અમેરિકા: શાળામાં ગોળીબાર કોણ છે 19 વર્ષિય શંકાસ્પદ?

ગોળીબાર બાદ બહાર જતા વિદ્યાર્થીઓ Image copyright Getty Images

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક શાળામાં ગોળીબારની ઘટના બની છે. ફ્લોરિડા રાજ્યની પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

પ્રાથમિક માહિતીમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિનું નામ નિકોલસ ક્રુઝ હોવાનું સામે આવ્યું છે. 19 વર્ષનો નિકોલસ આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જેને શાળામાંથી કાઢી મૂકાયો હતો.

સ્થાનિક અધિકારીઓએ સીબીએસ ન્યૂઝને જાણકારી આપી કે નિકોલસે શાળામાં ફાયર અલાર્મ વગાડ્યું હતું જેનાથી સ્કૂલમાં ભાગદોડ મચી ગઈ. ત્યારબાદ તેણે બંદૂકમાંથી ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી.

વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છૂપાઈ ગયા હતા અને પોલીસે બિલ્ડિંગને ઘેરી લીધી હતી.

ગોળીબાર શરૂ થયાના એક કલાકથી પણ વધારે સમય બાદ બ્રોવાર્ડ કાઉન્ટીએ શેરિફ કાર્યાલયને જાણકારી આપી, "ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે."

શેરિફ કાર્યાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 14 પીડિતો અંગે જાણકારી મળી છે.

જોકે, તેમની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી નથી.

આ પહેલાં સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલના સૂપરિનટેન્ડન્ટ રોબર્ટ રન્સીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું, "અહીં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે."

તેમણે કહ્યું, "શંકાસ્પદ શખ્સ લગભગ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અમને લાગે છે કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે."

એફબીઆઈનું કહેવું છે કે તે ઘટનાસ્થળ પર સ્થાનિક તંત્રની મદદ કરી રહી છે.

અમેરિકન ટીવી ચેનલોમાં પ્રસારિત થતા અહેવાલો પ્રમાણે શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના માતાપિતા મોટી સંખ્યામાં શાળાની બહાર જમા થઈ ગયાં છે.

Image copyright Getty Images

વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા લિન્ડસે વાલ્ટર્સે જણાવ્યું, "રાષ્ટ્રપતિને ફ્લોરિડાની શાળામાં થયેલા ગોળીબાર અંગે જાણકારી આપી દેવામાં આવી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. ગોળીબારમાં અસરગ્રસ્ત પરિવારો માટે અમારી પ્રાર્થના."

ફ્લોરિડાના ગવર્નર રિક સ્કૉટે જણાવ્યું કે તેમણે ગોળીબારને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટર પર પીડિત પરિવારોને સાંત્વના આપી છે.

વર્ષ 2013થી અત્યારસુધી અમેરિકાની શાળામાં ગોળીબારની ઘટનાઓના 291 મામલાઓ સામે આવ્યા છે. જો આ ગોળીબારની ઘટનાઓની સરેરાશ જોવામાં આવે તો લગભગ દર અઠવાડિયે એક ગોળીબારની એક ઘટના બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો