સીરિયા: ભોજનના બદલામાં માગી રહ્યા છે સેક્સ!

મહિલા.

સીરિયાના રાહત કૅમ્પોમાં રહેતી મહિલાઓ સાથે યૌન શોષણની ઘટનાઓ સામે આવી છે.

બીબીસીને માહિતી મળી છે કે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફથી રાહત કૅમ્પમાં સામગ્રી લઈ જનારા પુરુષોએ મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું છે.

આ પુરુષો પર એવો આરોપ છે કે તેઓ સેક્સના બદલામાં ભોજન વેચી રહ્યા છે.

ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલી ચેતવણી બાદ પણ એક રિપોર્ટ દર્શાવે છે કે દેશના દક્ષિણ વિસ્તારમાં આ કૃત્ય ચાલુ છે.

સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોનું કહેવું છે કે આ વિસ્તારમાં કામ કરી રહેલા તેમના સહયોગી સંગઠનો સામે કોઈ ફરિયાદ નથી મળી.

તમને આ વાંચવું પણ ગમશે:

રાહતકર્મીઓએ બીબીસીને જણાવ્યું છે કે મહિલાઓનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે અને તેના કારણે જ મહિલાઓ હવે આવા વિતરણ કેન્દ્રોમાં જવાની ના પાડી રહી છે.

એક કર્મચારીનો દાવો છે કે કેટલીક એજન્સીઓ આ ઘટનાને જાણતી હોવા થતાં અવગણી રહી હતી. કારણ કે તેમના માટે કેટલાક અધિકારીઓ અને સહયોગી સંગઠનો ખતરનાક વિસ્તારોમાં પણ કામ કરતાં હતાં.

સંયુક્ત રાષ્ટ્રના જનસંખ્યા કોષની એક તપાસમાં એ વાત સામે આવી હતી કે મદદ કરવાના બદલામાં મહિલાઓનું શોષણ કરવામાં આવતું હતું.

સીરિયાના વિવિધ વિસ્તારોમાં સંગઠને આ તપાસ કરી હતી.

વિધવા સ્ત્રીઓ નિશાને

'વૉઇસ ફ્રૉમ સીરિયા 2018' નામના આ અહેવાલમાં લૈંગિક હિંસાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે, "મહિલાઓ અને છોકરીઓ પાસેથી રાહતકર્મીઓ કેટલીય વાર તેમના અંગત સંપર્ક જેવા કે ફોન નંબર માટે પૂછતા હતા અને તેમને ઘરે લઈ જતા હતા. વિધવા અને છૂટાછેડાવાળી મહિલાઓ તેમના લક્ષમાં રહેતી અને તેને નિશાન પણ બનાવતા."

વધુમાં, "મહિલાઓ અને છોકરીઓ કેટલાક સમય માટે અધિકારીઓ સાથે લગ્ન કરી લીધાં હતાં જેથી તેમને ભોજન મળી શકે. પરંતુ બદલામાં પુરુષો તેમની સાથે સેક્સ કરી રહ્યા હતા."

આ પ્રકારની ઘટના ત્રણ વર્ષ પહેલાં પણ થઈ હતી. મદદ પહોંચાડનારી સંસ્થા માટે સલાહકાર તરીકે કામ કરનારા ડેનીઅલ સ્પેન્સરથી વર્ષ 2015માં જોર્ડનમાં સીરિયાની મહિલાઓના એક સમુદાયે આ ઘટનાની ફરિયાદ કરી હતી.

સ્પેન્સર કહે છે, "તે લોકો ત્યાં સુધી ભોજન સામગ્રી રોકી રાખતા હતા જ્યાં સુધી બદલામાં તેમને સેક્સ મળતું ન હતું."

તેઓ આગળ કહે છે, "મને યાદ છે કે એક મહિલા તેના રૂમમાં રડતી હતી. તેમની સાથે જે થયું હતું તેનાથી તે ખૂબ નાખુશ હતી. રાહત સામગ્રી આપતી વખતે મહિલાઓ અને છોકરીઓને રક્ષણની જરૂર છે."

દેખરેખ કરનારી ટીમ

ધ ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના પ્રવક્તાએ જણાવ્યું, "આપણે દક્ષિણ સીરિયામાં મહિલાઓ અને છોકરીઓની વધુ સુરક્ષા માટે ઘણા નવા કાર્યક્રમો શરૂ કર્યા છે."

કેયર સંસ્થાએ સીરિયામાં એક દેખરેખ કરનારી ટીમનો વિસ્તાર કર્યો છે અને સ્થાનિક એજન્સીઓને રાહત સામગ્રી આપવાનું બંધ કરી દીધું છે.

સ્પેન્સર દાવો કરે છે કે રાહત પહોંચાડતી સંસ્થાઓએ આ ઘટનાની અવગણના કરી છે.

તેઓ કહે છે, "સ્ત્રીઓ સાથે જાતીય હિંસાઓની ઘટના ઘણાં વર્ષોથી અવગણવામાં આવી રહી છે."

વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્ર વસતીકોષની બેઠકમાં સામેલ રહ્યા. એક અન્ય સ્રોતે બીબીસીને જણાવ્યું, "જાતીય દુર્વ્યવહાર પર વિશ્વાસપાત્ર અહેવાલો પ્રસ્તુત થયા હતા, પરંતુ સંયુક્ત રાષ્ટ્રે કોઈ પણ ચિંતા વ્યક્ત કરી નહોતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો