બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચરમ પર, લોકો શું ઇચ્છે છે?

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા
अब्दुर रज़्ज़ाक, चैती रॉय, नूर इस्लाम
ઇમેજ કૅપ્શન,

અબ્દુર રજ્જાક, ચૈતી રૉય અને નૂર ઇસ્લામ (ડાબેથી)

બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે અહીં સામાન્ય ચૂંટણી બહુ દૂર નથી.

પાડોશી હોવાના કારણે ભારતની પણ આ ચૂંટણી પર નજર છે.

બાંગ્લાદેશના લોકોમાં ચૂંટણી વિશે હાલ જિજ્ઞાસા વધારે જોવા મળી રહી છે.

ઢાકાના ધનમોડી વિસ્તારના ફ્લેટમાં પ્રવેશતા જ એક ડઝન કાર્ડબોર્ડ જમીન પર પથરાયેલાં દેખાયાં.

બાજુના રૂમમાં, બે લોકો ખોખામાં નાના પૅકેટો ભરીને પૅકિંગ કરી રહ્યા છે.

ઇમેજ કૅપ્શન,

વિઝા માટે લાઇન

નિત્યાનંદ અને ચૈતિ રૉયએ આ મકાન ભાડે લીધું છે અને તેઓ ઢાકાથી 200 કિમી દૂર જેશોરના રહેવાસી છે.

બંનેના સાત વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને હવે તેઓ ઘરેથી વ્યાપાર કરી રહ્યા છે.

તેઓ જાણે છે કે એની માગ બધે વધી રહી છે. કારણ કે ગયા વર્ષે તે બંને એક સાથીને મળવા માટે ભારત આવ્યા હતા અને દરેક જગ્યાએ લાકડાના ચમચાનો ઉપયોગ જોયો હતો.

પરંતુ ચૈતિ રોય વર્તમાન નિયમોથી ખુશ નથી.

તેઓએ કહ્યું, "અમારો વુડન સ્પૂનનો વ્યવસાય ખૂબ જ નાનો છે. તેથી અમારી પાસે વેપારનું લાયસન્સ પણ નથી."

"આ માટે સમસ્યા એ છે કે અમે ભારતમાં વેપાર કરવા માટે વધારે ઉત્પાદનો લઈ જઈ શકતા નથી. જો બન્ને દેશો થોડા ઉદાર બને તો ભારતમાં વ્યાપાર કરવો સરળ બને."

ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટરની બહારની લાઇન

ઇમેજ કૅપ્શન,

ચૈતી અને તેમના પતિ

છેલ્લાં કેટલાક વર્ષોમાં, બન્ને દેશો વચ્ચે વેપાર વધારવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ઘણા કરાર થયા પણ છે.

વીઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આંકડા જણાવે છે કે બાંગ્લાદેશમાંથી ભારત માટે રેકોર્ડ વીઝા આપવામાં આવ્યા છે.

જોકે, જ્યારે હું ઢાકામાં ઇન્ડિયન વીઝા ઍપ્લિકેશન સેન્ટરમાં પહોંચ્યો તો ત્યાં દ્રશ્ય બીજું જ હતું.

સવારના 5 વાગ્યાથી જ વીઝા માટે અરજદારોની લાંબી લાઇન લાગી જાય છે.

ધોમધખતા તડકામાં બાળકો, વૃદ્ધો, પુરુષો અને મહિલાઓ કલાકો સુધી ઊભાં રહે છે અને બાજુના રોડ પરથી કાળો ધૂમાડો છોડતાં વાહનોનાં પ્રદૂષણની ફરિયાદ કરે છે.

એ જ લાઇનમાં બાંગ્લાદેશની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અબ્દુર રઝાકને મળ્યો.

તેમણે કહ્યું, "અમે ભારતને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. બન્ને દેશોમાં મિત્રતા છે. પરંતુ વીઝા મેળવવાનું મુશ્કેલ છે."

"બન્ને સરકારોએ જાણવાની જરૂર છે કે આ સમસ્યાનો ઉકેલ લાવે. અમને વીઝાથી છૂટકારો જોઇએ છે."

1971 માં બાંગ્લાદેશની રચનામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પરંતુ ત્યારથી ત્યાંનું રાજકારણ બે મોટી પાર્ટીઓ અને અને લશ્કર વચ્ચે વળાંક લઈ રહ્યું છે.

સત્તા કાં તો અવામી લીગ પાસે રહે છે અથવા બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટીના હાથમાં જાય છે.

ભારત સાથેના સંબંધો પણ ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંબંધોમાં સુધારો થયો છે.

ભારત વિશે મિશ્ર અભિપ્રાય

બાંગ્લાદેશમાં આ વર્ષે, સામાન્ય ચૂંટણી થવાની છે એટલે સ્વાભાવિક પણે ભારતમાં પણ રસ વધ્યો છે.

હિંસાના પડછાયામાં 2014માં છેલ્લી ચૂંટણી યોજાઈ હતી અને વિરોધ પક્ષ બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટીએ તેનો બહિષ્કાર કર્યો હતો.

આવામી લીગની હાલની શેખ હસીના સરકારને ભારતની નજીક હોવાનું માનવામાં આવે છે.

પરંતુ ભારતને લઈને ઢાકાની શેરીઓમાં અભિપ્રાયો મિશ્રિત છે.

અમે શહેરના જૂના વિસ્તારમાં ચાની દુકાનમાં નૂર ઇસ્લામને મળ્યા.

તેઓ માને છે કે, "અમે હંમેશાં ભારત સાથે સારા સંબંધો માંગીએ છીએ અને અમે ભારતનો આદર કર્યો છે. પરંતુ સંબંધો સામાન્ય લોકોની વચ્ચે હોવો જોઈએ, બે સરકાર વચ્ચે નહીં. ભારતને અહીંનાં લોકોની સાથે મિત્રતા વધારવાની જરૂર છે ના કે સરકાર કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે."

જોકે, બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણ અત્યારે ગરમાયેલું ​​છે.

ભ્રષ્ટાચારના કિસ્સામાં, કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા વિરુદ્ધ આદેશ આપ્યો છે અને તેમની BNP પાર્ટીએ તેમને "સરકારનું કાવતરું" ગણાવ્યું છે.

ચુકાદા પછી કેવી રીતે આગામી ચૂંટણી થશે, કોણ લડશે, કોણ નહીં લડે એની ચર્ચાઓ ચાલુ છે.

પરંતુ બાંગ્લાદેશમાં સામાન્ય માણસ ચૂંટણીમાં હાર-જીત કરતાં તેમને રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. એ રાહત દેશમાં હોય કે પછી પાડોશમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો