શ્રીદેવી માટે જ્યારે અફઘાનિસ્તાનના લોકો ધાબા પર ચઢ્યા

લોકો સાથે વાત કરતાં બીબીસી સંવાદદાતા

શ્રીદેવીનાં નિધનના સમાચારે ભારતના જ નહીં પણ દુનિયાભરના તેમનાં પ્રશંસકોની આંખોમાં આંસુ લાવી દીધા છે. તેમનાં ચાહકો દુનિયાના ખૂણે ખૂણે જોવા મળે છે. તેઓ શ્રીદેવીએ અચાનક દુનિયામાંથી લીધેલી વિદાયના કારણે શોકમગ્ન છે.

આવો જ શોકનો માહોલ અફઘાનિસ્તાનમાં પણ છે. અફઘાનિસ્તાનના લોકોનાં મનમાં શ્રીદેવી માટે કેટલો પ્રેમ છે, તે બીબીસીના એક ખાસ ફેસબુક લાઇવમાં જોવા મળ્યું.

કાબુલમાં બીબીસી પશ્તો સેવાનાં સંવાદદાતા આરિયા અહેમદ જઈએ શ્રીદેવીનાં પ્રશંસકો સાથે વાત કરી હતી.

ફોટો લાઈન કાબુલના સ્થાનિક ઉમર શ્રીદેવીનાં નિધનથી દુઃખી છે

કાબુલના સ્થાનિક નિવાસી ઉમરે કહ્યું, "શ્રીદેવીનાં મૃત્યુથી ફક્ત ભારત જ નહીં પણ અફઘાનિસ્તાનનાં લોકો પણ દુઃખી છે. કોઈ એક્ટર સુંદર હોઈ શકે છે, સારો અભિનય કરી શકે છે પણ દરેક એક્ટર સારી વ્યક્તિ બની શકતો નથી. શ્રીદેવી એક સારી વ્યક્તિ હતાં."

અફઘાનિસ્તાનના અમીને જણાવ્યું કે તેમના પત્ની શ્રીદેવીનાં ખૂબ મોટા પ્રશંસક છે અને તેમનાં નિધનના સમાચાર સાંભળી તેમને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે.

શ્રીદેવીની આશરે 30 વર્ષ જૂની બે તસવીરો સાથે અમીન બીબીસી સ્ટૂડિયોમાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "મારા પત્ની નાનપણમાં છૂપાઈ- છૂપાઈને શ્રીદેવીની તસવીરો એકત્રિત કરતાં હતાં. મારા પત્ની તેમની બહેનપણીઓને બીજી હિરોઇનોની તસવીરો આપીને શ્રીદેવીની તસવીરો તેમની પાસેથી લઈ લેતાં હતાં."

તેમણે જણાવ્યું કે એ સમયે લોકો પાસે વધુ સ્વતંત્રતા ન હતી. સિનેમા પર પ્રતિબંધ હતો પરંતુ આવી પરિસ્થિતિમાં પણ તેમના પત્નીનાં મનમાં શ્રીદેવી માટે દીવાનગી હતી.

અન્ય એક મહિલાએ કહ્યું કે તેઓ શ્રીદેવીની અદાઓ તેમજ તેમની આંખોને ખૂબ પસંદ કરે છે.

ઉમરે કહ્યું, "80ના દાયકા બાદ જ અફઘાનિસ્તાનમાં શ્રીદેવીની લોકપ્રિયતા વધવા લાગી હતી. ચાંદની અને નગીના જેવી ફિલ્મો બાદ લોકો તેમને ખૂબ પસંદ કરવા લાગ્યાં હતાં."

ઉમર આગળ જણાવે છે કે ખુદા ગવાહ ફિલ્મના એક ભાગનું શુટિંગ અફઘાનિસ્તાનમાં પણ થયું હતું. તે સમયે લોકો શ્રીદેવીના પોસ્ટર લઇને ધાબા પર ચઢી ગયા હતા.

અફઘાનિસ્તાનના વૃદ્ધોના કહેવા પ્રમાણે તે સમયે ધાબા પર એટલી ભીડ જામી હતી કે કાચી છત તૂટી પડી હતી.

અમીને કહ્યું, "કળાની કોઈ સીમા હોતી નથી. શ્રીદેવી જેટલા ભારતનાં હતાં એટલા જ અફઘાનિસ્તાનનાં પણ હતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા