ટ્રમ્પનો આ ‘નિર્ણય’ ભારતીય મહિલાઓ પર ભારે પડશે?

ડૉનાલ્ડ ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિકામાં બીજા દેશોના એવા લોકોને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જેમના પતિ કે પત્ની અમેરિકામાં પ્રાયમરી વિઝા પર કામ કરી રહ્યા હોય.

પરંતુ ઓબામા વહીવટીતંત્રના 2015ના આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પાછો ખેંચી લેવા માંગે છે.

જો ટ્રમ્પ આ પગલું લેશે તો હજારો ભારતીય અને ચીની મહિલાઓને નોકરીથી હાથ ધોવા પડશે.


અતિ કુશળ કામદારો

Image copyright Getty Images

નેહા મહાજનનાં બાળકો માટે અમેરિકા એકમાત્ર ઘર છે. લગભગ એક દાયકા પહેલાં નેહા ભારતથી અમેરિકા ગયા હતાં.

તેમનાં પતિને હાઈલી સ્કિલ્ડ વર્કર તરીકે વિઝા મળ્યા હતા.

પત્ની હોવાના નાતે નેહાને બે વર્ષ પહેલાં જ અમેરિકામાં કામ કરવાનો અધિકાર મળ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પ આ અધિકાર પાછો લેવા માંગે છે.

નેહા મહાજન કહે છે, "મને લાગે છે કે હું ફરીથી સોનાના પાંજરામાં જઈ રહી છું."

"મારા ખ્યાલથી તેઓ મને એ બતાવવા માગે છે કે આ દુનિયામાં કુશળતા અને ક્ષમતાની કોઈ કિંમત જ નથી. મારે એક ગૃહિણી તરીકે જ રહેવું પડશે."


વિરોધ પ્રદર્શન

Image copyright Getty Images

થોડા દિવસો પહેલાં નેહા સહિત ઘણા ભારતીયોએ વૉશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસ્તાવિત નિર્ણયની સૌથી વધુ અસર ચીન અને ભારતની મહિલાઓને થશે.

કારણ કે આ બે દેશોમાંથી આવતા સ્થળાંતરિતોની સંખ્યા ઘણી વધારે છે. જેમાંના મોટાભાગના પુરુષો પ્રાયમરી વિઝાધારકો છે.

ન્યૂ યોર્કથી થોડે દૂર આવેલા ન્યૂ જર્સીમાં એક વિસ્તારને 'મિનિ-ઇન્ડિયા' કહે છે.

આ શહેરમાં છેલ્લા કેટલાક દાયકાઓથી તકનિકી કુશળતા ધરાવતા ભારતીયો રહે છે અને એ પણ અમેરિકન સપનાઓ સાથે.

તેમને નોકરી પર રાખનારી કંપનીઓને પણ ફાયદો થયો છે, કારણ કે ભારતીયો અમેરિકાન કારીગરો કરતા ઓછા પગારમાં કામ કરે છે.


ઓબામાએ આપી હતી મંજૂરી

Image copyright Getty Images

જ્યારે ઓબામા સરકારે પ્રાયમરી વિઝા પર કામ કરવા માટે તેમના પાર્ટનર્સને મંજૂરી આપી, ત્યારે પણ ઘણા જૂથોએ વિરોધ કર્યો.

તે નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ટ્રમ્પના વિચારોને ધ્યાનમાં લઈએ તો તે કેસનું કોઈ ખાસ મહત્ત્વ રહેશે નહીં.

સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝનાં ડિરેક્ટર માર્ગારેટ ટેલફોર્ડ કહે છે, "તેઓ અમેરિકન લોકોને નોકરીઓ આપવા માગે છે અને તેમના પગારમાં વધારો કરવા માગે છે."

"જો તમે અન્ય દેશોના કારીગરોને લાવી રહ્યા હોવ તો કંપનીઓને ફાયદો થશે પરંતુ અમેરિકામાં રહેલા કારીગરો માટે તે નુકસાન છે."

ભારત જેવા દેશોમાં સામાજિક દબાણના કારણે મહિલાઓને ઘણી વખત નોકરી છોડવાની ફરજ પડે છે.

પરંતુ અમેરિકા જેવા દેશો તેમને કામ કરતા અટકાવી દેશે એ માનવું મહિલાઓ માટે થોડું મુશ્કેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા