દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ જીતી ભારતે રચ્યો ઇતિહાસ, બન્યું નંબર વન!

ભારતીય ક્રિકેટ ટીમ Image copyright TWITTER/@ICC

ઑફ સ્ટમ્પ બહાર પડ્યા બાદ યજુવેન્દ્ર ચહલનો એ બૉલ એ રીતે અંદર આવ્યો કે નિચલા ક્રમનો દક્ષિણ આફ્રિકી બેટ્સમેન મૉર્ન મોર્કલ કંઈ સમજી શક્યો નહીં. બૉલ તેના પેડ સાથે અથડાયો અને ભારતે ઇતિહાસ રચી દીધો.

દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત ભારતીય ક્રિકેટ ટીમે સીરિઝ જીતી છે. આ સાથે જ ભારતીય ટીમ ICCના વન ડે રૅન્કિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને પહેલા નંબર પર પહોંચી ગઈ છે.

અત્યારે ટીમ ઇન્ડિયા ટેસ્ટ અને વનડે, બન્નેની રૅન્કિંગમાં પહેલા સ્થાને છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઉતાર-ચઢાવથી ભરપૂર સિરીઝની પાંચમી મેચમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 73 રનથી હરાવ્યું હતું.

ભારતે પહેલાં બૅટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાને જીત માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં યજમાન ટીમ માત્ર 201 રન પર ઑલ આઉટ થઈ ગઈ હતી.


જીતના નાયક

Image copyright Getty Images

ભારતે 4-1થી આ સીરિઝ પોતાને નામ કરી લીધી છે અને સીરિઝની અંતિમ તેમજ છઠ્ઠી મેચ 16 ફેબ્રુઆરીના રોજ રમાશે.

આ મેચમાં ભારતના ઘણા ખેલાડી નાયક સાબિત થયા છે. રોહિત શર્માએ ખરાબ ફૉર્મમાંથી પરત ફરીને સદી ફટકારી હતી.

તેમના કારણે જ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી. 115 રન બનાવનારા રોહિતને જ "મેન ઑફ ધ મેચ" ઘોષિત કરાયો હતો.


હવે ટી-20 સિરીઝનો વારો

Image copyright TWITTER/@ICC

મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કૅપ્ટન વિરાટ કોહલીએ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા હતા.

આ પહેલાં ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ હારી ચૂક્યું છે. વન ડે સીરિઝ બાદ 18 ફેબ્રુઆરીના રોજ બન્ને ટીમોની ત્રણ મેચની ટી-20 સીરિઝ શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો