બાંગ્લાદેશ : હજારો શરણાર્થી રોહિંગ્યા બાળકોની માનસિક સ્વસ્થતા ચિંતાજનક

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા, બાંગ્લાદેશ
મોહમ્મદ નૂર
ઇમેજ કૅપ્શન,

શરણાર્થી કેમ્પમાં બાળક મોહમ્મદ નૂર

કેટલાક બાળકો સૂરમાં સૂર પૂરાવીને મ્યાનમારના રાષ્ટ્રગાનની પ્રૅક્ટિસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઘણી મહિલાઓ સીવણકામ કરી રહી છે અને આ કામના તેમને પ્રતિદિન 40 રૂપિયા મળે છે.

આ બાંગ્લાદેશના કોક્સ બજારનો બાલૂખલી શરણાર્થી કેમ્પ છે. આ બાળકો અને તેમના પરિવાર મ્યાનમારથી પોતાનો જીવ બચાવીને અહીં ભાગી આવ્યા છે.

પોતાના દેશથી અલગ થઈ ગયેલાં આ બાળકોમાંથી કેટલાકે તેમની નજર સામે જ પોતાના પરિજનોને મરતા જોયા છે.

મહિનાઓ પહેલાં ઘટેલી આ ઘટનાનો આઘાત આજે પણ તેમના મનમાં યથાવત છે.

ઇમેજ કૅપ્શન,

બાળકોનું મનોબળ વધારવા વર્કશોપનું આયોજન

તેમાં એક બાળક ખૂબ જ શાંત છે અને વારંવાર બારીની બહાર જોતો રહે છે. મોહમ્મદ નૂરની ઉંમર બાર વર્ષ છે અને ગત વર્ષે લાંબી માંદગી બાદ તેમના પિતાનું મૃત્યુ થયું હતું.

વિધવા માતા સિવાય તેમના પરિવારમાં ત્રણ બહેન છે. રખાઇન પ્રાંતના એક નાના ગામમાં નાબાલિગ નૂરનો પરિવાર શાકભાજી ઉગાડીને ગુજરાન ચલાવતો હતો.

પણ મ્યાનમારમાં થયેલી હિંસા બાદ મોહમ્મદ નૂરની દુનિયા એક જ દિવસમાં બદલાઈ ગઈ.

મોહમ્મદ નૂરે કહ્યું, "એ દિવસે હું શાકભાજી વેચવા માટે બજારમાં બેઠો અને તરત જ બુકાનીધારી લોકો આવ્યા અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો."

"મેં મારા બે પિતરાઈ ભાઈને ત્યાં જ મારી નજર સામે મરતા જોયા હતા."

તમને આ પણ વાંચવું ગમશે

"હું ભાગીને પહોંચ્યો અને પરિવારને લઈને સરહદ તરફ જતો રહ્યો."

"આજે પણ જ્યારે આ વાત યાદ કરું છું, ત્યારે મન ભરાઈ આવે છે અને તેનું દુઃખ છે."

ઇમેજ કૅપ્શન,

બાલૂખલી શરણાર્થી કેમ્પ

ગત વર્ષે મ્યાનમારમાં ભયંકર હિંસા ભડકી હતી. જેને પગલે સાત લાખ રોહિંગ્યા મુસ્લિમોએ પોતાના જીવ બચાવવા માટે બાગ્લાંદેશમાં શરણું લેવું પડ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અનુમાન અનુસાર આ આંકડામાં એકંદરે ત્રણ લાખ બાળકોનો સમાવેશ થાય છે. આથી આ બાબત વધુ ચિંતાજનક છે.

આ સમસ્યા માનસિક સ્થિતિની છે. જેનાથી વયસ્કોની સાથે સાથે બાળકો પણ પરેશાન છે.

બાળકોમાં ડિપ્રેશન (તણાવ)નું પ્રમાણ વધી રહ્યું છે અને સાથે સાથે મનોચિકિત્સકોની જરૂર પણ વધી રહી છે.

શરણાર્થી બેઘર થવાને કારણે આઘાતમાં

ઇમેજ કૅપ્શન,

મહમૂદા, મનોચિકિત્સક, સંયુક્ત રાષ્ટ્ર

મહમૂદા એક મનોચિકિત્સક છે અને તે છેલ્લા ચાર મહિનાથી સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોક્સ બજારમાં કામ કરી રહ્યાં છે.

તેમના અનુસાર લગભગ બધા જ શરણાર્થી બેઘર થવાને કારણે આઘાતમાં છે. પણ બાળકોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.

તેમણે જણાવ્યું, " આ બાળકોમાંથી કેટલાકે પોતાના માબાપની હત્યા થતી જોઈ છે. કેટલાકે ગોળીબાર થતો જોયો છે."

"કોઈકે પોતાનું ઘર તબાહ થતું જોયું છે. ઘણા બાળકો આ આઘાતમાંથી હજી બહાર નથી આવ્યા."

"તેમને મનોવૈજ્ઞાનિક સ્તરે મદદની જરૂર છે. નહીં તો તેઓ હિંસા બાદ આઘાતમાં સરી પડવાથી થતા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી)નો શિકાર બનતા જશે."

ઇમેજ કૅપ્શન,

રોહિેંગ્યા બાળકે બનાવેલું ચિત્ર

માનવાધિકાર સંગઠનો અનુસાર બાંગ્લાદેશમાં આ રોહિંગ્યા કેમ્પમાં ઓછામાં ઓછા 5000 પરિવાર એવા છે જેમાં મુખ્ય વ્યક્તિ સગીર છે.

નાની વયે જ તેમના પર મોટી જવાબદારી આવી ગઈ છે અને તેમની પાસે આવકના સાધન નથી.

કેટલાક કેમ્પમાં મેડિકલ સેન્ટરમાં ડૉક્ટર્સ સાથે વાત કરવાથી ખબર પડી કે અત્યાર સુધી વધુ ધ્યાન કોલેરા, તાવ, ફ્લૂ અને કુપોષણ જેવી બીમારીઓ પર આપવામાં આવતું હતું.

વળી ખૂબ જ આગ્રહ કરવાથી મેડિકલ સહાય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા 'મેડિકા સૌ ફ્રંતિએ' અમારી સાથે વાતચીત કરવા માટે સંમત થઈ.

જ્યારે બાળકે પિતાની હત્યાનું ચિત્ર બનાવ્યું...

ઇમેજ કૅપ્શન,

ડૉક્ટર સિંડી સ્કોટ

કુતુપાલોંગ વિસ્તારમાં એક સુરક્ષિત મેડિકલ સેન્ટરમાં જે જોવા મળ્યું તે ખૂબ જ અફસોસજનક હતું.

મોટાભાગે ઇલાજ બાળકોનો થઈ રહ્યો હતો અને એક હૉલ સગીરો માટે ફાળવવામાં આવ્યો હતો.

જેમાં માનસિક તણાવનો શિકાર બનેલા બાળકોની સારવાર થતી હતી.

'મેડિકા સૌ ફ્રંતિએ'ના મનોવૈજ્ઞાનિક ડૉક્ટર સિંડી સ્કોટે અમને હૃદયને હચમચાવી મૂકે તેવું એક ચિત્ર બતાવ્યું.

કેટલાક બાળકોને તેમનું મનોબળ વધારવા માટે એક વર્કશોપ દરમિયાન તેમની આસપાસનું ચિત્ર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું.

નવ વર્ષના એક બાળક સિવાય તમામે પહાડ, નદી અને વૃક્ષના ચિત્રો બનાવ્યા હતા.

પણ આ રોહિંગ્યા મુસ્લિમ બાળકે રખાઇનમાં પોતાના ઘર પર હેલિકૉપ્ટરથી કરવામાં આવેલા હુમલા અને પિતાની હત્યાનું ચિત્ર તૈયાર કર્યું હતું.

ઇમેજ કૅપ્શન,

શરણાર્થી કેમ્પમાં રોહિંગ્યા બાળકો

ડૉક્ટર સિંડી સ્કોટે કહ્યું,"અહીં સ્થિતિ મુશ્કેલ છે. લોકો બીમાર પડી રહ્યા છે અને બાળકો પોતાના પરિવારને મુશ્કેલી વેઠતા જોઈ રહ્યા છે."

"વળી તેમને સાંત્વના આપવા માટે આસપાસ કોઈ નથી. ગઈ કાલે જ મારી એક માતા સાથે વાત થઈ હતી. તે ખૂબ જ ડિપ્રેશનમાં હતી."

"આ દરમિયાન તેના બાળકો કેમ્પમાં ડરીને એક ખૂણામાં બેઠેલા હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમની માતા હવે મરી જશે."

શરણાર્થીઓના ભાવિ હજી પણ અનિશ્ચિત

ઇમેજ સ્રોત, MUNIR UZ ZAMAN/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

પોતાના ઘરે કામ કરી રહેલ રોહિંગ્યા બાળક

ખરેખર મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી આવેલા લાખો શરણાર્થીઓના ભાવિ અંગે હજી કોઈ નિર્ણય નથી થયો.

હિંસા અને લોહિયાળ કત્લેઆમથી જીવ બચાવીને જે બાળકો આ કેમ્પમાં પહોંચ્યા છે તેમને ભાગ્યશાળી ગણવામાં આવ્યા હતા.

પણ તેમણે જે પણ ઘટનાઓ જોઈ છે તેનો આઘાત અને ડર આજે પણ તેઓને સતાવી રહ્યો છે.

આનાથી મોટી સમસ્યા એ છે કે તેમની માનસિક સ્થિતિ અંગે ઘણું ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે.

તેમના માનસપટલ પર એક જ તસવીર ઘર કરી ગઈ છે. તે તસવીર તેમની માતા અથવા પિતાની હત્યા અને મનુષ્ય દ્વારા આચરવામાં આવેલી તબાહીની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો