સાવધાન...શું આપ જાણો છો કે કિસ લો છો કે બેક્ટિરિયા?

સાંકેતીક તસ્વીર Image copyright Getty Images

પ્રિયા કે પ્રિયતમને ચુંબન કરતી વખતે તેમના નાક સાથે તમારું નાક ટકરાય છે કે નહીં? એક હિન્દી ફિલ્મમાં પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ જેમણે ચુંબનસુખ માણ્યું છે, તેઓ જરૂર જાણતા હશે.

જોકે, મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે ચુંબન થોડો લાંબો સમય ચાલે તો ઢગલાબંધ બેક્ટિરિયા શરણાર્થી બનીને સામેની વ્યક્તિના મોંમાં ચાલ્યા જાય છે.

દસ સેકન્ડના એક ચુંબન દરમ્યાન આઠ કરોડ બેક્ટિરિયા ચુંબનકર્તા બન્ને લોકોના મોંમાં ટ્રાન્સફર થતા હોય છે.

આ ઘટસ્ફોટ કોઈ આશિકે નહીં, નેધરલૅન્ડ્ઝના વિજ્ઞાનીઓના એક ટુકડીએ કર્યો છે.

આ વિજ્ઞાનીઓએ 21 કપલનાં ચુંબનો પર ચાંપતી નજર રાખી હતી.

એ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે દંપતી દિવસમાં નવ વખત એકમેકની કિસ લેતું હોય તેમની લાળ મારફત બેક્ટિરિયા એકમેકના મોંમાં ટ્રાન્સફર થવાની શક્યતા વધારે હોય છે.

અભ્યાસના તારણ અનુસાર, માણસના મોંમાં 700 પ્રકારનાં બેક્ટિરિયા કરોડોની સંખ્યામાં હોય છે, પણ એ પૈકીનાં કેટલાંક ઝડપથી ટ્રાન્સફર થતાં હોય છે.


ક્યારે કરવામાં આવ્યો હતો અભ્યાસ?

Image copyright Getty Images

ડય વિજ્ઞાનીઓએ કરેલા આ અભ્યાસની વિગતો સ્ટડી જર્નલ 'માઈક્રોબિઓમ'માં 2014માં પ્રકાશિત કરવામાં આવી હતી.

નેધરલૅન્ડ ઑર્ગેનાઇઝેશન ફૉર ઍપ્લાઇડ સાયન્ટિફિક રિસર્ચ(ટીએનઓ)ના વિજ્ઞાનીઓની એક ટુકડીએ કપલ્સને તેમની ચુંબનની આદત બાબતે સંખ્યાબંધ સવાલ કર્યા હતા.

કપલ્સને પૂછવામાં આવ્યું હતું કે તમે એકમેકને ગયા વર્ષ દરમ્યાન કેટલી વખત ચુંબન કર્યું હતું?

લોક્ડ લિપ્સવાળું એટલે પ્રગાઢ ચુંબન છેલ્લે ક્યારે કર્યું હતું?

વિજ્ઞાનીઓએ આ કપલ્સની જીભ અને લાળનાં સેમ્પલ્સ પહેલાં લીધાં હતાં અને ચુંબનની દસ સેકન્ડ બાદ ફરીથી સેમ્પલ્સ લીધાં હતાં.

એ પછી બે પૈકીના એક પાર્ટનરને પ્રોબાયોટિક પીણું પીવા માટે આપવામાં આવ્યું હતું.

એ પીણાંની મદદ વડે બેક્ટિરિયાની ઓળખ આસાનીથી કરવી શક્ય છે.

Image copyright INDRANIL MUKHERJEE/AFP/Getty Images

એ પછી કપલ્સે એકમેકને ચુંબન કર્યું ત્યારે એક પાર્ટનરના મોંમાંથી કેટલાં બેક્ટિરિયા બીજા પાર્ટનરના મોંમાં પહોંચ્યા એ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું.

દસ સેકન્ડમાં આઠેક કરોડ બેક્ટિરિયા ટ્રાન્સફર થતાં હોવાનું વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું.

વિજ્ઞાનીઓની ટુકડીના વડા રેમકો કોર્ટે કહ્યું હતું, "ફ્રેન્ચ કિસિંગને કારણે બેક્ટિરિયા એક વ્યક્તિના મોંમાંથી બીજી વ્યક્તિના મોંમાં ઝડપભેર તથા મોટા પ્રમાણમાં પહોંચી જતાં હોય છે."

બેક્ટિરિયાને કારણે સર્જાતી સમસ્યાઓના ઇલાજમાં આ પ્રકારના અભ્યાસથી મદદ મળશે તેવું માનવામાં આવે છે.

નેધરલૅન્ડના વિજ્ઞાનીઓએ એમસ્ટેર્ડમસ્થિત વિશ્વના સૌપ્રથમ બેક્ટિરિયા મ્યુઝિયમના સહયોગ વડે આ અભ્યાસ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો