'લોકો પૂછે છે મોદીજી જણાવો ક્યારે થશે'

દુબઈમાં ભારતીય સમુદાયને સંબોધતા નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, TWITTER @MEAINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું-

આજે યુએઈ હોય કે બીજા ખાડી દેશ હોય, અમારો સંબંધ માત્ર વિક્રેતા અને ખરીદદારનો રહ્યો નથી, ભાગીદારીનો સંબંધ છે.

ભારત આ વાત માટે ગર્વ કરે છે કે ખાડી દેશોમાં 30 લાખ કરતા પણ વધારે ભારતીયો અહીંની વિકાસ યાત્રામાં ભાગીદાર બન્યા છે.

હું તમામ સવા સો કરોડ ભારતીયો તરફથી આ મંદિર માટે ક્રાઉન પ્રિન્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મંદિરનું નિર્માણ, એ પણ સદભાવનાના સેતુના રૂપમાં. આપણે એ પરંપરા સાથે મોટા થયા છીએ જેમાં મંદિર માનવતાનું માધ્યમ છે.

તમને આ પણ વાંચવું ગમશે

નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, TWITTER @MEAINDIA

અમે એ દિવસો પણ જોયા છે જ્યારે લોકો કહેતા કે ચાલો છોડો યાર, કંઈ થવાનું નથી, ચલો સામાન ઉઠાવો ક્યાંક જતા રહીએ. નિરાશા, આશંકા, દુવિધા....આ કાળખંડમાંથી અમે પસાર થયા છીએ.

એક સમય હતો જ્યારે દેશનો સામાન્ય નાગરિક પૂછતો કે શું આ શક્ય છે? ત્યાંથી ચાલતા-ચાલતા ચાર વર્ષની અંદર દેશ અહીં પહોંચ્યો છે કે આજે દેશ એ નથી પૂછી રહ્યો કે આ થશે કે નહીં, શક્ય છે કે નહીં.

લોકો હવે પૂછે છે કે મોદીજી, જણાવો ક્યારે થશે? આ સવાલમાં ફરિયાદ નહીં, અમારામાં મૂકેલો વિશ્વાસ છે કે થશે તો અત્યારે જ થશે.

2014માં વૈશ્વિક સ્તરે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં આપણે ખૂબ પાછળ હતા. દુનિયાનો કોઈ પણ દેશ આટલા ઓછા સમયમાં 42 સ્થાનનો જંપ લગાવીને 100 પર પહોંચ્યો નથી.

કોઈ એ ન વિચારે કે અહીં અમે રોકાઈ જઈશું, અમે વધુ ઉપર જવા માગીએ છીએ.

એ માટે જ્યાં નીતિગત, રણનૈતિક, અને બીજા પ્રકારના પરિવર્તન કરવા પડશે, તો એ પગલાં ઉઠાવીશું. ભારતને જેટલું બની શકે, તેટલું જલદી ગ્લોબલ બેંચમાર્કની બરાબરીમાં લાવવું છે.

ઇમેજ સ્રોત, TWITTER @MEAINDIA

આજે દુનિયા કહી રહી છે કે 21મી સદી એશિયાની સદી છે. એવું તો નથી કે તે ક્યાંકથી ટપકી જશે અને આપણા હાથમાં આવી જશે.

તેના માટે પરિશ્રમ કરવો પડશે. તાત્કાલિક લાભ થાય કે નહીં, લાંબાગાળાના ફાયદા માટે આ પગલાં ઉઠાવવા પડશે.

જો નોટબંધી કરી છે તો દેશનો ગરીબ તેને સાચી દિશામાં લેવાયેલું મજબૂત પગલું માને છે, પરંતુ જેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ, તે બે વર્ષ બાદ હજુ પણ રડી રહ્યા છે.

સાત વર્ષથી જીએસટી કાયદો બનશે કે નહીં બને, એ જ ચાલી રહ્યું હતું. પરંતુ હવે કાયદો બની ગયો.

70 વર્ષ જૂની વ્યવસ્થા બદલાય છે તો તેમાં મુશ્કેલી તો આવે છે. પરંતુ એ શ્રેય આપનારી કવાયત છે. મહાત્મા ગાંધીએ જે રસ્તો બતાવ્યો છે, આ એ રસ્તો છે. દેશ બદલાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો