શિક્ષકે બોર્ડ પર બનાવ્યું MS-WORDનું ફૉર્મેટ, તસવીરો થઈ વાઇરલ

બાળકોને બોર્ડ પર કમ્પ્યૂટર ભણાવતા શિક્ષક Image copyright INNOCENT FRIMPONG

તમે કમ્પ્યૂટર શીખવા માગો છો, પણ તમારી પાસે કમ્પ્યૂટર નથી કે પછી કમ્પ્યૂટર ક્લાસમાં જઈને તેને શીખવાના પૈસા પણ નથી. તો શું તેને શીખવું શક્ય છે ખરા?

તેનો જવાબ છે દક્ષિણ આફ્રિકાના દેશ ઘાનાના શિક્ષકની આ ફેસબુક પોસ્ટ. તેમની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ પણ થઈ છે. આ પોસ્ટે દુનિયાભરના લોકોનાં મન જીતી લીધા છે.

આ પોસ્ટ અલગ રીતે વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વગર ઇન્ફોર્મેશન એન્ડ કમ્યૂનિકેશન ટેકનૉલૉજી (ICT) ભણાવવા સંબંધિત છે.

ઘાનાના કુમાસીમાં રહેતા ઓવુરા ક્વાડ્વોએ માઇક્રોસોફ્ટ વર્ડના પ્રોગ્રામનો ડાયેગ્રામ બોર્ડ પર તૈયાર કર્યો હતો. અને બાળકોને શીખવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, "ઘાનાની સ્કૂલમાં ICT શીખવવાની ખૂબ મજા આવે છે."

તમને આ પણ વાંચવું ગમશે

તેમની આ તસવીરને લોકોએ ખૂબ પસંદ કરી અને શૅયર પણ કરી. તેનાથી પ્રભાવિત થઈને માઇક્રોસોફ્ટે આ જગ્યાએ નવા કમ્પ્યૂટર મોકલવાનો વાયદો કર્યો છે.

પોતાના ફેસબુક મેસેજમાં ઓવુરા ક્વાડ્વોએ લખ્યું હતું, "હું મારા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમ કરું છું. તેથી તેમને સમજાવવાની જરૂર છે કે હું તેમને ખરેખર શું શીખવી રહ્યો છું."

ઓવુરાએ કહ્યું કે મિસ્ટર અકોટાની સ્કૂલમાં વર્ષ 2011થી કોઈ કમ્પ્યૂટર નથી. આ તરફ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરની જરૂરી પણ છે કેમ કે તેમણે ICTની પરીક્ષા પાસ કરવાની હોય છે જે તેમના કોર્સમાં સામેલ છે.

ઘણાં લોકોએ ઓવુરા ક્વાડ્વોએના પ્રયાસની પ્રશંસા કરી છે.

આ પ્રયાસને ધ્યાનમાં લેતા રેબેક્કા એનોન્ચોંગે નામનાં યુઝરે માઇક્રોસોફ્ટ આફ્રિકાને ટ્વીટ કરીને આ વ્યક્તિ અંગે માહિતી આપી અને જણાવ્યું કે તેઓ એવી વસ્તુ વિશે વિદ્યાર્થીઓને શીખવે છે કે જે તેમની પાસે છે જ નહીં.

તેમણે માઇક્રોસોફ્ટને આ અંગે થોડો સહયોગ પાઠવવા અપીલ પણ કરી.

આ ટ્વીટના બે દિવસ બાદ માઇક્રોસોફ્ટ આફ્રિકાએ ટ્વીટ કરી આ સ્થળે કમ્પ્યૂટર મોકલવાનો વાયદો કર્યો હતો અને સાથે જ એજ્યુકેશન મટિરીયલ આપવાનો પણ વાયદો કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો