દર સોમવારે નોકરિયાત લોકો પરેશાન શા માટે થઈ જાય છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Thinkstock

"થેંક ગૉડ ઇટ્સ ફ્રાઇડે". આ વાક્ય તો તમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું હશે.

શુક્રવાર સામાન્યપણે અઠવાડિયાનો છેલ્લો વર્કિંગ ડે હોય છે. એ પછી લોકોને વીક-એન્ડની રજાઓ મળે છે.

તેઓ ઑફિસના તણાવથી દૂર, પરિવાર કે મિત્રો સાથે શનિ-રવિવારનો સમય વિતાવે છે. મોજ મસ્તી કરે છે.

એ જ કારણ છે કે અઠવાડિયાના છેલ્લા બે દિવસની લોકો કાગડોળે રાહ જુએ છે.

શુક્રવારે તેમને સારું લાગે છે. લોકોમાં વીક-એન્ડની રજાની રાહતનો ઉત્સાહ હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

અલબત, શુક્રવારે લોકોને જેટલી ખુશી હોય છે, તેટલું જ દુઃખ સોમવારે હોય છે. સોમવારનો દિવસને લોકોને ગમતો નથી.

સોમવારના દિવસે લોકોનાં મોઢે સાંભળવા મળે છેઃ

"લ્યો, ફરી સોમવાર આવી ગયો...કાશ! સોમવારનો દિવસ જ ન હોત"

આ વાક્યોને સાંભળીને એવું લાગે છે કે સોમવારનો દિવસ અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ હોય છે.

સાત દિવસમાં આ જ એક દિવસ હોય છે જેને લોકો સૌથી વધારે નફરત કરે છે.


વાસ્તવિકતા શું છે?

Image copyright Alamy

શું લોકો ખરેખર સોમવારને નફરત કરે છે?

દુનિયાભરના તમામ સંશોધન જણાવે છે કે લોકો સોમવારના દિવસને નાપસંદ કરે છે.

બે દિવસના આરામ બાદ સોમવારે તેમણે કામ પર પરત ફરવાનું હોય છે.

તેથી ગમે તેને પૂછો, બધા લોકો સોમવારનું અસ્તિત્વ જીવનમાંથી નાબૂદ કરી દેવા ઈચ્છતા હોય છે.

જ્યારે મનોવૈજ્ઞાનિકોને આ બાબતને વાસ્તવિક માનતા નથી. સોમવાર આવતા પહેલા અને એ વીતી ગયા બાદ ખરેખર લોકો અલગ અલગ મત ધરાવતા હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ સોમવાર પહેલાં કેટલાક લોકોને સવાલ કર્યા હતા.

તેના જવાબમાં મોટાભાગના લોકોએ સોમવારનો દિવસ બહુ ખરાબ સાબિત થવાની આશંકા વ્યક્ત કરી હતી.

કોઈને ઑફિસમાં જઈને કામનો બોજ માથા પર પડવાની ચિંતા હતી તો કોઈએ બિઝનેસ માટે જવાનું હતું, તો કોઈની સામે પડકાર હતા.

તેથી શનિવાર અને રવિવારના દિવસે, લોકો આગામી સોમવાર બાબતે વધારે નેગેટિવ અને નિરાશ જોવા મળ્યા. તેમણે સોમવાર ખરાબ નીવડવાની આશંકા હતી.

એ જ લોકો સાથે સોમવાર વીતી ગયા બાદ વાત કરવામાં આવી ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો એ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

લોકોએ કહ્યું કે સોમવાર તેમણે ધાર્યું હતું એટલો ખરાબ ન હતો. દિવસ સારી રીતે વિત્યો હતો.

ઘણી વખત તો સોમવારે જ લોકોનો મૂડ પહેલા કરતા વધુ સારો જોવા મળ્યો હતો.


સમય વીતી જવા સાથે બદલાય છે મૂડ

Image copyright iStock

મનોવૈજ્ઞાનિક કહે છે, કોઈ દિવસ ખરાબ વિત્યો એવું લાગતું હોય ત્યારે કેટલાક દિવસ બાદ કદાચ એવું લાગી શકે છે કે તે દિવસ ખરેખર એટલો ખરાબ પણ ન હતો.

જીવનનાં તમામ અનુભવોનો અહેસાસ અલગ-અલગ સમય પર જુદો-જુદો હોય છે.

એ સમય વીતી જાય છે ત્યારે એ સમય વિશેના આપણા વિચાર બદલી જાય છે.

આવું માત્ર સોમવાર બાબતે જ નહીં, પણ વીક-એન્ડ બાબતે પણ થાય છે.

ઘણાં લોકો વીક-એન્ડ વીતી ગયા બાદ કહે છે, ઠીકઠાક રહ્યું, કંઈ ખાસ નહીં.

શુક્રવારે વીક-એન્ડની આશા બાંધતા સમયે દેખાતો હોય છે એવો ઉત્સાહ વીક-એન્ડ વીતી ગયા બાદ જોવા મળતો નથી.

મનોવૈજ્ઞાનિક કહે છે આપણે જીવેલી ક્ષણને ભવિષ્યમાં યાદ કરીએ છીએ ત્યારે યોગ્ય રીતે મૂલવતાં નથી. આપણે એ ક્ષણે અનુભવ્યું હતું એ સંભારતાં નથી.

વીક-એન્ડ સમયનો ઉત્સાહ એ વીતી ગયા બાદ ઠંડો પડી જાય છે.

તેથી સાહેબ, મૂળ વાત એ છે કે તમે વિચારો છો એટલો સોમવાર ખરાબ નથી. તમે સોમવારને ખરેખર એટલી નફરત કરતા નથી, જેટલું વિચારો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો