ચંદ્ર પર 4G: ધરતીની જેમ ત્યાં પણ લગાવાશે મોબાઇલ ટાવર?

પ્રતિકાત્મક તસ્વીર Image copyright Getty Images

તમે તમારા મોબાઇલ ફોનમાં 4G સ્પીડનો આનંદ ભલે ન લઈ શકતા હો પણ ચંદ્ર પર ટૂંક સમયમાં હાઈ સ્પીડ 4G નેટવર્કની શરૂઆત થવાની છે.

વોડાફોન-જર્મની અને નોકિયા સાથે મળીને ચંદ્ર પર 4G નેટવર્કનું નિર્માણ કરવાના છે. એ નેટવર્કની મદદ વડે ચંદ્રની જીવંત તસ્વીરો રોબો ધરતી પર મોકલી શકશે.

આ નેટવર્કનું નિર્માણ બર્લિનની પાર્ટ ટાઇમ (પીટી) સાયન્ટિસ્ટ નામની કંપનીની મદદ માટે બનાવવામાં આવશે.

આ કંપની પ્રાઇવેટ મૂન રોબો મિશનની યોજના ઘડી રહી છે.

અપૉલો 11 મિશનનાં 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મિશન અંતર્ગત કંપની ચંદ્ર પર એક લૉન્ચર અને બે રોબૉટ મોકલશે.

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાનું અપૉલો 11 મહત્વાકાંક્ષી મિશન હતું.

એ મિશન અંતર્ગત નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિને 1969માં ચંદ્ર પર પહેલીવાર પગ મૂક્યો હતો.

વોડાફોન-જર્મનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું, "આગામી વર્ષે ચંદ્ર પર 4G નેટવર્ક હશે."

"વોડાફોન ચંદ્ર પર સૌપ્રથમ 4G નેટવર્ક સ્થાપવાની યોજના ઘડી રહી છે. એ માટે ટેક્નૉલોજિ પાર્ટનર તરીકે નોકિયાની પસંદગી કરવામાં આવી છે."

પીટી સાયન્ટિસ્ટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રોબર્ટ બોમે કહ્યું હતું, "સૌર મંડળની સસ્તી તપાસ તરફનું આ પહેલું પગલું છે."

"આ ટેક્નિક મારફત આપણે આસાનીથી અને ઓછા ખર્ચે હાઈ ડેફિનેશન (એચડી) વીડિયો ડેટા મેળવી શકીશું."

કાર ઉત્પાદક કંપની ઓડીએ બનાવેલા રોબો આ મિશન માટે મોકલવામાં આવશે. ખાનગી ખર્ચે પૂર્ણ થનારું આ સૌપ્રથમ મિશન હશે.


કેવું હશે ટ્રાન્સમિશન ઉપકરણ?

Image copyright PTSCIENTISTS/BBC

ઇન્ટરનેટ સર્વિસ માટે સામાન્ય રીતે ટાવર ઊભા કરવામાં આવતા હોય છે, પણ ચંદ્ર પર એવું નહીં થાય.

4G ટ્રાન્સમિશન માટે નોકિયા અત્યાર સુધીનું સૌથી ઓછા વજનનું ઉપકરણ બનાવશે, જેનું વજન એક કિલો કરતાં પણ ઓછું હશે.

નોકિયાના જણાવ્યા અનુસાર, 4G ટ્રાન્સમિશન માટે 1800 મેગાહર્ટ્ઝ ફ્રિકવન્સી બેન્ડનો ઉપયોગ કરવામાં આવશે. એચડી વીડિયો માટે આ બૅન્ડ જરૂરી હોય છે.

સ્મિથસોનિયન ડોટ કોમના જણાવ્યા અનુસાર, પહેલા બન્ને રોબો બૅઝ સ્ટેશન એટલે કે લૉન્ચરને એચડી વીડિયો મોકલશે. એ વીડિયોને બૅઝ સ્ટેશન ધરતી પર મોકલશે.

આ રોબો નાસાના અપૉલો-17નું નિરીક્ષણ પણ કરશે. અંતરીક્ષયાત્રીઓએ ચંદ્ર પર જવા માટે છેલ્લીવાર અપૉલો-17નો ઉપયોગ કર્યો હતો.


4G શા માટે, 5G કેમ નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન સ્પેસ એકસમાંથી લોન્ચ કરવામાં આવશે મૂન મિશન

સવાલ એ છે કે આ મહત્વાકાંક્ષી મિશન માટે 4Gની પસંદગી શા માટે કરવામાં આવી છે, 5Gની કેમ નહીં?

રોયટર્સના એક રિપોર્ટમાં આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મિશન સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે 5Gનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાથી તેનો ઉપયોગ નહીં કરવામાં આવે.

પૃથ્વીથી 3.58 લાખ કિલોમીટર દૂર આવેલા ચંદ્રની સપાટી પર 5G કામ કરી શકશે કે નહીં, એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ફોર્ચ્યૂન ડોટ કોમના જણાવ્યા અનુસાર, રોબો એકમેક સાથે સંપર્ક માટે અત્યાર સુધી એનલૉગ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરતા હતા.

4G સાથે સંપર્ક સ્થાપવા માટે એનલૉગ રેડિયોની સરખામણીએ ઓછી ઊર્જાની જરૂર પડશે.


કેવા હશે રોબો?

Image copyright AUDI/BBC

પીટી સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, તેમના રોબોમાં ચાર પૈડાં હશે, જે ચંદ્રની ઉબડખાબડ સપાટી પર ભ્રમણ કરી શકશે.

30 કિલોગ્રામ વજનના રોબો વધુ પાંચ કિલો વજનનું વહન કરવા સક્ષમ હશે.

આ રોબો 4G ટેક્નોલોજીની મદદથી 3D વીડિયો બનાવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો