અબુધાબીમાં ખરેખર હિંદુ મંદિર જ બનશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મંદિરનો પ્લાન દેખાડી રહેલા મંદિર સમિતિના સભ્યો Image copyright TWITTER/BBC
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મંદિરનો પ્લાન દેખાડી રહેલા મંદિર સમિતિના સભ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં એક મંદિરનો શિલાન્યાસ તાજેતરમાં કર્યો હતો. એ મંદિર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા(બીએપીએસ)નું છે. બીએપીએસમાં પાટીદારોનું વર્ચસ્વ રહ્યું છે. દિલ્હીનું અક્ષરધામ મંદિર પણ બીએપીએસનું જ છે. વિદેશમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંખ્યાબંધ મંદિરો છે.

નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો એટલે મીડિયાએ તેને પહેલું હિંદુ મંદિર ગણાવ્યું છે, પણ તેને હિંદુ મંદિર કહેવું યોગ્ય છે?

ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે, "હું માનું છું કે તેને હિંદુ મંદિર કહેવું યોગ્ય નથી.

"સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો હિંદુ જ છે, પણ સવાલ એ છે કે જેમને આપણે હિંદુ કહીએ છીએ તેમનાં પ્રતીક શું છે, તેમનો સંદેશ શું છે?

"સ્વામીનારાયણ પંથ ગુજરાતનો એક પ્રાદેશિક સંપ્રદાય છે. એ પોતાના સંપ્રદાયની આભા તથા ગૌરવ સાથે હંમેશા રહ્યો છે. એ આભામાં સંપ્રદાય પોતાનું કામ કરતો રહ્યો છે.

"તેને હિંદુ સાથે જોડવાનું પહેલી નજરે યોગ્ય લાગતું નથી, પણ ઊંડાણથી વિચારીએ તો સમજાય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં તેમના સંત જ સર્વોપરી હોય છે.

"સ્વામીનારાયણ સંપ્રદાયના આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસનું મુખ્ય કારણ એનઆરઆઈ ગુજરાતીઓ છે.

"સ્વામીનારાયણ સંપ્રદાયને રાજકારણ સાથે સીધો સંબંધ છે. થોડા મહિના પહેલાં પ્રમુખ સ્વામીનું નિધન થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ગુજરાત તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.

"દેશના દરેક રાજકીય પક્ષને આ સંપ્રદાય ગમે છે, કારણ કે તેમની પાસે બહુ બધા પૈસા છે.

"હિંદુ ધર્મના વૈવિધ્ય અને પરંપરાનું પ્રતિબિંબ અહીં કોઈ પણ સ્વરૂપમાં જોવા મળતું નથી. આ સંપ્રદાયને આપણે હિંદુ ધર્મ સાથે સીધો જોડી શકીએ નહીં."


કોનું પ્રતિનિધિત્વ કરે છે સ્વામીનારાયણ સંપ્રદાય?

Image copyright Getty Images
ફોટો લાઈન સ્વામીનારાયણ સંપ્રદાયની એક સભાનું દૃશ્ય

વિદેશમાં સ્વામીનારાયણ સંપ્રદાય તેનું પોતાનું પ્રતિનિધિત્વ કરે છે કે હિંદુ ધર્મનું?

ગૌરાંગ જાની કહે છે, "એ પ્રાદેશિક સંપ્રદાયની આભા સાથે જ છે, હિંદુ ધર્મના વૈવિધ્ય અને તેની પરંપરા સાથે નહીં.

"હિંદુસ્તાનમાં અત્યારે જે પ્રકારનું રાજકારણ ચાલે છે તેમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાથરવા માટે આવા સંપ્રદાયનો સહારો જ લેવામાં આવતો હોય છે.

"ગુજરાતમાં આવા અનેક સંપ્રદાય છે, પણ તેમની પાસે પૈસા નથી એટલે તેઓ કોઈ રાજકીય પક્ષની નજીક નથી.

"મને લાગે છે કે સ્વામીનારાયણ મંદિર એક ખાસ સંપ્રદાયનું મંદિર છે કે હિંદુ મંદિર એ વિશે ચર્ચા કરવાની જરૂર છે."

ગૌરાંગ જાની ઉમેરે છે, "સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ પાછલા કેટલાક દાયકામાં ખુદને ઇશ્વર બનાવી લીધા છે.

"ખુદને ઇશ્વર બનાવી લેવાની આ પ્રવૃત્તિ હિંદુ ધર્મની કઈ પરંપરા અનુસારની છે તેની ચર્ચા કરવાની જરૂર છે.

"સ્વામીનારાયણ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોય છે, પરંતુ તેમના વિચાર અને રીતરિવાજ હિંદુ પરંપરાથી અલગ છે.

"સ્વામીનારાયણ સંપ્રદાયના જે નિયમો છે તેમાં અનેક જ્ઞાતિઓને સામેલ કરી શકાય તેમ નથી.

"ભારતીય જનતા પક્ષને સ્વામીનારાયણ સંપ્રદાય સાથે ગાઢ સંબંધ છે અને અબુધાબીમાંનું મંદિરનો એ સ્વરૂપમાં પ્રચાર કરવો એ સંબંધનો જ એક હિસ્સો છે."

દિલ્હીમાંનાં અક્ષરધામ મંદિરના જનસંપર્ક અધિકારી જે.એમ. દવેના જણાવ્યા અનુસાર, "સ્વામીનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક હિસ્સો છે.

"આવું જ હોય તો સ્વામીનારાયણ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સહજાનંદ સ્વામીની મૂર્તિની સરખામણીએ નાની કેમ હોય છે?"

જે.એમ. દવે કહે છે, "અમારો અલગ સંપ્રદાય છે અને તેમાં અમારા ઇષ્ટદેવ સ્વામીનારાયણ છે. તેથી તેમની મૂર્તિ મધ્યમાં હોય છે.

"ઘણાં મંદિરોમાં દેવી-દેવતાઓનો નાના આકારની હોય છે, પણ જે દેવી કે દેવતાનું મંદિર હોય છે તેની મૂર્તિ મધ્યમાં અને મોટી હોય છે.

"દરેક સંપ્રદાયના પોતાના ઇષ્ટદેવતા હોય છે અને અમારા ઇષ્ટદેવતા સ્વામીનારાયણ છે."


વિદેશમાંનાં સ્વામીનારાયણ મંદિરો

Image copyright Getty Images
ફોટો લાઈન સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામીની પ્રતિમા

સ્વામીનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ગુજરાતમાં ભલે સૌથી વધારે હોય, પણ તેને ઉત્તર પ્રદેશ સાથે પણ સંબંધ છે.

ઉત્તર પ્રદેશના છપ્પૈયાના ઘનશ્યામ પાંડેએ સ્વામીનારાયણ સંપ્રદાયની દુનિયા એવી રચી કે ઈસવી સન 2000 સુધીમાં માત્ર અમેરિકામાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના 30 મંદિરોનું નિર્માણ થયું હતું.

અમેરિકા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા અને બ્રિટનમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક મંદિરો છે.

અમદાવાદના ચુસ્ત ગાંધીવાદી રાજકીય વિશ્લેષક પ્રકાશ શાહ કહે છે, "1992ની છઠ્ઠી ડિસેમ્બર પહેલાં પણ ગુજરાતનું અયોધ્યા કનેક્શન હતું અને એ માટે અમારે ઘનશ્યામ પાંડેનો આભાર માનવો જોઈએ.

"ઘનશ્યામ પાંડે દ્વારકા આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેઓ સહજાનંદ સ્વામી બન્યા અને સમય જતાં સ્વામીનારાયણ બની ગયા. તેમને શ્રીજી મહારાજ પણ કહેવામાં આવે છે."

અખાતના દેશોમાં એકેય મંદિર ન હોય એવું નથી. કતર, કુવૈત અને દુબઈમાં મંદિરો મોજુદ છે.

અલબત, એ મંદિરોનું નિર્માણ થયું, ત્યારે તેનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો.

એ મંદિરોના નિર્માણમાં સ્થાનિક હિંદુઓએ મોટું યોગદાન આપ્યું હતું.


અખાતી દેશોમાં સંખ્યાબંધ મંદિરો

Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ

અખાતી દેશોમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂકેલા તલમીઝ અહમદ કહે છે, "અખાતી દેશો પૈકીના કુવૈત, બહરીન, કતર, દુબઈ, શારજાહ અને ઓમાનમાં તો મંદિરો છે જ. માત્ર અબુધાબીમાં કોઈ મંદિર નથી.

"અબુધાબીમાં મંદિર ન હોવાનું કારણ ત્યાં ભારતીયોની ઓછી વસતી છે.

"માત્ર સાઉદી અરેબિયા એક એવો આરબ દેશ છે, જ્યાં કોઈ મંદિર નથી, કારણ કે ત્યાં બિન-મુસ્લિમો માટે પ્રાર્થનાનું સ્થળ જ નથી."

તલમીઝ અહમદ ઉમેરે છે, "આરબ દેશોમાં ઘણાં વર્ષોથી મંદિર બનતાં રહ્યાં છે. એ પ્રદેશમાં લગભગ હજારેક વર્ષથી ભારતીય સમુદાયના લોકો વસવાટ કરી રહ્યા છે.

"ઓમાનમાં મસ્કત પાસેથી પુરાતત્વવિદોને હડપ્પા સંસ્કૃતિના સમયના એવા પુરાવા મળ્યા છે, જે ભારતીયો તથા આરબો વચ્ચે જૂનો સંબંધ હોવાનું દર્શાવે છે.

"કુવૈતમાં પણ ઘણાં પુરાણા મંદિરો હતાં. 250 વર્ષ જૂની એક મૂર્તિ કુવૈતથી ઓમાન લાવવામાં આવી હતી.

તલમીઝ અહમદ કહે છે, "આરબ દેશોમાં ભારતીયોની વસતી 1970 પછી જ વધી છે. આરબ દેશોમાં આઝાદી પછી સંખ્યાબંધ મંદિરોનું નિર્માણ થયું છે.

"દુબઈ અને શારજાહમાં આઝાદી પછી જ મંદિરો બન્યાં છે. ત્યાં રહેતા ભારતીયો જ એ મંદિરોનું નિર્માણ કરાવે છે. તેમાં સરકારનો હાથ હોતો નથી.

"ઘણાં વર્ષો સુધી એ દેશોમાં ભારતીય દૂતાવાસ ન હતા. તેમ છતાં ત્યાં મંદિરોનું નિર્માણ થતું હતું.

"આરબ દેશોમાં હિંદુ ધર્મને બહુ આદરપાત્ર ગણવામાં આવે છે. ઇસ્લામના આગમનના અંદાજે 2,000 વર્ષ પહેલાંથી હિંદુઓ અને આરબો વચ્ચે સંબંધ હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ