સાઉદી અરબના લશ્કરમાં હવે મહિલાઓ પણ હશે

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરબમાં કેટલાંક સમયથી થઈ રહેલા સુધારાઓને આગળ વધારતા હવે લશ્કરમાં મહિલાઓને નોકરી માટે દરવાજા ખૂલી ગયા છે.
આ નોકરી સ્વૈચ્છિક હશે એટલે કે મહિલાઓ માટે સૈન્યમાં જવાનું ફરજિયાત રહેશે નહીં.
સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) મુજબ, જન સુરક્ષા નિયામકની કચેરીએ રવિવારે આ ભરતી માટેનો માર્ગ ખોલી દીધો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
આ મહિલાઓની રિયાધ, મક્કા, મદીના, કાસિમ, અસિર, અલ-બહા અને શરકિયામાં નિમણૂક કરવામાં આવશે.

જરૂરી લાયકાત

ઇમેજ સ્રોત, Getty Images
આ નોકરી માટે મહિલાઓ સાઉદી મૂળનાં હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં હાઈસ્કૂલ ડિપ્લોમાથી ઓછું શિક્ષણ ન હોવું જોઈએ.
25 વર્ષથી ઓછી ઉંમરનાં અને 35 વર્ષથી વધુ ઉંમરનાં મહિલા અરજી કરી શકશે નહીં.
આ એ સામાજિક સુધારાના પ્રયાસો પૈકીનો એક છે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સાઉદી શુરા કાઉન્સિલના એક સભ્ય દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ માટે લશ્કરમાં ત્રણ મહિના કામ કરવું ફરજિયાત બનાવવાની વાત હતી.
પરંતુ કાઉન્સિલમાં અને સામાજિક મીડિયામાં આકરા પ્રતિભાવો મળ્યા હતા.

તાજેતરના સુધારા

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જૂન મહિનાથી પ્રથમ વખત મહિલાઓને કાર ચલાવવાની પરવાનગી મળશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરાંત હવે મહિલાઓને જાહેર સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવાની મંજૂરી પણ મળી છે.
ફિલ્મો પર લાગેલા દાયકાઓ જૂના પ્રતિબંધને ડિસેમ્બરમાં જ હટાવી લેવાયો હતો. જે ક્રાઉન પ્રિન્સ દ્રષ્ટિએ આમ કરવાથી દેશના મનોરંજન ઉદ્યોગનો વિકાસ થઈ શકે.
સાઉદી અરબનો શાહી પરિવાર અને ધાર્મિક પ્રતિષ્ઠાનો 'વહાબિયત'નું પાલન કરે છે, જેમાં મહિલાઓ માટેના ઇસ્લામિક નિયમો ખૂબ કડક છે.
સાઉદી અરબમાં મહિલાઓને એકલા મુસાફરી કરવાની મંજૂરી નથી. આ સમય દરમિયાન પરિવારના પુરુષને તેમની સાથે રાખવા જરૂરી છે.
મોટા ભાગનાં રેસ્ટોરાં અને કાફેમાં બે વિભાગ હોય છે. એક પુરુષો માટે અને અન્ય પરિવારો માટે હોય છે.
મહિલાઓને ફક્ત પરિવારવાળા વિભાગમાં જ પતિ કે પરિવાર સાથે બેસવાની મંજૂરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો