રેડિયો પ્રેઝન્ટરે લાઇવ શોમાં બાળકને જન્મ આપ્યો!

પ્રોક્ટર તેના બાળક સાથે

ઇમેજ સ્રોત, IMAGE COPYRIGHT@RADIOCASSIDAY/INSTAGRAM

અમેરિકાની એક રેડિયો પ્રેઝેન્ટર કેસેડે પ્રૉક્ટરે લાઇવ શોમાં તેમના બાળકને જન્મ આપ્યો હતો.

અમેરિકાના સેંટ લુઇસના 'દ આર્ક' સ્ટેશનના પ્રેઝેન્ટરના આ શો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સોમવારે પ્રૉક્ટરને પ્રસવની પીડા શરૂ થઈ તો રેડિયો સ્ટેશને હોસ્પિટલની અંદર જ પ્રસારણની વ્યવસ્થા કરી દીધી.

બીબીસી સાથે વાત કરતા પ્રૉક્ટરે કહ્યું કે તેમના માટે આ એક અદભૂત અનુભવ હતો. બાળકની ડિલવરી નક્કી કરેલી તારીખ પહેલાં જ થઈ ગઈ જેથી અચાનક જ શોની તૈયારી કરવી પડી હતી.

પ્રૉક્ટરે કહ્યું, "મારા જીવનની આ કિંમતી ક્ષણોને શ્રોતાઓ સાથે શેર કરવી મારા માટે શાનદાર અનુભવ હતો."

તેમણે કહ્યું કે બાળકને લાઇવ શોમાં જન્મ આપવો મારા કામનો જ વિસ્તાર હતો, જે કામ હું દરરોજ કરું છું. હું મારી જિંદગીની દરેક બાબતોને મારા શ્રોતાઓ સાથે શેર કરું છું.

પ્રૉક્ટરના બાળકનું નામ જેમસન રાખવામાં આવ્યું છે. આ નામ પણ શ્રોતાઓના અભિપ્રાય લીધા બાદ રાખવામાં આવ્યું છે.

બાળકના જન્મ પહેલાં જ રેડિયો પર નામને લઈને વૉટિંગ શરૂ થઈ ગઈ હતી.

પ્રોગ્રામના ડાયરેક્ટર સ્કૉટ રોડીએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું, "દંપતિ દ્વારા નક્કી કરાયેલાં 12 નામો પર અમે વૉટિંગ શરૂ કર્યું હતું. જેમસનના જન્મ સુધી વૉટિંગ ચાલતું રહ્યું."

પ્રૉક્ટરના હોસ્ટે આ શોને એક શાનદાર સમય ગણાવ્યો. હાલ પ્રૉક્ટર પોતાના શોથી દૂર થશે કારણ કે તે મેટરનિટી લીવ પર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો