20 દિવસ સુધી 'પૉટી' ન કરો તો શું થાય?

પ્રતીકાત્મક તસવીર

વીસ દિવસ સુધી શૌચક્રિયા કર્યા વિના રહેવું કોઈ વ્યક્તિ માટે શક્ય છે? કદાચ તેનો જવાબ ના હોઈ શકે.

પરંતુ જો કોઈ વ્યક્તિ વધારે દિવસો સુધી મળ ત્યાગ ના કરે તો તેના શરીર પર કેવી અસરો થાય છે તે અંગે તમે જાણો છો?

શું સમયસર મળ ત્યાગ ના થાય તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે?

આ સવાલ અત્યારે થવાનું કારણ પણ અજીબ છે. યૂ.કે.ના હાર્લીમાં રહેતા એક વ્યક્તિએ જાણે ટૉઇલેટ ન જવાના સોગંધ લઈ લીધા છે. તે છેલ્લા વીસ દિવસથી ટૉઇલેટ ગયા જ નથી.

ટોઇલેટ ન જવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. પોલીસના કહેવા પ્રમાણે આ વ્યક્તિએ પોતાના શરીરમાં ડ્રગ્સ એટલે કે નશીલા પદાર્થો છૂપાવ્યા છે.

પોલીસ પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિ મળ ત્યાગ કરે જોકે, વીસ દિવસ થયા છતાં પોલીસને સફળતા મળી નથી.

તેવામાં હવે સવાલ એ છે કે શૌચ ન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર શું અસર પડે?

આંતરડાં ફૂલીને ફાટી શકે છે!

જો એ વાત સાચી હોય કે જે વ્યક્તિએ પોતાના શરીરમાં નશીલા પદાર્થ સંતાડ્યા છે તો તેના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

પરંતુ જો તેણે શરીરમાં ડ્રગ્સ સંતાડ્યું નથી તો તેના સ્વાસ્થ્ય પર વધારે ખરાબ અસર નહીં થાય.

યૂકેમાં સોસાયટી ઑફ પ્રાઇમરી કેરમાં પાચકતંત્રના જાણકાર ટ્રિશ મૈકનેયર કહે છે, "આટલા ઓછા સમયમાં તમારા શરીરની અંદર એટલા ઘાતક પદાર્થ જમા થઈ શકતા નથી કે જે તમારા માટે ખતરારૂપ સાબિત થઈ શકે."

મૈકનેયરના જણાવ્યા અનુસાર તેના કારણે આંતરડાં ફૂલી શકે છે અને ફાટી પણ શકે છે.

પરંતુ કોઈ સ્વસ્થ યુવાન વ્યક્તિમાં આમ થતાં પહેલાં પેટ સાફ હશે એટલે કે વ્યક્તિને ટૉઇલેટ જવાની જરૂરનો અનુભવ થશે.

તેઓ કહે છે, "આ કારણે તમારા પેટનાં આંતરડાંમાં દુખાવો થશે અને તમને તાણ અનુભવાશે."

મળમાં એક તૃતિયાંશ ભાગ જ હોય છે ફૂડ વેસ્ટ

પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં રાખ્યા છે.

પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિ હાલ કંઈ ખાઈ રહ્યા નથી અને તે કારણે જ હજી તેને શૌચક્રિયાની જરૂર પડી નથી.

જોકે, વાત એ છે કે આવું કરવાથી આ વ્યક્તિને ખાસ કંઈ લાભ થવાની સંભાવના નથી.

મૈકનેયર કહે છે, "તમે જમો કે ન જમો, પેટમાં આંતરડાં સતત પોતાનું કામ કરે છે અને એ જ કારણ છે કે તમારા મળમાં એક તૃતિયાંશ ભાગ જ ફૂડ વેસ્ટ હોય છે."

મૈકનેયરને આશ્ચર્ય છે કે આ વ્યક્તિ મળ ત્યાગ કર્યા વગર આટલા દિવસ કેવી રીતે રહી શક્યા.

તેઓ કહે છે, "આ બસ સમયની વાત છે, તેમણે ચોક્કસ શૌચ માટે જવું જ પડશે. પોતાની ઇચ્છા પર કાબૂ રાખીને પોતાના પેટ પર દબાણ બનાવવું પુરતું નથી. તમે તેના પર કાબૂ રાખી શકતા નથી."

હાલ તો જ્યાં સુધી આ શંકાસ્પદ વ્યક્તિ મળ ત્યાગ ન કરે ત્યાં સુધી પોલીસે તેમને ઑબ્ઝર્વેશનમાં રાખ્યા છે અને નિયમિત રૂપે તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો