આ છે યાદશક્તિ વધારવાનો કારગત નુસખો

  • ડેવિડ રૉબસન
  • બીબીસી ફ્યૂચર
સૂઈ રહેલી વ્યક્તિની તસવીર

યાદશક્તિ વધારવા માટે લોકો એક જ નુસખો સૂચવતા હોય છે - વધુમાં વધુ યાદ કરવાની ટેવ પાડો.

પરંતુ કેટલીકવાર આ બધુ છોડીને એટલે કે ગોખવાનું મૂકીને શાંતિથી બેસવાથી પણ યાદશક્તિ તેજ થઈ શકે છે.

તમારા રૂમમાં પ્રકાશ ઓછો આવે તેવું કરો. આરામદાયક રીતે સૂઈ જાવ.

આંખો બંધ કરો અને પોતાને ખૂબ રિલેક્સ ફિલ થઈ રહ્યું છે તેવું વિચારો.

આવું કરવાથી તમે અનુભવશો કે જે બાબત યાદ રાખવાની કોશિશ કરી રહ્યા હતા તે તમને બરાબર યાદ રહી જશે.

યાદદાસ્તનો ખજાનો

યાદશક્તિને તેજ કરવા માટે એવું સૂચવાતું હોય છે કે ઓછામાં ઓછા સમયમાં વધારે શીખી લો, જાણી લો, સમજી લો.

પરંતુ અમુક સમય કશી ખલેલ વિના આરામ અને શાંતિથી બેઠા રહેવાથી પણ યાદશક્તિને તેજ કરી શકાય છે.

શાંતચિત્તે બેસવાથી ખાલી પડેલા દિમાગમાં યાદદાસ્તનો ખજાનો ભરી શકાય છે.

આ માટે તમારે તમારા મગજને શાંતિ આપવી જોઈએ, જેથી તે પોતાને રિચાર્જ કરી શકે.

તમને આ પણ વાંચવું ગમશે

શાંતિના અનુભવ માટે બેઠા હો ત્યારે ઈ-મેઇલ ચેક કરવાથી કે સોશિયલ મીડિયા ફિડ જોવાથી મનની શાંતિમાં ખલેલ પડી શકે છે.

કશું જ કર્યા વિના બેસી રહેવું તે આળસુ વિદ્યાર્થી માટેની નિશાની હશે, પણ સાચી વાત એ છે કે જેમની યાદશક્તિ નબળી છે, તેમના માટે આ નુસખો બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આપણા બધાની અંદર એ ક્ષમતા રહેલી જ છે કે આપણે શાંતિથી બેસીએ અને આપણી યાદશક્તિ વધારીએ.

સન 1900માં જર્મન મનોવિજ્ઞાનીનો પ્રયોગ

સન 1900માં એક જર્મન મનોવિજ્ઞાની જ્યોર્ગ એલિયાસ મ્યૂલર અને તેમના શિષ્ય અલ્પૉન્સ પિલ્જેકરે સૌપ્રથમ આ શોધ કરી હતી.

યાદશક્તિ કઇ રીતે વધે તેના પ્રયોગો દરમિયાન પિલ્જેકર અને મ્યૂલરે કેટલાક લોકોને અર્થ વિનાના કેટલા શબ્દો યાદ કરવા માટે આપ્યા હતા.

આ જૂથમાંથી કેટલાકને આરામ કરવાનું કહેવાયું. અન્ય લોકોને આરામ કરવા દેવાયો નહોતો. બાદમાં આ જૂથને ફરીથી નવા કેટલાક શબ્દો યાદ કરવા માટે અપાયા.

દોઢ કલાક પછી સૌને શબ્દો ફરી પૂછવામાં આવ્યા, ત્યારે બંને જૂથના જવાબો એકદમ અલગ હતા.

જે જૂથને વચ્ચે આરામ કરવા જણાવાયું હતું, તેના સભ્યોને પ્રથમ યાદીના પચાસ ટકા શબ્દો યાદ રહ્યા હતા.

તેની સામે આરામ કરવાની તક નહોતી મળી તેવા જૂથના સભ્યોને પ્રથમ યાદીના માત્ર 28 ટકા શબ્દો જ યાદ રહ્યા હતા.

મગજ કેટલું યાદ રાખી શકે છે?

એ વાત સ્પષ્ટ છે કે આપણું મગજ સતત નવી નવી ચીજોને યાદ રાખી શકે નહિ.

બે બાબતો આપણે યાદ રાખવા માગતા હોઇએ તો તે બંનેની વચ્ચે મગજને આરામ આપવો પડે. એમ થાય તો આપણી યાદશક્તિ વધારે સતેજ થાય છે.

આ બે વિજ્ઞાનીઓના પ્રયોગો બાદ ગત સદી દરમિયાન આ પ્રકારના અનેક સંશોધનો થયા છે.

2000ની સાલની શરૂઆતમાં સ્કૉટલેન્ડની એડિનબરા યુનિવર્સિટીના સર્જિયો ડેલા સાલા અને અમેરિકાની મિસૌરી યુનિવર્સિટીના નેલ્સન કોવાને આ વિશે એક જોરદાર સંશોધન કર્યું હતું.

આ બંને વિજ્ઞાનીઓની ટીમ એ જાણવા માગતી હતી કે શું વચ્ચે બ્રેક લેવાથી આપણું મગજ વધારે બાબતો યાદ રાખી શકે છે ખરું?

બંનેની ટીમે મ્યૂલર અને પિલ્જેકરની પદ્ધતિ પ્રમાણે પ્રયોગો કર્યા હતા. તેમણે પોતાના સંશોધન માટે પસંદ કરેલા લોકોને 15 શબ્દો આપ્યા હતા.

આરામનું મહત્વ

તેમાંથી કેટલાક લોકોને બ્રેક આપવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક લોકોને બીજા કામમાં વ્યસ્ત કરી રખાયા હતા.

દસ મિનિટ પછી એ શબ્દો વિશે પૂછવામાં આવ્યું. જે ટુકડીને આરામ કરવા મળ્યો હતો તેમને 49 ટકા શબ્દો યાદ રહી ગયા હતા.

જેમને બીજી બાબતોમાં વ્યસ્ત રખાયા હતા તે લોકો ફક્ત 14 ટકા શબ્દો યાદ કરી શક્યા હતા.

આ સંશોધનમાં આગળ બે જૂથો પાડીને તેમને એક કથા સંભળાવવામાં આવી. તેમાંથી કેટલાકને એક કલાક માટે આરામ આપવામાં આવ્યો.

બીજા લોકોને આરામની તક અપાઈ નહોતી. આરામની તક નહોતી મળી તે જૂથના લોકોને આ કથા વિશે સવાલો પૂછવામાં આવ્યા તેમાંથી સાત ટકાના જ જવાબો આપી શક્યા હતા.

3 ટકા બાબતો તેઓ ભૂલી ગયા હતા. તેની સામે આરામ અપાયો હતો તે જૂથના લોકોએ 79 ટકા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા હતા.

આરામના કારણે યાદશક્તિમાં 11 ગણો વધારો!

સર્જિયો ડેલા સાલા અને નેલ્સન કોવાનના સંશોધનમાં માઇકેલા ડેવાર પણ સામેલ થયાં હતાં.

તેમણે પોતે પણ બાદમાં આવા ઘણા પ્રયોગો કર્યાં હતાં. તેનાથી ખ્યાલ આવ્યો હતો કે વાંચતી-લખતી વચ્ચે જો થોડીવાર માટે આરામ કરી લઈએ, મગજને શાંત કરી દઈએ તો આપણી યાદશક્તિ ઘણી સારી થઈ જાય છે.

આ રીતે મનને શાંત પાડીને યાદ રાખેલી વસ્તુઓ લાંબો સમય યાદ રહે છે. માત્ર યુવાનો માટે નહિ, ઉંમરલાયક લોકો માટે પણ આ નુસખો અસરકારક સાબિત થાય છે.

માઇકેલા ડેવાર કહે છે કે આરામ કરતી વખતે મનની શાંતિમાં કોઈ ખલેલ પહોંચવી જોઈએ નહિ.

શાંતિનો ભંગ થાય તો ઉલટાની યાદશક્તિ પર વિપરિત અસર થાય છે. આ રીતે શાંતિથી આરામ કરતી વખતે મોબાઇલ-લેપટોપ કશાનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

ટીવી પણ નહિ જોવાનું. મનમાં બીજો કોઈ વિચારો ઘૂમે નહિ તેનું પણ ધ્યાન રાખવું.

જોકે, હજી સુધી તે પૂરેપૂરું સમજાયું નથી કે મગજ સ્મૃતિનો સંગ્રહ કેવી રીતે કરી છે.

સંશોધન પરથી ખ્યાલ આવ્યો છે કે મગજમાં કોઈ વસ્તુ નોંધાઈ તે પછી તેના પર અલગઅલગ પ્રક્રિયા થતી હોય છે. તેના કારણે સ્મૃતિ મજબૂત બનતી હોય છે.

શાંતચિત્તની દરેક ક્ષણનો ઉપયોગ

આપણે એવું માનતા હતા કે ઊંઘ દરમિયાન આપણું મગજ યાદોનો સંગ્રહ કરી લે છે.

નિંદરમાં હોઈએ ત્યારે હિપ્પોકેમ્પસ અને કૉર્ટેક્સ વચ્ચે સંદેશવ્યવહાર ચાલતો હોય છે.

આપણા મગજના હિપ્પોકેમ્પસ ભાગમાં સ્મૃત્તિ તૈયાર થાય છે અને કૉર્ટેક્સમાં તે જમા થાય છે.

કદાચ તેના કારણે જ રાત્રે જે વસ્તુઓ આપણી શીખીએ કે સમજીએ તે વધારે યાદ રહે છે.

જોકે 2010માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીની લીલા દાવાચીએ એક રિસર્ચમાં એ શોધી કાઢ્યું કે માત્ર ઊંઘ દરમિયાન જ યાદશક્તિમાં વધારો નથી થતો.

જો ઊંઘ સિવાયના સમયે પણ શાંતચિત્તે બેસીએ તો યાદશક્તિ વધે છે.

લીલાએ કેટલાક લોકોને અમુક તસવીરો અને આકૃત્તિઓ દેખાડી.

બાદમાં તેમને આરામ કરવા માટે જણાવાયું. આરામના વખતે જોવા મળ્યું કે પ્રયોગોમાં સામેલ લોકોના દિમાગમાં હિપ્પોકેમ્પસ અને કૉર્ટેક્સ વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો.

કદાચ આરામની દરેક ઘડીનો ઉપયોગ કરીને આપણું મન યાદશક્તિને મજબૂત કરી લેતું હોય છે.

તે વખતે આપણા મનને કોઈ ખલેલ પડે તો યાદશક્તિ નબળી પડી જાય છે. આ પ્રયોગોના કારણે અલ્ઝાઇમર થયો હોય તેમને પણ ફાયદો થઈ શકે છે.

આ રિસર્ચ વિશે કેટલાક મનોવિજ્ઞાનીઓ ખૂબ ઉત્સાહી છે. તેમને લાગે છે કે આ પ્રયોગોથી ઘણી માનસિક બિમારીની સારવારમાં મદદ મળશે.

આવું માનનારામાંથી એક છે યોર્ક યુનિવર્સિટીના એડિયાન હૉર્નર.

બ્રેક લેવાથી નવી બાબત શીખવામાં અનુકૂળતા

જોકે, હૉર્નર કહે છે તે પ્રમાણે, "હજી આપણે એ નક્કી નથી કરી શક્યા કે કેટલો સમય બ્રેક લેવાથી યાદશક્તિ તેજ થઈ શકે છે.

જોકે અલ્ઝાઇમર થયો હોય તે લોકોને આરામની પળો આપીને ઘણી રાહત આપી શકીએ છીએ."

બ્રિટનની નૉટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટીના થૉમસ બેગુલે કહે છે કે, અલ્ઝાઇમરના દર્દીઓને હાલમાં પણ આવી રીતે જ શાંતચિત્તે આરામ કરવાની સલાહ અપાય છે.

તેના કારણે તેમનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. જોકે, થૉમસને લાગે છે કે ડિમેન્શિયા એટલે કે ભૂલી જવાની બિમારી હોય તેમને આનાથી કોઈ ફાયદો થાય તેમ લાગતું નથી.

ટૂંકમાં બધા નિષ્ણાતો એટલું જરૂર સ્વીકારે છે કે વચ્ચે નાનકડો બ્રેક લેવાથી નવી બાબત શીખવામાં અને યાદ રાખવામાં આપણને રહે છે.

વચ્ચે થોડો સમય આરામ કરી લેવાથી વિદ્યાર્થીઓના ગ્રેડમાં 10થી 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

કોઈ પણ બાબતને યાદ કરીને તેનું પુનરાવર્તન કરવાનું હોય તો તે પહેલાં વચ્ચે બ્રેક લઇએ તો બહુ સારી રીતે તેને યાદ કરી શકાય છે.

યાદ રાખો કૉમ્યુનિકેશનના આ જમાનામાં માત્ર સ્માર્ટફોન નહિ, આપણા દિમાગને પણ રિચાર્જ કરવાની જરૂર હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો