દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યું

જેકબ ઝુમા Image copyright Getty Images

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.

તેમણે બુધવારે સાંજે ટેલિવિઝન પર દેશને કરેલા સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી.

આ પહેલાં ઝુમાના પક્ષ એએનસીએ તેમને પદ છોડવા અથવા ગુરુવારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવા કહ્યું હતું.

75 વર્ષના ઝુમા પર પદ છોડવાનું દબાણ સતત વધી રહ્યું હતું. તેમને ઉપરાષ્ટ્રપતિ સિરિલ રામાપોસા માટે જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. રામાપોસાને એએનસીના નવા નેતાના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે.

વર્ષ 2009થી સત્તામાં રહેલા ઝુમા પર ભ્રષ્ટાચારના અનેક આરોપ છે.

રાજીનામાની જાહેરાત પહેલાં ઝુમાએ લાંબુ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે એએનસીએ તેમની સાથે વર્તન કર્યું તે તેમને યોગ્ય લાગ્યું નથી.

ઝુમાએ કહ્યું કે તેમને અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ ડર નથી.


ભાષણમાં શું કહ્યું?

Image copyright STR/AFP/GETTY IMAGES

તેમણે કહ્યું, "તેમણે દક્ષિણ આફ્રિકાના લોકોની પોતાની ક્ષમતા પ્રમાણે ભરપૂર સેવા કરી છે. હિંસા ના થાય અને એએનસીમાં ભાગલા ના પડે તે માટે તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે."

તેમણે કહ્યું, "મારા નામે કોઈનો જીવ ના જવો જોઈએ અને મારા નામ પર એએનસીમાં ક્યારેય ભાગલા ના પડવા જોઈએ. એટલે મે તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ પદ છોડવાનો નિર્ણય કર્યો છે."

ઝુમાએ કહ્યું, "હું મારા સંગઠનના નેતૃત્વના નિર્ણયથી અસહમત છું. હું એએનસીનો સભ્ય છું. પદ છોડ્યા બાદ પણ દક્ષિણ આફ્રિકાના લોકો અને એએનસીની સેવા કરતો રહીશ."

એએનસીની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઝુમાના રાજીનામાનાં કારણે દક્ષિણ આફ્રિકાના લોકોને નિશ્ચિતતા મળશે.

રંગભેદના સમયમાં ઝુમા એએનસીની મિલેટરી પાંખના સભ્ય બન્યા હતા. એ સમય પૂર્ણ થયા બાદ તેમણે લગભગ એક તૃતિયાંશ સયમ સુધી દેશની આગેવાની કરી.

તેમણે એવા સમયે પદ છોડ્યું છે જ્યારે તેઓ અનેક આરોપોથી ઘેરાયેલા છે અને દક્ષિણ આફ્રિકાની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે.


કઈ ઘટનાઓ ઝુમાને રાજીનામા તરફ દોરી ગઈ?

Image copyright EPA

મંગળવારે એએનસીની નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટિની મળેલી બેઠકમાં એ જાહેરાત કરવામાં આવી હતી કે ઝુમાને તેમના પદ પરથી હટાવવા અને તેમને રાજીનામું આપવા માટે બુધવાર સુધીનો સમય આપવો.

એએનસીના મુખ્ય દંડક જેક્સન થેમ્બુએ ત્યારબાદ અવિશ્વાસના પ્રસ્તાવની અને રામાપોસા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે તેવી જાહેરાત કરી હતી.

ઝુમાનાં રાજીનામા પહેલાં આખો દિવસ અનેક ઝડપી ઘટનાક્રમ બનતા રહ્યા.

તેની શરૂઆત જોહનિસબર્ગથી થઈ. અહીં પોલીસે ઝુમાના નજીકના સાથીઓના ઘરે દરોડા પાડ્યા અને ધરપકડ કરી. તેમાં ઝુમાની નજીક ગણાતા ભારતીય મૂળના ગુપ્તા પરિવારનો પણ સમાવેશ થાય છે.

ગુપ્તા પરિવાર પર આરોપ છે કે જેકબ ઝુમા સાથેની તેમની મિત્રતાનો તેમણે રાજકીય ગેરલાભ ઉઠાવ્યો છે.

જોકે, ઝુમા અને ગુપ્તા પરિવાર બંને આ આરોપોને નકારી રહ્યા છે.

ઝુમાએ તેમના લાંબા ભાષણમાં આ દરોડા અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે એટલું કહ્યું હતું કે તેમણે કશું ખોટું કર્યું નથી અને તેમને હટાવવાનું કોઈ કારણ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા