ચીનમાં અંતિમ સંસ્કારમાં કેમ બોલાવવામાં આવે છે સ્ટ્રિપર્સ?

પોલ ડાંસર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ચીનના કેટલાક ભાગોમાં અંતિમવિધિ દરમિયાન એવાં દ્રશ્યો સર્જાય છે જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે.

લાઉડસ્પીકર્સ પર જોરથી વાગતું સંગીત, અને સંગીતના સૂરો પર થિરકતી સ્ટ્રિપર્સ અને સિસોટીઓ વગાડતા લોકો.

આ રિવાજ ચીનના દૂરના વિસ્તાર અને ગામડાઓમાં વધારે જોવા મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ચીનમાં આ વર્ષની શરૂઆતમાં, સ્ટ્રિપર્સના ડાન્સને "અશ્લીલ અને અસંસ્કારી" ગણાવી અંતિમ સંસ્કારો, લગ્નો અને ધાર્મિક સ્થળો પર તેમની પ્રસ્તુતિ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

આ પહેલી વખત નથી કે વહીવટીતંત્રે આ રિવાજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ અત્યાર સુધી એમાં તેમને ખૂબ સફળતા મળી નથી.

સંપન્ન હોવાનું પ્રમાણ

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ સવાલ એ છે કે શા માટે સ્ટ્રિપર્સને અંતિમવિધિમાં બોલાવવામાં આવે છે?

એક દલીલ એવી છે કે દફનવિધિમાં વધુ લોકોની હાજરી એ મૃત્યુ પામેલા વ્યક્તિ માટે માન તરીકે જોવામાં આવે છે. સ્ટ્રિપર્સના કારણે, અંતિમ સંસ્કારમાં ભીડ વધી જાય છે.

આ રિવાજને 'પ્રજનનની પૂજા' સાથે પણ જોડવામાં આવે છે.

ફુજિયાન નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસર ખ્વાંગ જે એન શિંગે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું, "કેટલીક સ્થાનિક પરંપરાઓમાં, ઉત્તેજક નૃત્યને મરનારાની એ ઇચ્છા સાથ જોડવામાં આવે છે, જ્યાં તેઓ વંશ વધારવાના આશીર્વાદ ઇચ્છતા હોય છે."

વધુ તર્ક સંગત એ છે કે સ્ટ્રિપર્સને ભાડે બોલવવાને લોકો સંપન્નતા સાથે જોડીને જુએ છે.

ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, "દેશના ગ્રામીણ વિસ્તારોમાં શોકમાં આવનારા લોકોના મનોરંજન માટે કલાકારો, ગાયકો, હાસ્ય કલાકારો અને સ્ટ્રિપર્સને ભાડે બોલાવી ખર્ચ કરવાની પરંપરા વધારે છે."

આ પરંપરા ચીનનાં ગામડાંઓમાં વધુ જોવા મળે છે.

તાઇવાનથી થઈ શરૂઆત

ઇમેજ સ્રોત, AFP

જોકે, આ પરંપરા તાઇવાનથી ઉતરી આવી છે. ત્યાં આ પરંપરા સામાન્ય છે.

દક્ષિણ કેરોલિના યુનિવર્સિટીના માર્ક મોસ્કોવિટ્ઝે બીબીસીને કહ્યું હતું કે, "1980ના દાયકામાં તાઇવાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન સ્ટ્રિપર્સની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું."

તેમણે જણાવ્યું, "તાઇવાનમાં આ ચલણ સામાન્ય બની ગયું છે, પરંતુ ચીનમાં સરકારે આના પર એટલી કડકાઇ કરી છે કે ઘણા લોકોએ આ વિષે સાંભળ્યું પણ નથી."

તાઇવાનના મોટા શહેરોમાં પણ આ રિવાજ જોવા મળતો નથી. માર્ક મોસ્કોવિટ્ઝ કહે છે, "અંતિમવિધિ દરમિયાન સ્ટ્રિપર્સને બોલાવવાની બાબત કાનૂની અને ગેરકાયદેસર પ્રવૃત્તિની વચ્ચે ઝૂલતી રહે છે. શહેરના વિસ્તારોમાં સ્ટ્રિપર્સનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. શહેરથી દૂરના વિસ્તારોમાં આ રિવાજ વધારે જોવા મળે છે.

જો કે, શહેરોના મોટાભાગનાં વિસ્તારોમાં આ વિધિઓ જોવા મળે છે."

ગયા વર્ષે તાઇવાનના દક્ષિણમાં આવેલા શહેર જિયાઈમાં યોજાયેલી અંતિમવિધિમાં 50 સ્ટ્રિપર્સે ભાગ લીધો હતો. તે તમામ એક જીપની છત પર સવાર થઈ હતી.

એ પછી સ્થાનિક નેતાના અંતિમ સંસ્કાર થયા હતા. તેમના પરિવારના જણાવ્યા મુજબ, તેઓ આ પ્રકારની જ અંતિમવિધિ ઇચ્છતા હતા.

સરકારની કડકાઈ

ઇમેજ સ્રોત, WIEBO

આ રિવાજ સામે લેવાયેલાં પગલાં નવી વાત નથી. આ રિવાજને બંધ કરવા ચીનન સરકાર વર્ષોથી કોશિશ કરી રહી છે.

ચીનના સંસ્કૃતિ મંત્રાલયે એ રિવાજને 'અસભ્ય' જાહેર કર્યો છે. જો કોઈ અંતિમ સંસ્કારની વિધીમાં સ્ટ્રિપર્સને બોલાવશે તો તેમને કડક સજા કરવામાં આવશે.

માર્ક મોસ્કોવિટ્ઝ કહે છે, "ચીનની સરકાર પોતાને નાગરિકોની માર્ગદર્શક તરીકેની ભૂમિકામાં જુએ છે."

તેઓ એમ પણ કહે છે કે આ રિવાજ જડમૂળથી નાબૂદ કરવો સહેલો નથી. 2006 માં જિઆંગસુ પ્રાંતના ખેડૂતની અંતિમ વિધિમાં હજારો લોકો ભેગા થયા હતા. જેમાં સ્ટ્રિપર્સે પણ પ્રદર્શન કર્યું હતું.

એ પછી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2015માં પણ અંતિમ સંસ્કાર વખતે 'અશ્લીલ પ્રસ્તુતિ'ની વાત સોશિયલ મીડિયા દ્વારા બહાર આવી હતી, ત્યારે સરકારે આયોજકો અને કલાકારોને સજા કરી હતી.

સંસ્કૃતિ મંત્રાલયે હેનન, એનખ્વે, જિઆંગસુ અને ખબે પ્રાંતોમાં વિશિષ્ટ રૂપે ધ્યાન રાખવા અભિયાન હાથ ધર્યું છે.

તે સ્પષ્ટ નથી કે આ રિવાજ જડમૂળથી સમાપ્ત થશે કે નહીં, પરંતુ તે સ્પષ્ટ છે કે ચીન સરકાર તેને અટકાવવા પ્રયત્નો ચાલુ રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો