ઇવાન્કાનાં આ મિત્ર હતાં ડોનાલ્ડ ટ્રમ્પનાં રાઝદાર, આપ્યું રાજીનામું

હોપ હિક્સ Image copyright Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સલાહકાર હોપ હિક્સ અંગે જાણકારી મળી છે કે તેઓ કમ્યુનિકેશન ડાયરેક્ટરના પદ પરથી રાજીનામું આપવાના છે.

હોપ્સ કાર્યકાળ દરમિયાન પદ છોડનારી ચોથી વ્યક્તિ બની જશે.

29 વર્ષીય પૂર્વ મૉડલ અને ટ્રમ્પ સંગઠનના પૂર્વ કર્મચારી હોપ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે લાંબા સમય સુધી સેવા આપનારા સલાહકારોમાંથી એક છે.

એવું કહેવામાં આવે છે કે હોપે પોતાનાં સાથી કર્મચારીઓને કહ્યું છે કે વ્હાઇટ હાઉસમાં રહીને તેમણે એ બધું જ મેળવી લીધું છે, જેની તેમને ચાહ હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

વ્હાઇટ હાઉસ પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે એ હજુ સુધી સ્પષ્ટ નથી કે હોપ ક્યારે પ્રશાસન છોડશે.

Image copyright EPA

હોપ હિક્સને રાજકારણમાં કોઈ અનુભવ ન હતો, પરંતુ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ટ્રમ્પ પરિવાર સાથે જોડાયેલાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમને હુલામણું નામ 'હોપ્સ્ટર' આપ્યું હતું.

તેમણે એ રીતે કામ કર્યું કે તેઓ ટ્રમ્પના સૌથી વધુ કમાણી કરતાં મંત્રીઓમાંથી એક બની ગયાં. તેમનું વાર્ષિક મહેનતાણુ 1 લાખ 80 હજાર ડોલર નક્કી કરાયું હતું. ભારતીય મુદ્રામાં તેની કિંમત આશરે 1 કરોડ 17 લાખ 36 હજાર 990 રૂપિયા છે.

પરંતુ સવાલ એ થાય છે કે એક મૉડલ જેવી પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિ આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચી કેવી રીતે?


એક સમયે મૉડલ હતાં હોપ

હોપ હિક્સે પોતાની કારકિર્દીની શરૂઆત પબ્લિક રિલેશન ઑફિસર તરીકે કરી હતી.

ઇવાન્કા ટ્રમ્પની કંપની પણ તેમનાં ક્લાયન્ટમાંથી એક હતી.

તેમણે રાલ્ફ લૉરેન જેવી બ્રાન્ડ માટે મૉડલિંગ પણ કર્યું છે. સાથે સાથે તેઓ ગોસ્સિપ ગર્લ સ્પિન ઑફ બુકના કવર પેજ પર પણ જોવા મળ્યાં છે.

કામ તરીકે તેમણે ઇવાન્કા ટ્રમ્પના ફેશન લેબલ માટે પણ મૉડલિંગ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી દીકરી સાથે કામ કરીને હોપ હિક્સે ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2014માં તેમની રિયલ એસ્ટેટ કંપનીનાં પીઆર તરીકે હોપ હિક્સની પસંદગી કરી હતી.


આકસ્મિક રીતે જોડાયાં રાજકારણમાં

વર્ષ 2015માં હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક ટ્રીપ પર ગયા. આ પ્રવાસ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનની શરૂઆત હતી.

ધીમે ધીમે હોપ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પણ સંભાળવા લાગ્યા. તેઓ એ બધું નોંધીને રાખતાં હતાં કે જે ડોનાલ્ડ ટ્રમ્પ કહેવા માગતા હતા.

જ્યારે ચૂંટણી અભિયાન તીવ્ર ગતિએ દોડવા લાગ્યું, ત્યારે હોપ હિક્સે નક્કી કરવું પડ્યું કે તેઓ રાજકારણમાં આગળ વધશે કે પછી ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપનીમાં પરત ફરશે.

તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને રાજકારણમાં જોડાવાની ઑફર આપી જેનો તેમણે સ્વીકાર કરી લીધો.


કાર્યકાળ દરમિયાન કૅમેરાથી રહેવા લાગ્યાં દૂર

Image copyright Getty Images

હોપ હિક્સે કદાચ જ કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો હશે. જોકે, જ્યારે ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ થતો, ત્યારે તેઓ તેમની આસપાસ જ રહેતાં હતાં.

રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનમાં જોડાયા બાદ તેમણે પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું. તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ પ્રાઇવેટ છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે હોપ હિક્સ માટે એક નવા હોદ્દાનું સર્જન કર્યું- વ્હાઇટ હાઉસ ડાયરેક્ટર ઑફ સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન.

હોપ હિક્સ એ ઓછા લોકોમાંથી એક હતાં કે જેમને ટ્રમ્પની સાથે રહીને પોપને મળવાની તક પણ મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ