સીરિયા: સેના દ્વારા કરાયેલા હુમલામાં એક અઠવાડિયામાં 500 લોકોનાં મૃત્યુ

હુમલા બાદ દોડી રહેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

સીરિયાની સરકારી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 500 કરતાં વધારે સીરિયન નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

સીરિયાની રાજધાની દમાસ્કસની નજીકના વિસ્તારમાં કરવામાં આવેલા બોમ્બમારામાં બાળકો સહિત નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનું સામાજીક કાર્યકર્તાઓએ જણાવ્યું છે.

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા પ્રમાણે પૂર્વ ગૂટામાં પર કરાયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 121 બાળકોનો પણ સમાવેશ થાય છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સીરિયન સેના રશિયાની મદદથી ગયા રવિવારથી પૂર્વ ગૂટા પર બોમ્બમારો કરી રહી છે.

સતત થઈ રહેલા બોમ્બમારાને અટકાવવા યુએન સિક્યુરિટી કાઉન્સિલે શસ્ત્રવિરામ માટે કોશિશ પણ કરી હતી. જોકે, હજી આ મામલે કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

કેવી છે હાલની સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે સીરિયન ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે લગભગ 29 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જેની સાથે એક અઠવાડિયામાં કુલ 500 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગૃપના જણાવ્યા પ્રમાણે સીરિયા અને રશિયા બંનેના પ્લેન દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. જોકે, રશિયા આ હુમલાઓમાં પોતે સીધું સામેલ હોવાની વાતને નકારી રહ્યું છે.

પ્લેન દ્વારા બૅરલ બોમ્બ અને તોપગોળા ફેંકવામાં આવી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં આશરે 3.93 લાખ લોકો ફસાયેલાં છે.

સીરિયાની સરકાર નાગરિકોને નિશાના બનાવાતા હોવાની વાતને નકારી રહી છે.

તેનું કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં રહેલા આતંકવાદીઓ પર હુમલાઓ કરી રહી છે. સીરિયન સરકાર જેહાદી ઉગ્રવાદીઓ અને મુખ્ય બળવાખોરોને આતંકવાદી ગણાવે છે.

સતત થઈ રહેલા હુમલાઓથી અહીંના લોકોની સ્થિતિએ વિશ્વના નેતાઓને પણ ચેતવ્યા છે. યુએન જનરલ સેક્રેટરીએ આ સ્થિતિને 'પૃથ્વી પરનાં નરક' જેવી ગણાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો