સીરિયા સંઘર્ષઃ સુરક્ષા પરિષદમાં સંઘર્ષ વિરામ પર સહમતિ

ઇમેજ સ્રોત, EPA
સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 30 દિવસના સંઘર્ષવિરામ પર સહમતી સધાઈ છે.
સુરક્ષા પરિષદની બેઠકમાં 30 દિવસના સંઘર્ષ વિરામના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દીધો છે. સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યોએ સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારમાં મદદ પહોંચાડવા અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મત આપ્યો.
આ સપ્તાહની શરૂઆતથી જ સીરિયાની સરકારે દમાસ્કસ નજીક વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તાર પૂર્વ ગૂતામાં બોમ્બમારો શરૂ કરી દીધો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
આ કાર્યવાહી રોકવાના હેતુથી સુરક્ષા પરિષદે આ સંઘર્ષવિરામની ઘોષણા કરી છે. જોકે, કાર્યકરો એમ કહી રહ્યા છે કે, મતદાન થયા બાદ પણ હવાઈ હુમલા ચાલુ છે.
ઇમેજ સ્રોત, AFP/Getty Images
આ પહેલા સંઘર્ષવિરામના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાંબી ખેંચતાણ જોવા મળી. ગુરુવારે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને રશિયાએ માનવાનો ઇન્કાર કર્યો હતો. તે આ પ્રસ્તાવમાં કેટલાક સુધારા ઇચ્છતું હતું.
રશિયા સીરિયાની સરકારનું સમર્થન કરે છે. તે સંઘર્ષવિરામ પ્રસ્તાવમાં પરિવર્તન ઇચ્છતું હતું, જ્યારે પશ્ચિમી રાજનિતિજ્ઞોનું કહેવું હતું કે રશિયા આવી વાતો કરીને સમય વેડફી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન પ્રતિનિધ નિકી હેલીએ કહ્યું છે કે સંઘર્ષવિરામને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવો જોઈએ.
જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી કે સીરિયા સંઘર્ષવિરામને લાગુ કરવા માટે તૈયાર થશે તે બાબતે શંકા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના દૂત વિતાલી ચુર્કિને જણાવ્યું હતું કે સંઘર્ષવિરામનું પાલન ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી સંઘર્ષમાં શામેલ બન્ને પક્ષો એને ન માને.
ઇમેજ સ્રોત, AFP/Getty Images
સીરિયામાં સંઘર્ષ પર નજર રાખનારી બ્રિટન સ્થિત સમૂહ ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંઘર્ષવિરામ પર સર્વાનુમતિ સધાઈ તેની થોડી મિનિટો બાદ જ પૂર્વ ગૂતામાં હવાઈ હુમલો કર્યો હતો.
આ સમૂહે જણાવ્યું હતું કે, રવિવારથી શરૂ થયેલા બોમ્બમારામાં અત્યાર સુધી 500 લોકોનાં મૃત્યુ થયાં છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેશ કહી ચૂક્યા છે કે પૂર્વ ગૂતામાં સ્થિતિ નર્ક જેવી બની ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો