગ્રવાદીઓ માલે નજીક પહોંચી ગયા હતા.
પિપલ્સ લિબરેશન ઑર્ગેનાઇઝેન ઑફ તમિલ ઇલમ (પ્લૉટ)ના લડાકુઓની મદદથી બળવો કરવાનો હતો.
પ્લૉટના કેટલાક ઉગ્રવાદીઓ અગાઉથી જ પ્રવાસીઓના સ્વાંગમાં માલે પહોંચી ગયા હતા અને બાકીના સ્પીડ બોટ દ્વારા શ્રીલંકાથી આવીને કિનારે લાંગરવાના હતા.
ગયૂમ ભારતના પ્રવાસે આવવાના હતા એટલે પ્રોટોકોલ પ્રમાણે માલદીવ ખાતેના હાઇકમિશનર એ. કે. બેનરજી અગાઉથી જ દિલ્હી પહોંચી ગયા હતા.
ભારતને સેના મોકલવા અપીલ
ઇમેજ સ્રોત, Getty Images
એ ઘટનાને યાદ કરતા બેનરજી કહે છે,'હું દિલ્હીમાં ધાબળો ઓઢીને ગાઢ નિદ્રામાં હતો. સવારના સવા છ વાગ્યા હશે અને મારા ફોનની ઘંટડી વાગી.
'મારા સેક્રેટરી માલેમાં જ હતા. તેમણે કહ્યું કે અહીં તો બળવો થયો છે. કેટલાક લોકો રસ્તા પર ઘૂમી રહ્યા છે અને ગોળીબાર કરી રહ્યા છે.
'પ્રમુખ ગયૂમ કોઈ સલામત સ્થળે છુપાઈ ગયા છે. તેમણે ભારતને અપીલ કરી છે કે તરત સૈનિકો મોકલે અને તેમને બચાવી લે.'
બીજા બાજુ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ કુલદીપ સહદેવને પણ માલે ખાતેની ભારતીય હાઈ કમિશનની ઓફિસમાંથી ફોન આવી ગયો હતો.
તેમણે તરત જ વડાપ્રધાનની ઓફિસના સંયુક્ત સચિવ રોનન સેનને સ્થિતિની જાણ કરી દીધી.
સાઉથ બ્લૉકમાં આર્મી ઑપરેશન રૂમમાં તાકિદની બેઠક બોલાવાઈ અને તેમાં સેનને પણ હાજર રહેવા જણાવી દેવાયું હતું.
કોલકાતાથી પરત આવીને વડાપ્રધાન રાજીવ ગાંધી પણ સીધા ત્યાં જ પહોંચવાના હતા.
મિશન ઑવરસીઝ - ડેરિંગ ઑપરેશન્સ બાય ઇન્ડિયન મિલિટરી
બીબીસી સ્ટુડિયોમાં ઇન્ડિયન એક્સપ્રેસના સહ સંપાદક સુશાંતસિંહ સાથે રેહાન ફઝલ
એ બેઠક પછી માલદીવમાં ભારતીય સેનાએ કરેલી કામગીરી વિશે પુસ્તક લખાયું હતું, જેનું નામ છે મિશન ઑવરસીઝ - ડેરિંગ ઑપરેશન્સ બાય ઇન્ડિયન મિલિટરી.
પુસ્તકના લેખક સુશાંત સિંહ હાલ ઇન્ડિયન એક્સપ્રેસમાં એસોસિયેટ એડિટર છે.
તેમણે લખ્યું છે, 'રાજીવ ગાંધી રોનન સેન અને કુલદીપ સહદેવ સાથે મિલિટરી ઑપરેશન રૂમમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ગૃહપ્રધાન પી. ચિદંબરમ પણ હાજર હતા.
'તેમણે કહ્યું કે આપણે 'નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ'ને મોકલી આપીએ. જોકે સેના તે માટે સહમત નહોતી.'
તેમણે વધુમાં જણાવ્યું, 'બેઠકમાં હાજર રૉના વડા આનંદ સ્વરૂપ વર્માએ જણાવ્યું કે તેમની માહિતી અનુસાર માલેના હુલહુલે એરપોર્ટ પર બળવાખોરોએ કબજો કરી લીધો છે.
'ખરી વાત એ હતી કે રૉ પાસે પૂરતી માહિતી નહોતી. માલેની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેની માહિતી ફક્ત રોનન સેન પાસે હતી.'
18 કલાક સુધી ચાલતો રહ્યો ફોન કોલ
ઇમેજ સ્રોત, Getty Images
સુશાંત સિંહે પુસ્તકમાં લખ્યું છે, માલદીવમાંથી ત્યાંના વિદેશ સચિવ ઝાકીએ વડાપ્રધાનના નિવાસસ્થાન (7 રેસકોર્સ રોડ) પર ફોન લગાવ્યો હતો. તે ફોન સેને પોતે ઉઠાવ્યો હતો.
ઝાકીએ સ્થિતિની જાણ કરી કે તેમના ઘરની સામે જ આવેલા ટેલિફોન એક્સચેન્જ પર કબજો કરી લેવાયો છે.
તે વખતે જ સેને તેમને સલાહ આપી કે હવે તમે ફોન કાપશો નહિ. તમે રિસિવર મૂકશો કે તરત જ ટેલિફોન એક્સચેન્જમાં સ્વિચ બોર્ડમાં લાઇટ બંધ થશે અને બળવાખોરોનું ધ્યાન જશે.
એટલે બંને છેડેથી ફોન ચાલુ જ રાખવામાં આવ્યા. આ ફોન કોલ આગલા 18 કલાક સુધી એમ જ જોડાયેલો રહ્યો હતો.
ભારતીય સેનાએ માલે પહોંચીને પોતાનું ઑપરેશન પાર પાડી દીધું તે પછી કોલ પૂરો થયો હતો.
બેઠકમાં પહેલા એવું નક્કી થયું હતું કે આગ્રામાંથી 50 પેરા બ્રિગેડના સૈનિકોને માલેમાં પેરાશૂટથી ઉતારવા, પણ તેમાં એક મુશ્કેલી હતી.
પેરાશૂટથી નીચે ઉતરવા માટે વિશાળ મેદાનની જરૂર પડે. માલદીવ નાના નાના ટાપુઓનો બનેલો છે એટલે ઉતરવા માટે વિશાળ મેદાન ના મળે. સૈનિકો સમુદ્રમાં ખાબકે તો મુશ્કેલી સર્જાય.
માલદીવનું નામ પણ નહોતું સાંભળ્યું બ્રિગેડિયરે
ઇમેજ સ્રોત, Getty Images
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની મદદ માગી છે
નકશો જોયા પછી ખ્યાલ આવ્યો કે સૈનિકોને ઉતારવા માટે 12 ફૂટબોલ જેટલું વિશાળ મેદાન માલેમાં મળે તેમ નહોતું. તેથી એ યોજના પડતી મૂકવામાં આવી.
બીજી બાજુ બેઠકમાં હાજર લોકો પાસે નક્કર માહિતી નહોતી કે હુલહુલે એરપોર્ટ કેટલું મોટું છે.
એક ભારતીય કંપનીએ જ એરપોર્ટ બાંધી આપ્યું હતું, પણ તેની પાસેથી તાત્કાલિક માહિતી મળે તેમ નહોતી.
રાજીવ ગાંધીએ રોનન સેનને સૂચના આપી કે ઇન્ડિયન એરલાઇન્સનું પ્રવાસી વિમાન લઈને માલે જનારા પાઇલોટોનો સંપર્ક કરીને માહિતી મેળવી લો.
બેઠકમાં ચર્ચા બાદ સમગ્ર ઓપરેશનની જવાબદારી બ્રિગેડિયર ફારૂક બલસારાને સોંપવાનું નક્કી થયું હતું.
સેનાના વડા લેફ્ટનન્ટ જનરલ રોડરિગ્સે બ્રિગેડિય બલસારાને ફોન કરીને પેરાટ્રૂપ્સને તૈયાર થઈ જવા જણાવ્યું, ત્યારે બ્રિગેડિયર બલસારા માટે પણ માલદીવ અજાણ્યો પ્રદેશ હતો.
ઑપરેશનની જવાબદારી સોંપાઈ તે બ્રિગેડિયરે માલદીવનું નામ પણ સાંભળ્યું નહોતું. તેમણે પોતાના ઇન્ટેલિજન્સ ઓફિસરને બોલાવ્યા.
તેઓ લાઇબ્રેરીમાંથી નકશો લઈ આવ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે માલદીવ તો 1200 નાનાનાના ટાપુઓનો બનેલો દેશ છે.
ભારતના દક્ષિણ છેડાથી 700 કિમી દૂર સમુદ્રની વચ્ચે કોઈ નાના દ્વિપ પર ઉતરવાનું હતું.
અપૂરતી માહિતી વચ્ચે સેના થઈ તૈયાર
ઇમેજ સ્રોત, Getty Images
બલસારાએ પોતાના બે ઓફિસરોને દોડાવ્યા. આગ્રા શહેરમાં આવેલા ટુરિસ્ટ કેન્દ્રોમાંથી માલદીવ વિશે મળે તે માહિતી એકઠી કરવામાં આવી.
દરમિયાન બ્રિગેડીયર વી. પી. મલિક (જેઓ બાદમાં સેનાના વડા બન્યા હતા) અને માલદીવ ખાતેના ભારતીય હાઇકમિશનર એ. કે બેનરજી સૈન્ય વિમાનમાં આગ્રા પહોંચી ગયા હતા.
એ. કે. બેનરજી કહે છે, "હું ઑપરેશન રૂમમાં પહોંચ્યો, ત્યારે ટેબલ પર હુલહલે એરપોર્ટના બદલે ગાન એરપોર્ટનો નકશો પાથરેલો હતો.
"ગાન એરપોર્ટ 300 કિમી દૂર બીજા ટાપુ પર આવેલું છે. મને ખ્યાલ આવી ગયો કે ભારતીય સેના પાસે પૂરતી માહિતી પણ નહોતી."
સુશાંત સિંહે પુસ્તકમાં આગળ વર્ણન કર્યું છે તે પ્રમાણે,'બલસારાની યોજના હુલહુલે એરપોર્ટ પર ઉતરવાની હતી પણ જો બળવાખોરોએ એરપોર્ટનો કબજો કરી લીધો હોય તો વિમાન ઉતારી ના શકાય.
'તેવી સ્થિતિમાં પેરાશૂટ દ્વારા સૈનિકોને નીચે ઉતારવા પડે. બલસારાએ કહ્યું કે તેઓ પોતે સૌથી પહેલાં પેરાશૂટ લઈને ઉતરી પડશે. દરમિયાન બ્રિગેડીયર મલિકે સૂચન કર્યું કે ,બેનરજીને પણ સાથે લઈ જવા જોઈએ.
'માલેમાં રહ્યા હોવાથી બેનરજી ત્યાંના પરિચિત હતા અને સેનાને ઉપયોગી થાય તેમ હતા.'
બેનરજીની બે શરતો
ઇમેજ સ્રોત, Getty Images
સેના સાથે માલદીવ જવા માટે બેનરજી તરત તૈયાર થયા નહોતા. આ વિશે વાત કરતા બેનરજી કહે છે, 'મેં પહેલા બે શરતો મૂકી. એક તો વિદેશ મંત્રાલયમાંથી આ માટે મંજૂરી લેવી પડે.
'બીજું મેં કહ્યું કે મને સેફ્ટી રેઝર આપવી પડશે, કેમ કે હું દાઢી કર્યા વિના મારો દિવસ શરૂ કરી શકતો નથી!
'વિદેશ મંત્રાલયમાંથી તરત મંજૂરી મળી ગઈ, પણ બીજી શરત પ્રમાણે સેફ્ટિ રેઝર લેવા માટે દોડભાગ કરવી પડી હતી.
'રાતના આર્મી કેન્ટિન ખોલાવવામાં આવી અને મારા માટે શેવિંગ કિટ, ટૂથ બ્રશ અને ટુવાલ પણ લઈ લેવામાં આવ્યા.'
પહેલીવાર એવું બની રહ્યું હતું કે સેનાના મહત્ત્વના ઑપરેશનમાં વિદેશ મંત્રાલયના અધિકારી પણ સામેલ થઈ રહ્યા હતા.
ખભે પેરાશૂટ સાથેના સૈનિકોથી ભરેલું વિમાન આગ્રા એરપોર્ટ પરથી ઉડ્યું, ત્યારે સૈનિકોમાં ભારે ઉત્સાહ હતો અને 'છતરી માતા કી જય'ના નારાથી વિમાન ગુંજી ઉઠ્યું હતું.
વિમાન હવામાં તરવા લાગ્યું એટલે બ્રિગેડિયર બલસારા ઊંઘવા લાગ્યા. પેરા કમાન્ડોની તાલીમમાં પ્રથમ એ જ શીખવાય છે કે કોઈ પણ મોટું અભિયાન શરૂ કરતાં પહેલાં મળે તેટલી ઊંઘ લઈ લેવી.
ભારતીય સેનાની કામગીરીના સમાચાર બીબીસી પર
ઇમેજ સ્રોત, Getty Images
એ વિમાનમાં લેફન્ટેનન્ટ જનરલ વિનોદ ભાટિયા પણ હતા. તેઓ કહે છે, 'અમે ભારતીય હવાઈ સરહદની બહાર નીકળ્યા, ત્યારે બ્રિટીશ એરવેઝના વિમાનનો અમને ભેટો થઈ ગયો.
'તેના પાઇલોટને જણાવવું જરૂરી હતું કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. કદાચ તેના કારણે જ માહિતી બીબીસી સુધી પહોંચી ગઈ હતી.
'સાત વાગ્યાના બુલેટિનમાં બીસીસીએ સમાચાર આપી દીધા હતા કે માલદીવના પ્રમુખને બચાવી લેવા માટે ભારતીય સેનાનું અભિયાન શરૂ થઈ ગયું છે.'
ભારતીય સેનાનું વિમાન એરપોર્ટ પર ઉતર્યું ત્યારે ઘોર અંધારું હતું. આઇએલ-76 વિમાનમાંથી 150 ભારતીય સૈનિકો અને જીપને નીચે ઉતારી તૈયાર કરી લેવાયા.
થોડીવારમાં બીજું વિમાન પણ આવી પહોંચ્યું. એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) જેટી અને રનવે પર તરત જ કબજો જમાવી દેવામાં આવ્યો.
એટીસી ટાવરમાં પહોંચીને બ્રિગેડિયર બલસારાએ પ્રમુખ ગયૂમ છુપાયા હતા ત્યાં રેડિયો દ્વારા સંપર્ક સ્થાપિત કર્યો.
'મિસ્ટર પ્રેસિડેન્ટ, અમે પહોંચી ગયા છીએ'
ઇમેજ સ્રોત, Getty Images
હાલ માલદીવમાં કટોકટી પ્રવર્તે છે
સુશાંત સિંહ વાત આગળ વધારતા કહે છે, 'ગયૂમ સાથે સંપર્ક થયો કે તરત જ પ્રમુખે કહ્યું કે તમે ઝડપથી તેમના નિવાસસ્થાને પહોંચો.
'તેમના નિવાસસ્થાનને બળવાખોરોએ ઘેરી લીધું હતું. આસપાસમાંથી ગોળીબારના અવાજો પણ સતત આવતા હતા.
'જોકે બલસારાએ હૈયાધારણ આપી કે મિસ્ટર પ્રેસિડેન્ટ અમે પહોંચી ગયા છીએ. અમે તમને ગમે તે ભોગે સલામત બહાર કાઢી લઈશું.'
ભારતીય સૈનિકો પ્રમુખના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે ત્યાં ભારે ગોળીબાર ચાલી રહ્યો હતો.
બલસારાએ ગયૂમને જણાવ્યું હતું કે, તમે તમારા ઘરની બહાર ગાર્ડ્સને ગોઠવી રાખજો. જેથી ભારતીય સૈનિકો પહોંચે કે તરત જ તેમને ગયૂમ પાસે લઈ જવામાં આવે.
જોકે ઘરની ફરતે ગાર્ડ્સ ગોઠવીને રક્ષણ કરી રહેલા નેશનલ સિક્યુરિટી સર્વિસના વડા સુધી આ સંદેશ ગયૂમ પહોંચાડી શક્યા નહોતા.
તેના કારણે ભારતીય સૈન્ય ટુકડી ત્યાં પહોંચી ત્યારે આ ગાર્ડ્સે તેમને આગળ વધતા રોકી. બલસારા ગોળીબાર કરવાનો આદેશ આપવાની તૈયારીમાં હતા, પણ ત્યાં સુધીમાં કદાચ મેસેજ પહોંચી ગયો હતો.
ગાર્ડ્સે ભારતીય સૈનિકોને જવા માટે જગ્યા કરી આપી. ભારતીય સૈનિકો પ્રમુખ ગયૂમ પાસે પહોંચ્યા ,ત્યારે મઘરાતના બે વાગીને દસ મિનિટ થઈ હતી.
ગયૂમને તરત જ ભારતીય સૈનિકો સાથે હુલહુલે એરપોર્ટ પર પહોંચી જવા જણાવાયું. જોકે તેમણે કહ્યું કે મને નેશનલ સિક્યુરિટી સર્વિસના હેડક્વાર્ટર સુધી સલામત લઈ જાવ.
રાજીવ ગાંધી સાથે પ્રમુખની વાતચીત
ઇમેજ સ્રોત, Getty Images
ગયૂમની ઇચ્છા અનુસાર ભારતીય ટુકડી તેમને લઈને નેશનલ સિક્યુરિટી સર્વિસની મુખ્ય કચેરીએ પહોંચી, ત્યારે સવા ત્રણ વાગી ગયા હતા.
બલસારા અને બેનરજીએ જોયું કે મુખ્ય કચેરીની આસપાસ બળવાખોરોના શબ પડ્યા હતા. દિવાલો પર અસંખ્ય ગોળીઓના નિશાન હતા.
બળવાખોરોએ કચેરી પર કબજો કરવા બહુ જોર અજમાવ્યું હતું તેનો ખ્યાલ આવી જતો હતો.
તે વાતને યાદ કરતા બેનરજી કહે છે, 'ગયૂમ બહુ ગભરાયેલા લાગતા હતા. જોકે તેમણે આ સ્થિતિમાં પણ પોતાના પર કાબૂ રાખ્યો હતો.
'અમને જોઈને બહુ ખુશ થઈ ગયા હતા. તેમણે અમારો આભાર માન્યો અને કહ્યું કે અત્યારે જ તેઓ રાજીવ ગાંધી સાથે વાત કરવા માગે છે.'
સેટેલાઇટ ફોનથી વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે પરોઢિયે ચાર વાગી ગયા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
રોનન સેનને એ ઘડી બરાબર યાદ છે કે તે વખતે રાજીવ ગાંધી પોતાના કમ્પ્યૂટર પર બેસીને એક હાથે કશુંક ટાઇપ કરી રહ્યા હતા. તેઓ હંમેશા એ રીતે ટાઇપ કરતા.
ફોન આવ્યો એટલે તેમણે પ્રમુખ ગયૂમ સાથે વાતચીત કરી અને તે પછી જ સુવા માટે ગયા હતા.
18 કલાક બાદ ઑપરેશન પૂરું થયું હતું. રોનન સેન પણ વડાપ્રધાનની ઓફિસેથી ઘરે જવા હવે નીકળવાની તૈયારી રહ્યા હતા.
તે વખતે રાજીવ ગાંધીએ કહ્યું કે મારા વતી સંરક્ષણ પ્રધાનને સફળ અભિયાન બદલ અભિનંદન આપી દો. જોકે પછી તેમના ચહેરા પર સ્મિત આવ્યું અને કહ્યું કે 'જવા દો, અત્યારે સૂતા હશે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો