પેલેસ્ટાઇનમાં મોદી, હેલિકૉપ્ટર જોર્ડનનું, સુરક્ષા ઇઝરાયલની

યાશર અરાફાતના સ્મૃતિ સ્થળને પુષ્પચક્ર અર્પિત કરી રહેલા વડાપ્રધાન મોદી

ઇમેજ સ્રોત, PIB

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પર છે. શનિવારે તેઓ પેલેસ્ટાઇનના રામલ્લાહ પહોંચ્યા હતા. મોદીની યાત્રા માટે જોર્ડને હેલિકૉપ્ટર આપ્યું હતું. ઇઝરાયલે હવાઈ સુરક્ષા પૂરી પાડી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર લખ્યું, "આજે ઇતિહાસ લખાયો. પહેલી વખત ભારતીય વડાપ્રધાને પેલેસ્ટાઇનની મુલાકાત લીધી.

"રામલ્લાહ જવા માટે જોર્ડને હેલિકૉપ્ટર આપ્યું, જ્યારે ઇઝરાયલેના વાયુદળે હવાઈ સુરક્ષા પૂરી પાડી હતી."

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રા દરમિયાન પેલેસ્ટાઇન, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે.

શનિવારે મોદી પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટીમાં આવેલા રામલ્લાહ પહોંચ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી, જેના કારણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ વધ્યો હતો.

તાજેતરમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહૂ ભારત આવ્યા હતા અને મોદી સાથે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.

આથી, વડાપ્રધાન મોદીની પેલેસ્ટાઇનની યાત્રાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા

ઇમેજ સ્રોત, PIB

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રામલ્લાહ યાત્રા અંગે ચર્ચા થઈ.

હિતેન પારીખે લખ્યું, "રામ અને અલ્લાહ શક્તિ આપશે, જેથી વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થઈ શકે."

આશિષ પૃષ્ટિએ લખ્યું, "આ (ઘટના) વડાપ્રધાનનું વ્યક્તિત્વ અને તમામ રાષ્ટ્રો સાથે તેમના સંબંધોને દર્શાવે છે. કૂટનીતિનું આ સુંદર ઉદાહરણ છે."

પંકજ ભાલેરાવે લખ્યું, "આને સ્વૈગ કહેવાય." નીતુસિંહે લખ્યું, "જેરૂસલેમ મુદ્દે મોદીને ઉપદેશ આપનારા લોકો જરાક બારીકાઈથી મોદીજીની વૈશ્વિક વ્યવહાર કુશળતાને સમજો."

ઇમેજ સ્રોત, VINAYAK RAO@TWITTER

કે. સિંઘાનિયાએ લખ્યું, "ઇઝરાયલ તથા પેલેસ્ટાઇન વચ્ચે સારા સંબંધ નથી, ત્યારે આ અંગે વિચારવું પણ મુશ્કેલ છે."

વિનાયક રાવે લખ્યું, "આ થોડું અટપટું પણ રસપ્રદ જણાય છે. ત્રીજા વિસ્તારની મુલાકાત માટે બે દેશોએ સાથે મળીને વ્યવસ્થા કરી આપી."

એન. કે. રાવે ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "શું? મુસ્લિમોની બહુમતીવાળા દેશના હેલિકૉપ્ટરમાં ? આ શું છે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો