મહિલા બ્યૂટી કૉન્ટેસ્ટના ફાઇનલિસ્ટ એક પુરુષ!

અરીના અલીયેવા, ઈલે ડિયાગેલિવ

ઇમેજ સ્રોત, vozhod, aalieva @Instagram

22 વર્ષીય એક ફેશન મૉડલ 'મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાન'ના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ એક મહિલા નહીં, પણ પુરુષ છે.

અરીના અલીયેવા (અસલી નામ, ઈલે ડિયાગિલેવ) 'મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાન' માટે યોજાતી ઑનલાઇન પ્રતિયોગિતાના ફાઇનલમાં પહોંચ્યા હતા.

તેમની તસવીરને લોકો પાસેથી બે હજાર કરતા વધુ મત મળ્યા હતા.

આ સ્તર પર પહોંચ્યા બાદ અલીયેવાને 'મિસ વર્ચ્યુઅલ શમકંદ' બનાવી દેવાયા હતા. શમકંદ દક્ષિણી કઝાકિસ્તાન વિસ્તારની રાજધાની છે.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ અલીયેવાની આ ખુશી થોડી ક્ષણ માટે હતી કેમ કે આયોજકોએ ખોટી જાણકારી આપવા બદલ તેમને અયોગ્ય જાહેર કરી દીધા હતા.

ક્ષેત્રીય ઉપાધિ અને રાષ્ટ્રીય સ્તર પર પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે હવે આયોજકોએ ઇકરિમ તમિરખાનોવાનાં નામનો પ્રસ્તાવ આપ્યો છે જેમને 1,975 મત મળ્યા હતા.

પ્રતિયોગિતાના ફાઇનલમાં પહોંચીને બે દિવસ બાદ ઈલે ડિયાગિલેવે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ એક મહિલા નથી અને અરીના અલીયેલા તેમની ટીમનો પ્રોજેક્ટ હતો.

તેઓ કહે છે, "મોટાભાગની મહિલાઓ વિચારે છે કે સુંદર દેખાવું જ સૌથી મહત્ત્વની વાત છે અને સુંદર દેખાવું એક મુશ્કેલ કામ છે.

પરંતુ મેં મારા મિત્રોને કહ્યું હતું કે પુરુષ પણ મહિલા કરતા સુંદર હોઈ શકે છે."

ઇમેજ સ્રોત, MISS VIRTUAL KAZAKHSTAN

તેઓ કહે છે "હું 17 વર્ષની ઉંમરથી ફેશન જગતમાં છું. હું મૉડલનું કામ કરું છું. હું મેકઅપની મદદથી સહેલાઈથી પોતાનો ચહેરો બદલી શકું છું.

તે માટે મેં એક ફોટોગ્રાફર, હેરસ્ટાઇલિસ્ટ અને મેક અપ આર્ટિસ્ટને બોલાવ્યા હતા અને બસ અરીનાની તસવીર તૈયાર કરી હતી."

"ફાઇનલમાં પહોંચવા પર મને પણ ખૂબ આશ્ચર્ય થયું હતું."

જોકે, લોકોએ ઇન્સ્ટાગ્રામ પર આયોજિત આ પ્રતિયોગિતાને ખૂબ પસંદ કરી હતી.

ઘણાં લોકોએ તો એવું પણ કહ્યું કે ડિયાગિલેવ ઘણી મહિલાઓ કરતા વધારે સુંદર છે.

પરંતુ બધા જ લોકોએ સકારાત્મક ટિપ્પણી કરી હોય તેવું પણ નથી.

ઇન્સ્ટાગ્રામના એક યુઝરે કહ્યું, "મને લાગે છે કે આ પ્રચારની એક રીત છે અને લોકો આ ઘટના બાદ પ્રતિયોગિતા વિશે વાત કરવા લાગશે."

(ટૉમ ગર્કન, યૂજીસી એન્ડ સોશિયલ મીડિયા અને મુરત બાબાજોનોવ અને મારુફોન ઇસ્માટોવ, બીબીસી મૉનિટરિંગ)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો