જેકબ ઝુમાના રાજીનામા માટે આ ભારતીય ગુપ્તા પરિવાર જવાબદાર?

ગુપ્તા બંધુઓનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Gallo Images

ઇમેજ કૅપ્શન,

જેકબ ઝુમાના દીકરા ડ્યુડુઝેન પણ ગુપ્તા બંધુઓની કંપનીમાં કામ કરતા હતા.

ભારતમાં જન્મેલા ગુપ્તા પરિવાર સાથે ભ્રષ્ટ સંબંધ ધરાવતા હોવાનો અને પ્રધાનોની નિમણૂકમાં પણ ગુપ્તા પરિવારને હસ્તક્ષેપની છૂટ આપવાનો આરોપ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેક ઝુમા પર કરવામાં આવ્યો છે.

જેકબ ઝુમા અને ગુપ્તા પરિવારે કંઈ ખોટું કર્યાનો ઈનકાર કર્યો હોવા છતાં ઝુમાનું રાજીનામું માગવાના મુખ્ય કારણોમાંનું એક તેમના પરનો આ આરોપ છે.

સવાલ એ છે કે આ ગુપ્તા પરિવાર કોણ છે અને જેકબ ઝુમા સાથે તેમને કેવો સંબંધ છે?

અજય, અતુલ અને રાજેશ ગુપ્તા ભાઈઓ છે. તેમની વય ચાળીસ વર્ષની આસપાસની છે.

ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી 1993માં તેઓ દક્ષિણ આફ્રિકા સ્થાયી થવા માટે આવ્યા હતા.

એ સમયે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લોકોના સત્તા પરના એકાધિકારનો અંત આવી રહ્યો હતો અને વિશ્વ માટે તેના દરવાજા ખુલવાના હતા.

ગુપ્તા પરિવારના પ્રવક્તા હરનાથ ઘોષે બીબીસીને ઈ-મેલ મારફતે જણાવ્યું હતું કે ગુપ્તા બંધુઓના પિતા શિવકુમારે આફ્રિકા નવી તકોની ભૂમિ બનવામાં હતું ત્યારે તેમના એક પુત્ર અતુલને દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા.

અતુલ ગુપ્તા દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે એ દેશ આફ્રિકા ખંડનું સૌથી મોટું અર્થતંત્ર હતો એવું કહેવાય છે.

અતુલ ગુપ્તાએ દક્ષિણ આફ્રિકામાં સહારા કમ્પ્યુટર્સના નામે પારિવારિક બિઝનેસ શરૂ કર્યો હતો.

સહારનપુરમાં તેમનો બિઝનેસનું કદ બહુ નાનું હતું, પણ તેમની પેરન્ટ કંપની સહારા ગ્રુપનું વાર્ષિક ટર્નઓવર હાલ આશરે 200 મિલ્યન રેન્ડ (22 મિલ્યન ડોલર)નું છે અને તેમાં દસેક હજાર કર્મચારીઓ કામ કરે છે.

ભારતમાંના સહારા ગ્રુપ સાથે તેમની કંપનીને કોઈ સંબંધ નથી.

કમ્પ્યુટર્સ ઉપરાંત તેઓ માઈનિંગ, એર ટ્રાવેલ, ઊર્જા, ટેક્નોલોજી અને મીડિયા બિઝનેસમાં પણ કાર્યરત છે.

અતુલના જણાવ્યા અનુસાર, દસેક વર્ષ પહેલાં સહારા ગ્રુપના એક વાર્ષિક કાર્યક્રમમાં જેકબ ઝુમા મહેમાન બન્યા ત્યારથી તેમની સાથે ગુપ્તા પરિવારનો સંબંધ બંધાયો હતો.

ઝુમા અને ગુપ્તા એટલે ઝુપ્તા

ઇમેજ સ્રોત, SOUTH AFRICAN GOVERNMENT

ઇમેજ કૅપ્શન,

જેકબ ઝુમા સાથે અતુલ ગુપ્તા

રાષ્ટ્રપતિનાં એક પત્ની બોન્ગી નેમા ઝુમા ગુપ્તા પરિવારની માલિકીની જેઆઈસી માઈનિંગ સર્વિસીસમાં કમ્યુનિકેશન ઓફિસર તરીકે કામ કરતાં હતાં.

પ્રીટોરિયામાં બોન્ગી ઝુમાએ 38 લાખ રેન્ડમાં ખરીદેલા વિશાળ આવાસના નાણાં ગુપ્તા પરિવારે ચૂકવ્યાં હતાં.

જોકે, ગુપ્તા પરિવારે આ સમાચારનો ઈન્કાર કર્યો હતો.

જેકબ ઝુમાનાં દીકરી ડ્યુડુઝિલે ઝુમા સહારા કમ્પ્યુટર્સના ડિરેક્ટર્સ પૈકીનાં એક છે.

જેકબ ઝુમાને આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાના છ મહિના પછી ડ્યુડુઝિલે સહારામાં જોડાયાં હતાં. ત્યાર બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.

જેકબ ઝુમાના દીકરાનું નામ ડ્યુડુઝેન છે. ડ્યુડુઝેન પણ ગુપ્તા પરિવારની માલિકીની કેટલીક કંપનીઓમાં ડિરેક્ટર હતા.

લોકોનું દબાણ વધતાં તેમણે 2016માં રાજીનામું આપી દીધું હતું.

ગુપ્તા પરિવાર કેટલો સમૃદ્ધ છે?

ઇમેજ સ્રોત, Gupta Family

ઇમેજ કૅપ્શન,

ગુપ્તા બંધુઓની ભાણેજ વેગાના લગ્નનો ફોટોગ્રાફ

આફ્રિકા ખંડના સમૃદ્ધ લોકોની યાદીમાં ગુપ્તા પરિવારનું નામ ક્યારેય જોવા મળ્યું નથી, પણ તેઓ અત્યંત સમૃદ્ધ છે તેમાં કોઈ શંકા નથી.

જોહાનિસબર્ગમાંના તવંગરોના સેક્સોવોલ્ડ ઉપનગરમાં આવેલા સહારા એસ્ટેટમાં ગુપ્તા પરિવાર રહે છે.

જડબેસલાક સલામતી ધરાવતા સહારા એસ્ટેટમાં કમસેકમ ચાર વિશાળ બંગલા છે. આ એસ્ટેટનું મૂલ્ય હાલ આશરે 52 મિલ્યન રેન્ડ (34 લાખ ડોલર) હોવાનું માનવામાં આવે છે.

સહારા એસ્ટેટમાં હેલિકોપ્ટર પેડ છે. ગુપ્તા પરિવારમાં પાંચ પર્સનલ શેફ (રસોઈ નિષ્ણાતો) છે અને ગુપ્તા પરિવારના સભ્યો હંમેશાં અંગરક્ષકો સાથે જ પ્રવાસ કરે છે.

બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરના દીકરી સર માર્ક થેચરના કેપ ટાઉનસ્થિત બંગલાની માલિકી પણ ગુપ્તા પરિવાર ધરાવે છે.

તેમણે સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો?

ગુપ્તા પરિવાર દક્ષિણ આફ્રિકામાં જોરદાર વગ ધરાવતો હોવાનો આરોપ છે. પોતાના બિઝનેસને આગળ ધપાવવા માટે ગુપ્તા પરિવાર 'સત્તા કબજે કરવાનો' પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ તેમના ટીકાકારો કરી રહ્યા છે.

નાયબ નાણાંપ્રધાન સેબીસી જોનાસે 2016ના માર્ચમાં જણાવ્યું હતું કે ગુપ્તા પરિવારની એક વ્યક્તિએ તેમને પ્રધાન તરીકે બઢતી આપવાની ઓફર 2015માં કરી હતી.

સેબીસી જોનાસના આ નિવેદન પછી ગુપ્તા પરિવાર સત્તા પર પકડ ધરાવતો હોવાની માન્યતા દ્રઢ બનવા લાગી હતી.

પોતે આવી કોઈ ઓફર કરી હોવાનો ગુપ્તા પરિવારે ઇનકાર કર્યો હતો.

જોકે, પ્રધાનોની પસંદગીમાં ગુપ્તા બંધુઓ મોટો ભાગ ભજવતા હોવાના આક્ષેપ થતા રહ્યા છે.

એ ઉપરાંત ગુપ્તા પરિવારના બિઝનેસનું હિત આગળ વધારવામાં નડતરરૂપ પ્રધાનો પાસેથી રાજીનામું લઈ લેવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ નાણાંપ્રધાન પ્રવીણ ગોરધનને ગુપ્તા બંધુઓના હિતમાં નડતરરૂપ બનવા બદલ પાણીચું આપવામાં આવ્યું હતું.

ગુપ્તા પરિવાર 490 મિલ્યન ડોલરના શંકાસ્પદ વ્યવહારોમાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ પ્રવીણ ગોરધને કર્યો હતો, જેને ગુપ્તા પરિવારે નકારી કાઢ્યો હતો.

ગુપ્તા પરિવારે તેમને ડિપ્લોમેટિક પાસપોર્ટ આપવામાં આવે એવી માગણી કરી હોવાનું જણાવતો એક અહેવાલ દક્ષિણ આફ્રિકાના સન્ડે ટાઇમ્સ અખબારમાં પ્રકાશિત થયો હતો.

સરકારના આંતરરાષ્ટ્રીય સંબંધ અને સહકાર વિભાગે આ અહેવાલને નકાર્યો ન હતો, પણ ગુપ્તા પરિવારે એ અહેવાલને તેમની બદનામીની ઝૂંબેશનો એક ભાગ ગણાવ્યો હતો.

સન સિટીમાં યોજાયેલાં ભવ્ય લગ્ન

ઇમેજ સ્રોત, AFP/Gupta Family

ઇમેજ કૅપ્શન,

નોર્થ-વેસ્ટ પ્રાંતના વિખ્યાત સન સિટી હોલિડે રિસોર્ટમાં વેગાનાં લગ્ન યોજવામાં આવ્યાં હતાં

પ્રીટોરિયા નજીકનો વોટરક્લોફ એર બેઝ એક લશ્કરી હવાઈ થાણું છે, જે સામાન્ય રીતે વિદેશના વડાઓ તથા રાજદ્વારી પ્રતિનિધિ મંડળોના વિમાનના ઊતરાણ માટે અનામત હોય છે.

2013માં મહેમાનોને લગ્ન માટે લઈ જતા ગુપ્તા પરિવારના એક વિમાને વોટરક્લોફ એર બેઝ પર ઊતરાણ કર્યું ત્યારે આ પરિવાર પહેલીવાર વિવાદમાં સપડાયો હતો.

આ સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ હોવા બાબતે શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ડેમોક્રેટિક અલાયન્સ વચ્ચે જોરદાર જીભાજોડી થઈ હતી.

પરિવારે કંઈ ખોટું નહીં કર્યું હોવાની દલીલ કરીને અતુલ ગુપ્તાએ આ બાબતે માફી માગી હતી.

તેમણે એવી દલીલ કરી હતી કે પરિવાર તેમની દીકરીના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છતો હતો.

ગુપ્તા બંધુઓનાં બહેન અચલાની દીકરી વેગાના દિલ્હીના બિઝનેસમેન આકાશ જહાજગાર્હિયા સાથેના લગ્ન વખતે આ વિવાદ સર્જાયો હતો.

200 મહેમાનો સાથેના લક્ઝરી વાહનોના કાફલાને નોર્થ-વેસ્ટ પ્રાંતના વિખ્યાત સન સિટી હોલિડે રિસોર્ટ સુધી પોલીસ એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું.

ગરીબ ખેડૂતો માટેની એક યોજનાનું જંગી ભંડોળ અતુલ ગુપ્તાના અંગત ખાતામાં જમા કરાવવામાં આવ્યું હતું અને આ ભવ્ય લગ્ન એ નાણાંમાથી પાર પાડવામાં આવ્યાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

ગુપ્તા પરિવાર શું કહે છે?

ગુપ્તા પરિવાર જાહેર નિવેદન ભાગ્યે જ કરે છે. જોકે, પોતાના વકીલ સાથેના એક ઇન્ટર્વ્યૂમાં અજય ગુપ્તાએ ગયા વર્ષે જણાવ્યું હતું કે તેઓ કોઈ કંપની કે કોઈ અસ્કામતમાં શેરહોલ્ડર નથી.

અજય ગુપ્તાએ કહ્યું હતું, "હું કંપનીઓમાં કોઇ પદ ધરાવતો નથી. મારી પાસે કદાચ એક કાર છે અને એક રૂમ છે, જે મારા પપ્પા વાપરતા હતા."

2016ના ઓગસ્ટમાં ગુપ્તા પરિવારે જણાવ્યું હતું કે તેઓ તેમના બિઝનેસ, દક્ષિણ આફ્રિકા અને તેમના સાથીઓના ભલા ખાતર દક્ષિણ આફ્રિકામાંનું તમામ શેરહોલ્ડિંગ વેચી નાખશે.

આમ કરવાથી પોતે લોકોની નજરમાંથી દૂર થઈ જશે એવું ગુપ્તા પરિવાર ધારતો હતો, પણ તેમની ધારણા ખોટી સાબિત થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો