સોમાલિયા : રાષ્ટ્રપતિના મહેલ પાસે જ બેવડો કાર વિસ્ફોટ, 38નાં મૃત્યુ

આ હુમલાની જવાબદારી ઇસ્લામી ઉગ્રપંથીઓએ લીધી હતી

ઇમેજ સ્રોત, Universal TV/Reuters

ઇમેજ કૅપ્શન,

આ હુમલાની જવાબદારી ઇસ્લામી ઉગ્રપંથીઓએ લીધી હતી

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર-બોમ્બ હુમલાથી ઓછામાં 38 લોકો મૃત્યુ પામ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પહેલો વિસ્ફોટ શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિના મહેલની બહાર થયો. જ્યારે બીજો વિસ્ફોટ એક હોટલની નજીક થયો હતો. આ વિસ્ફોટોમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.

સોમાલિયાની સરકારને ઉથલાવવાની કોશિશ કરી રહેલા ઇસ્લામી ઉગ્રપંથી જૂથ અલ-શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના મહેલની નજીક થયેલા વિસ્ફોટ બાદ ઉગ્રપંથીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર પણ થયા હતા. જેમાં પાંચ ઉગ્રપંથીઓ માર્યા ગયા હતા.

અલ-શબાબ દ્વારા થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં શુક્રવારે થયેલા વિસ્ફોટથી વધુ એક ઉમેરો થયો છે.

મોગાદિશુ પર એક સમયે અલ-શબાબનો અંકુશ હતો. જેને વર્ષ 2011માં આફ્રિકન યુનિયનના દળો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા.

ગત ઓક્ટોબરમાં મોગાદિશુમાં થયેલા એક ટ્રક બોમ્બ વિસ્ફોટથી 500થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

એ હુમલા માટે અધિકારીઓએ અલ-શબાબને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે, જૂથે એ હુમલાની જવાબદારી ક્યારેય સ્વીકારી નહોતી.

કેવી રીતે થયો હુમલો?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

સોમાલિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર શુક્રવારે થયેલો છેલ્લો હુમલો એ સમયે શરૂ થયો જ્યારે રાષ્ટ્રપતિના મહેલની બહાર એક વાહન રોકાયું નહીં અને તેમાં વિસ્ફોટ થયો. ત્યારબાદ ઉગ્રપંથીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો.

ત્યારબાદ હોટલ પાસે ઊભી રહેલી કારમાં વિસ્ફોટ થયો. જોકે, અલ-શબાબે કહ્યું હતું કે તેમણે સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા.

આ જૂથે કહ્યું હતું કે, બે બાળકો સહિત તેના પાંચ લડવૈયા મૃત્યુ થયાં હતાં જ્યારે 35 સૈનિકો પણ આ હુમલામાં મૃત્યુ પામ્યા હતા.

એક પોલિસ પ્રવક્તાએ રોયટર્સ સમાચાર સંસ્થાને જણાવ્યું, "મહેલની બાજુમાં આવેલી ગલીમાં સુરક્ષા કરી રહેલા સંખ્યાબંધ સૈનિકો હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો