શું નીરવ મોદી ન્યૂ યોર્કની આ હોટલમાં રોકાયા છે?

J W Marriot/NY

ઇમેજ સ્રોત, J W Marriot/NY

ઇમેજ કૅપ્શન,

મીડિયા રીપોર્ટ મુજબ ન્યૂયોર્કની આ આલિશાન હોટલમાં નીરવ મોદી તેમની પત્ની અમી મોદી સાથે રોકાયા છે.

સેલિબ્રિટિ જ્વેલર અને હીરાના મોટા વેપારી નીરવ મોદીનું નામ કરોડોની છેતરપીંડીના કૌભાંડમાં આવ્યા બાદ તે વિદેશ જતા રહ્યા છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરીયાદ બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બેંકનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંકના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે.

એક તરફ આ ચારેય સામે ભારતીય દંડ સહિતાની વિવિધ કલમ અનુસાર કેસ દાખલમાં આવ્યો છે તો બીજી તરફ નીરવ તેમની પત્ની અમી મોદી સાથે ન્યૂ યોર્કની એક હોટલમાં રજાઓ ગાળી રહ્યા છે.

નીરવ તેમની પત્ની સાથે ન્યૂ યોર્કમાં છે એવા મીડિયા રિપોર્ટસની પુષ્ટી કરવા બીબીસી સંવાદદાતા ઇશલિન કૌરે ન્યૂ યોર્કની જે ડબલ્યૂ મેરિયટ હોટલમાં ફોન કર્યો.

તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, J W Marriot/NW

ઇશલિનનો ફોન હોટલના રિસેપ્શન પર ગયો. જ્યાં તેમણે નીરવ મોદી અથવા અમી મોદી સાથે વાત કરાવવાની વિનંતી કરી.

રિસેપ્શન પર ઇશલિનને કહેવામાં આવ્યું કે તેમણે ખલેલ ના પહોચાડવા માટે વિનંતી કરી છે. એટલે ઇશલિનનો ફોન એમના રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો નહીં.

ઇશલિને કહ્યું, ''મેં હોટલના રિસેપ્શન પર પૂછ્યું કે હોટલમાં નીરવ અને અમી મોદી નામના જે ગેસ્ટ રોકાયા છે તેમની સાથે વાત કરવી છે.''

ઇમેજ સ્રોત, J W Marriot/NY

ઇશલિન કહે છે, મને હોલ્ડ પર મુકવામાં આવી. મને આશા હતી કે સામે નીરવ મોદીનો અવાજ સાંભળવા મળશે. પરંતુ રિસેપ્શનિસ્ટનો અવાજ આવ્યો અને તેમણે મને 'સોરી' કહીને જણાવ્યું કે અમારા મહેમાને અત્યારે કોઈની સાથે વાત કરવા ઇચ્છતા નથી.

તેમણે 'ડૂ નોટ ડિસ્ટર્બ'ની વિનંતી કરી હતી. જેના કારણે મારી તેમની સાથે વાત ના થઈ શકી.

જો કે આ વાતચીત પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નીરવ મોદી તેમના પત્ની સાથે ન્યૂ યોર્કની એ હોટલમાં રોકાયા છે.

જ્યારે બીબીસી સંવાદદાતા ઇશલિને નીરવ મોદીના સાથી મેહુલ ચોક્સી સાથે વાત કરવવાની વિનંતી કરી. ત્યારે હોટલ તરફથી આવા કોઈ પણ મહેમાન હોટલમાં ના હોવાનું જણાવ્યું હતું.

આ અગાઉ મીડિયા રિપોર્ટમાં સતત આ વિશે ચર્ચા થઈ રહી હતી કે નીરવ તેમના પરિવાર સાથે ન્યૂ યોર્કમાં એક હોટલમાં રોકાયા છે.

નીરવ મોદી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images

આ જ્વેલરી ડિઝાઈનર 2.3 અબજ ડોલરની કંપની ફાયરસ્ટાર ડાયમંડના સ્થાપક છે. તેમના ગ્રાહકોમાં દુનિયાની જાણીતી હસ્તીઓ સામેલ છે.

નીરવ મોદીનાં ડિઝાઇનર જ્વેલરી બૂટીક્સ લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપુર, બેઇજિંગ અને મકાઉમાં છે. ભારતમાં તેમના સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં છે.

2014માં નીરવ મોદીએ દિલ્હીની ડિફેન્સ કૉલોનીમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો હતો અને 2015માં મુંબઈના કાલા ઘોડા વિસ્તારમાં સ્ટોર ખોલ્યો હતો.

2015માં જ નીરવ મોદીની કંપનીએ ન્યૂયોર્ક શહેર અને હોંગકોંગમાં બૂટીક ખોલ્યાં હતાં. લંડનની બૉન્ડ સ્ટ્રીટ અને એમજીએમ મકાઉમાં પણ તેમના બૂટીક સ્ટોર્સ તાજેતરમાં ખૂલ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો