આ રેસ્ટોરાં આપે છે ફોન વિના જમનારા લોકોને ડિસ્કાઉન્ટ

પ્રતિકાત્મક તસવીર Image copyright Ceidiog

શું તમે ક્યારેય એવી વ્યક્તિ સાથે બહાર જમવા ગયા છો, જે તમારી સામે જોવા કરતાં વધુ સમય એમના ફોન સામે જોતી રહી હોય?

બ્રિટનના ઉત્તર પૂર્વમાં આવેલા રેક્સહેમના એક પબે એક એવી ઑફર શરૂ કરી છે, જેને કારણે ઉપર દર્શાવેલી સ્થિતિ ટાળી શકાશે.

આ પબે લોકોને કોઈ પણ જાતની ખલેલ વિના વાતચીત કરવા માટે પ્રોત્સાહિત આપવા માટે આ ઑફર જાહેર કરી છે.

ધ ફેટ બૉઅર પબમાં આવનારા ગ્રાહકોને તેમના ભોજનના બિલ પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. શરત માત્ર એટલી છે કે, તેમણે "મોબાઇલ ફ્રી મન્ડે"ના ભાગરૂપે તેમના ફોનનો ઉપયોગ પબમાં નહીં કરવાનો.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમના ફોન ટેબલ્સના કૅશ બોક્સમાં મૂકીને તાળુ મારી દેવામાં આવશે અને તેની ચાવી પબના સ્ટાફ પાસે રહેશે.


Image copyright Ceidiog

આ પબના ડિરેક્ટર રિચ વૅટ્કિને કહ્યું, "મોબાઇલ ફોન ઘણી વખત ખૂબ જ વિક્ષેપ પાડે છે. તેને કારણે આપણે પરિવાર અને મિત્રો સાથે શાંતિથી બેસીને વાતચીત પણ નથી કરી શક્તા. આથી મને આ વિચાર આવ્યો છે."

જો આ ઑફરને સફળતા મળશે તો આવી જ ઑફર મોલ્ડ ચેસ્ટર સ્ટ્રીટમાં આવેલી આ પબની બીજી રેસ્ટોરાંમાં પણ લાગુ કરવામાં આવશે.

આ રેસ્ટોરાંનાં મેનેજર જેડ ડાર્લિંગટને કહ્યું, "મને લાગે છે કે આપણે સૌ સતત ઇ-મેઇલ્સ અને સોશિયલ મીડિયા, એસએમએસ અને આપણા ફોનમાં રહેલી વિવિધ મેસેજિંગ ઍપ્સ જોતા રહેવાનું એક પ્રકારનું દબાણ અનુભવીએ છીએ."

તેમણે વધુમાં જણાવ્યું, "પરંતુ જો અમે લોકોને તેમના ફોન બાજુમાં મૂકીને, એકબીજા પર ધ્યાન આપવા અને અમારી સાથે આનંદસભર સાંજ વિતાવવા માટે પ્રોત્સાહિત કરી શકિશું, તો મને લાગે છે કે તે એક હકારાત્મક બાબત હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો