વડનગર : આત્મહત્યા કરનાર દલિત અને મોદી એક જ સ્કૂલમાં ભણ્યા હતા

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી ગુજરાતી સંવાદદાતા
મૃતક યુવકની તસવીર

વડનગર સ્થિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનથી આશરે 500 મીટરના અંતરે રોહીતવાસમાં એક મકાન સાવ બિસ્માર હાલતમાં છે.

પોતાની સાથે થતા જાતિગત ભેદભાવને કારણે ચાલીસ વર્ષના નવયુવાન મહેશ ચૌહાણે આત્મહત્યા કરી લીધી છે.

તેમનો પરિવાર સાવ નિરાધાર થઈ ચુક્યો છે. મહેશભાઈના 80 વર્ષના માતા વારેઘડીએ તેમને શોધવા માટે નીકળી પડે છે.

બીબીસી સાથે વાત કરતી વખતે મૃતકના મોટાભાઈ પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જયારે મહેશના બાળકોને જૂએ છે તો તેમના આંસુ રોકાતા નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહેશ ચૌહાણ બન્ને વડનગરની બી. એન. હાઇસ્કૂલમાં ભણતા હતા.

વડનગર મોદીનું જન્મસ્થળ છે અને તેમણે અહીંયા પોતાનું બાળપણ વિતાવ્યું છે.

અહીં ભણ્યા હતા નરેન્દ્ર મોદી

મોદી બી. એન. હાઇસ્કૂલમાં 1963થી 1967 એમ ચાર વર્ષ ભણ્યા હતા. મહેશ ચૌહાણ આ સ્કૂલમાં નેવુંના દાયકાના અંતમાં અભ્યાસ કરતા હતા.

આ સ્કૂલમાંથી ભણેલા મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, બીજી તરફ મહેશે પોતાના જીવવનો અકાળે અંત લાવવો પડ્યો.

એટલા માટે કે તેમના કામના સ્થળે - સ્કૂલમાં ત્રણ સાથી શિક્ષકો તેમની જોડે જાતિગત ભેદભાવ રાખતા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

આવો આરોપ મુકીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેઓ શેખપુર (ખે.) પ્રાથમિક શાળામાં કામ કરતા હતા, જે વડનગરથી આશરે બાર કિલોમીટરના અંતરે છે.

ચૌહાણ વડનગરના રોહીતવાસના રહેવાસી હતા. અહીંયા આશરે પાંચ હજાર લોકો રહે છે. આશરે આશરે એંસી જેટલા યુવાનો સ્નાતક સુધી ભણેલા છે.

જોકે, હજી સુધી ખૂબ જ ઓછા લોકોને સરકારી નોકરી મળી છે.

સરકારી નોકરી મેળવવાનાં સપનું

મહેશે એમ.એ પાર્ટ વન સુધીનો અભ્યાસ કર્યો હતો અને એક સરકારી નોકરી મેળવવાનાં સપનાં સેવી રહ્યા હતા.

મહેશ જ્યારે છ માસના બાળક હતા, ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા.

તેમના માતા હતીબેને એમને કડીયાકામ કરીને તેમને ઉછેર્યા અને મહેશને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરાવ્યો.

બીબીસી સાથેની વાત દરમિયાન તેમના મોટાભાઈ રમેશ ચૌહાણ કહે છે કે, "મહેશ અમારી એકમાત્ર આશા હતો. અમે આત્મસમ્માન સાથે જીવવા માંગતા હતા."

મહેશનું સપનું હતું કે તેઓ પોતાની શૈક્ષણિક આવડત પ્રમાણે એક સરકારી નોકરી કરે.

જોકે, તેમને શેખપુર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના આયોજક તરીકે કામ કરીને જ સંતુષ્ટ થવું પડ્યું. તેઓ છેલ્લા વીસ વર્ષથી અહીં નોકરી કરી રહ્યાં હતા.

તેમની સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું કે, તેમની જ સ્કૂલના ત્રણ શિક્ષકો તેમને ખૂબ પરેશાન કરતા હતા.

આ ત્રણ શિક્ષકોમાં મોમીન હુસૈન અબ્બાસભાઇ, અમર અનાજી ઠાકોર અને વિનોદ પ્રજાપતિનો સમાવેશ થાય છે.

વિપરીત પરિણામોનો ડર હતો

જોકે, બીબીસી સાથેની વાત દરમિયાન તેમના પરિવારજનોએ ખૂલીને વાત કરી અને કહ્યું કે મહેશને બીક હતી કે જો તે આ શિક્ષકો વિરુદ્ધ ભેદભાવ અંગેની ફરિયાદ કરશે તો તેના વિપરીત પરિણામો તેને ભોગવવા પડશે.

તેમના પરિવારજનોએ કહ્યું કે મહેશ છેલ્લા દોઢ વર્ષથી ભેદભાવ ભર્યા વ્યવહારનો ભોગ બનતો હતો.

મહેશ અવારનવાર આના વિશે પોતાના સંબંધીઓ અને ખાસ કરીને તેમની ચૌદ વર્ષની દીકરી સાથે ચર્ચા કરતા હતા.

રમેશે બીબીસીને જણાવ્યું, "અમે તો એક વખત પોલીસ ફરિયાદ પણ કરવા ઇચ્છતા હતા, પરંતુ તેને બીક લાગી ગઇ હતી અને તેણે વિચાર બદલી દીધો હતો."

રમેશે વધુમાં કહ્યું કે, "તેમને વારેઘડીએ જાતિ ભેદભાવથી હેરાન કરવામાં આવતા હતા અને તે મને વારેઘડીએ કહેતો હતો કે તેને હવે કામ કરવું નથી, પરંતુ પરિવારના ભરણપોષણ માટે કરવું પડે છે."

મહેશે સ્યુસાઇડ નોટ તેમની દીકરીની સ્કૂલબેગમાં મુકી હતી. તેમની દીકરીને તેમના છેલ્લા શબ્દો હતા - ચાલ હું તને આજે સ્કૂલે મુકી જઉં, પછી કદાચ આવો દિવસ નહીં આવે.

મધ્યાહન ભોજન માટેની સામગ્રી ભોજન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે મળતી હતી.

સ્યુસાઇડ નોટમાં શું લખ્યું?

દાખલા તરીકે જો વીસ બાળકો જમે તો 20 બાળકોના ભોજન જેટલી જ સામગ્રી મળે. આ માટે એક રજિસ્ટર પણ બનાવવામાં આવ્યું હતું.

જોકે, મહેશે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, આ ત્રણ શિક્ષકો તેની પાસે ચા-નાસ્તો મંગાવતા હતા અને તેનું બિલ તેમના માથે નાંખી દેતા હતા.

જો તે આવું ન કરે તો ભોજન કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ શિક્ષકો ઘટાડો કરી દેતા હતા, જેના પરિણામે ભોજનની સામગ્રી ઘટી જતી હતી.

તેમણે લખ્યું છે કે આવું વારેઘડીએ થતું હોવાથી, તેમના પર વધારાનું દેવું પણ થઈ ગયું છે.

તેઓ લખે છે કે, "જો આ ઉંમરે હું કોઈ બીજી નોકરી લેવા જાઉં તો કોઈ નહીં આપે, માટે હું મારું જીવન ટૂંકાવી રહ્યો છું."

સરકારને સહાય માટે અરજ

મહેશ સાથેના ભેદભાવ વિશે વાત કરતા રમેશ જણાવે છે કે, "મેં તેને સલાહ આપી હતી કે તે પોતાના અધિકારીઓને આના વિષે લખે, પણ તેને બીક હતી કે આવું કરવાથી તેની નોકરી પર ખતરો આવી જશે.

"મહેશના પરિવારમાં એક પત્ની અને ત્રણ બાળકો છે. તેમના સગા-સંબંધીઓએ સરકારને અરજ કરી છે કે મહેશની જગ્યાએ હવે તેમના પત્ની ઇલાને નોકરી આપવામાં આવે."

બીબીસી સાથે વાત કરતા વડનગરના મામલતદાર બી. જે. શેઠ કહે છે કે, "અમે જાહેરનામું બહાર પાડી દીધું છે અને ટૂંક સમયમાં અમે ઇલાબહેનને નોકરી આપી શકીશું."

બીબીસીએ જ્યારે શેખપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એવા ગાયત્રી જાનીનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે, "મહેશ સાથે થતા વ્યવહાર વિશે તેમને કંઈ જ ખબર નથી કે મહેશે તેમને ક્યારેય તેમને આ વિષેની રજૂઆત પણ કરી ન હતી."

પોલીસ જો કે આ કેસની તપાસ કરી રહી છે. એસસી/એસટી સેલના ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હરેશ દુધાતે બીબીસી સાથે વાત કરતા કહ્યું:

"અમે આરોપીઓના ઘરે તપાસ કરી છે, પરંતુ તેઓ હજી સુધી ભાગતા ફરે છે. અમારી તપાસ ચાલુ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો