સીરિયામાં 2013 પછીનો સૌથી મોટો હુમલો

સીરિયામાં હુમલાની તસવીર Image copyright AFP

અહેવાલ અનુસાર સીરિયાની સરકાર દ્વારા વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં સતત બે દિવસથી થઈ રહેલા બૉમમારાથી 250 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજધાની દમાસ્કસની નજીક આવેલું પૂર્વ ગૂટા વિદ્રોહીના કબ્જાવાળું સૌથી મોટું શહેર છે.

રશિયાના સર્મથન વાળી સીરિયા સરકારની સેનાએ આ વિસ્તાર પરત મેળવવા માટે રવિવારની રાતથી હુમલાઓ તેજ કરી દીધા છે.

બ્રિટન સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સનું કહેવું છે કે હવાઈ અને જમીની હુમલામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યાં ગયાં છે.

તેમનું કહેવું છે કે 2013ના રાસાયણિક હુમલા બાદ 48 કલાકમાં સૌથી વધારે મૃત્યુ થયાં હોય તેવી આ પહેલી ઘટના છે. આ હુમલામાં 1200 લોકો ઘાયલ થયાં છે.

મંગળવારે પૂર્વ ગૂટાના મોટાભાગના વિસ્તાર પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.

Image copyright Getty Images

સંયુક્ત રાષ્ટ્રએ યુદ્ધ વિરામની અપીલ કરી છે જેથી માનવીય સહાયતા પહોંચાડી શકાય અને ઘાયલોને બહાર કાઢી શકાય.

સહાયતા સંગઠનોના કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે સીરિયાની રાજધાની દમાસ્કસ નજીક 2013 બાદ આ સૌથી મોટી હિંસક ઘટના છે. તેમનું કહેવું છે કે આમાં 50થી વધારે બાળકોનાં મૃત્યુ થયાં છે.

સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સોમવાર અને મંગળવારે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછી 6 હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા રીયાલ લેબલાંકે કહ્યું, "અમે નાગરિકો, હોસ્પિટલો અને શાળાઓ પર સતત થઈ રહેલી હિંસાની વિરુદ્ધ છીએ."

માનવીય કાયદાનું આ સૌથી મોટું ઉલ્લંઘન છે. અમે બધા પક્ષોને અપીલ કરીએ છીએ કે હિંસાની તીવ્રતાને ઓછી કરે.


સીરિયાની સેનાએ હિંસાનું ખંડન કર્યું નથી

Image copyright Getty Images

પૂર્વી ગૂટાથી આવી રહેલા અહેવાલોનું સીરિયાની સેનાએ ખંડન કર્યું નથી.

જોકે, સીરિયાની સેનાએ એવું કહ્યું છે કે જ્યાંથી તેમના પર હુમલા કરવામાં આવ્યા છે ત્યાં તેમણે જોરદાર વળતો પ્રહાર કર્યો છે.

અલેપ્પોના સાંસદ ફારિસ શહાબીએ બીબીસીને કહ્યું કે સીરિયાઈ સરકાર નાગરિકો પર નહીં પરંતુ ઉગ્રવાદીઓ પર હુમલા કરી રહી છે.

તેમણે કહ્યું, "અમે બધા આતંકી સમૂહોથી પૂર્વ ગૂટાને મુક્ત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એ લોકો મરી રહ્યાં છે જે લોકો આજે દમાસ્કસમાં રહે છે. એવું એટલા માટે કે પૂર્વ ગૂટામાંથી દમાસ્કસ પર મોર્ટારથી બૉમમારો કરવામાં આવ્યો છે."

"દમાસ્કસમાં મારી ઓફિસની નજીક ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. પૂર્વ ગૂટા તરફથી દમાસ્કસના રહેણાંક વિસ્તાર પર 10 મોર્ટાર છોડવામાં આવ્યા હતા. પૂર્વ ગૂટામાં રહેતા નાગરિકોને અમે નિશાન નથી બનાવી રહ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ