કરોડપતિ બની રહ્યા છે લવ સ્ટોરીના લેખક

પુસ્તકો

પુસ્તકો મનુષ્યના સૌથી સારા મિત્રો હોય છે એ કહેવત તો તમે સાંભળી હશે અને સારા મિત્રની જરૂર દરેક વ્યક્તિને હોય છે.

પહેલાના સમયમાં લોકો પોતાના જીવનના અનુભવો, સમાજને જોવાનો દૃષ્ટિકોણ અને પોતાના વિચારોને પુસ્તકના રૂપમાં સૌની સામે લાવતા હતા. પરંતુ આજે આ એક મોટો વેપાર છે.

હવે પુસ્તકોની દુનિયામાં એકબીજાથી આગળ નીકળી જવાની હોડ લાગી છે. એક સારું પુસ્તક લખવું એ મજાકની વાત નથી.

લેખકે પોતાનો કિંમતી સમય આપવો પડે છે. ત્યારે એક સારા મિત્રના રૂપમાં કોઈ પુસ્તક તેના ચાહક પાસે પહોંચે છે.

લેખક પણ આશા રાખે છે કે લોકો ન માત્ર તેમના કામની પ્રશંસા કરે પણ કામનું યોગ્ય મહેનતાણું પણ મળે.

તમને આ પણ વાંચવું ગમશે

આજે આપણે ડિજિટલ વર્લ્ડમાં જીવી રહ્યા છીએ. સમગ્ર દુનિયા તમારા ફોન / મોબાઇલ, કમ્પ્યૂટર અને લેપટોપમાં સમેટાઈ ગઈ છે.

આજે આપણે સૌથી વધારે ક્યાંક સમય વિતાવીએ છીએ તો તે છે મોબાઇલ પર. લોકોની આ જ કમજોરીને લેખકો સમજી ગયા છે.

જો તેમને કોઈ પ્રકાશક મળતા નથી તો તેઓ ઑનલાઇન જ પોતાનું પુસ્તક રિલીઝ કરી દે છે. અહીં તેમના કામની કદર કરનારા લોકો પણ મળી જાય છે.


ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

Image copyright Getty Images

ઑનલાઇન તમને દરેક પ્રકારનાં પુસ્તક મળી જશે. પરંતુ હાલ જોવા મળ્યું છે કે રોમાન્સ પર આધારિત પુસ્તકો લોકોને વધુ આકર્ષિત કરી રહ્યા છે.

અંગ્રેજી ભાષામાં લખાયેલી રોમૅન્ટિક નવલકથા 'ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે' પુસ્તકને દુનિયાભરમાં લોકોએ ખૂબ પસંદ કર્યું છે.

માત્ર આ એક પુસ્તકે તેનાં લેખિકાને કરોડપતિ બનાવી દીધા છે.

આ નવલકથા લેખિકા ઈ.એલ.જેમ્સે લખી હતી. તેમનું કહેવું છે કે ઈ-બુક્સના ચલણથી રોમાન્સ પર પુસ્તક લખનારાઓને વધારે કમાણી કરવાનું ઉત્તમ માધ્યમ આપ્યું છે.

એક સંશોધન જણાવે છે કે રોમૅન્ટિક પુસ્તકો લખનારા લેખકોની સરખામણીએ અન્ય વિષયો પર પુસ્તક લખનારા લેખકોની કમાણીમાં ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે.

એક સંશોધન તો એ પણ જણાવે છે કે રોમાન્સ પર લખનારા લેખકોની કમાણી માટે આ એકમાત્ર માધ્યમ નથી.

તેઓ મોટાભાગે કમાણી કરવા માટે અન્ય વિકલ્પો પર પણ કામ કરે છે.

જ્યારે ગંભીર વિષયો પર લખનારા લેખકોનું કામ વધારે સમયની માગ કરે છે.

તેના માટે તેમની પાસે કમાણીના બીજા કોઈ માધ્યમ પર કામ કરવાની તક હોતી નથી. એ જ કારણ છે કે તેમની કમાણીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Image copyright Alamy

રોમાન્સ પર લખતા લેખક સામાન્યપણે ફ્રિલાન્સ કામ કરે છે. અમેરિકામાં આજે લગભગ એક તૃતિયાંશ લોકો એવા છે કે જેઓ ફ્રિલાન્સ કામ કરીને કમાણી કરી રહ્યા છે.

2016માં જ આશરે 57.3 મિલિયન લોકો ફ્રિલાન્સ કામ કરી રહ્યા હતા. સમયની સાથે તેમાં વધારો થતો ગયો.

અર્થશાસ્ત્રી લૉરેન્સ કાત્જ અને એલન ક્રુગરના આધારે 2005થી 2015 દરમિયાન અમેરિકામાં જેટલી નોકરીઓ વધી છે, તેમાં મોટી સંખ્યામાં નોકરીઓ ફ્રિલાન્સ કામ કરવા વાળાઓ માટે છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ આ વાતની સહમતી વ્યક્ત કરતા નથી. તેમનું કહેવું છે કે ફ્રિલાન્સ કામ કરવું તે કમાણીનું સ્થાયી - કાયમી માધ્યમ નથી.

એ વાત સાચી છે કે ફ્રિલાન્સ કામ કરતા લોકો પોતાની મરજી પ્રમાણે કામ કરે છે. પરંતુ તેમાં સારી કમાણીની ગેરન્ટી નથી.


રોમાન્સ લેખકોની સફળતાનું કારણ

Image copyright Alamy

કેટલાક વિશેષજ્ઞોનો મત તો એવો પણ છે કે ગંભીર મુદ્દા પર લખતા લેખકોની કમાણીમાં ઘટાડો નથી થયો.

રોમાન્સ પર લખતા બધા લેખક સારી કમાણી કરી રહ્યા છે, તેવું પણ નથી. 2014માં રોમાન્સ પર લખનારા લેખકોની કમાણી વાર્ષિક દસ હજાર ડોલર કરતા પણ ઓછી હતી.

જ્યારે 2008માં માત્ર છ ટકા લેખકો જ એક લાખ ડોલર સુધીની કમાણી કરી રહ્યા હતા, કે જે 2014ની સરખામણીએ 15 ટકા વધુ હતી.

મોટાભાગે કહી શકાય છે કે આ લેખકોની કમાણી એ માટે વધી રહી છે કેમ કે ઑનલાઇન તેમના પુસ્તકો વધારે વેચાઈ રહ્યા છે.

પરંતુ તેમની સફળતા પાછળ કારણ શું છે?

1970માં અમેરિકામાં રોમાન્સ પર લખતા નવા લેખકોને જ્યારે મોટા લેખકોએ નકારી દીધા હતા, ત્યારે તે બધાએ મળીને એક સંસ્થા બનાવી હતી.

તે સંસ્થાનું નામ હતુ, 'રોમાન્સ રાઇટર્સ ઑફ અમેરિકા'.

આજે લગભગ દસ હજાર લેખકો તેના સભ્ય છે. 1980માં જ્યારે આ સંસ્થાએ કામ કરવાનું શરૂ કર્યું તો નવા લેખકોને તેમણે સ્થાન આપ્યું.

Image copyright Getty Images

આ જ રીતે બીજી સંસ્થાઓ પણ શરૂ થઈ. જેમ કે 'ઑથર્સ સ્ટ્રીટ', 'મિસ્ટ્રી રાઇટર્સ ઑફ અમેરિકા' અને 'સાયન્સ ફિક્શન એન્ડ ફેન્ટસી રાઇટર ઑફ અમેરિકા'.

પરંતુ આ સંસ્થાના સભ્ય બનવાની કેટલીક શરતો હતી. આ સંસ્થાઓ એ જ લેખકોને સભ્યપદ આપતી હતી જેમના પુસ્તકને કોઈ અગ્રણી પ્રકાશકે પ્રકાશિત કર્યું હોય અથવા તેઓ કોઈ પુસ્તકની રૉયલ્ટીના હક ધરાવતા હોય.

આમ તો મોટાપાયે ગંભીર વિષય પર લખતા લેખક જ આ સંસ્થાઓના સભ્ય હોય છે. રોમાન્સ પર લખતા લેખકો માટે જગ્યા હતી જ નહીં.

'રોમાન્સ રાઇટર્સ ઑફ અમેરિકા' નવા લેખકોને ન માત્ર મંચ આપે છે પરંતુ કળાના નિખાર માટે માટે ઘણાં પ્રકારના વર્કશોપનું આયોજન પણ કરે છે.

અનુભવી લેખક તેમનો સાથ આપે છે. સાથે જ આ લેખકોને ઑનલાઇન પોતાનું કામ પ્રકાશિત કરવા તક આપે છે. કેટલાક લેખકોએ તો ઑનલાઇન સેલ્ફ પબ્લિશિંગ એડવાઇઝરી ગ્રૂપ બનાવી લીધું છે અને તેઓ નવા લેખકોને સલાહ આપે છે.

એવું નથી કે આ અનુભવી લેખક નવા લેખકોને માત્ર સલાહ આપે છે. પરંતુ તેમના વિચાર જાણીને તેના પર અમલ પણ કરે છે. આ રીતે બન્ને પોતાના કામમાં નિખાર લાવે છે.

ફ્રિલાન્સ કામ કરતા લેખક આ અનુભવી લેખકો પાસેથી ફાયદો મેળવીને પોતાની કમાણીમાં વધારો કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો